અપિ ચ/વીરાંગના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વીરાંગના

સુરેશ જોષી

પાંચ ને પાંત્રીસે એ ઓફિસેથી છૂટે છે. છ પચ્ચીસ અને છ ચાળીસની વચ્ચે એ ઘેર આવે છે. ઉમ્બર આગળ ઊભી રહીને બટન દબાવે છે, અંદર ઘંટડી વાગે છે. બારણું ખૂલે છે. બેઠકના ઓરડામાંની રોકિંગ ચૅર હાલવાનો અવાજ સંભળાય છે. એ અંદર જાય છે. રોકિંગ ચૅરમાં બેઠેલી એની મા એની તરફ બે આંખો માંડીને જોઈ રહે છે. એ આંખો એની તરફ મંડાયેલી રહે છે ત્યાં સુધી એ ખસી શકતી નથી. એ આંખો એનાં ચોત્રીસ વર્ષોને એક પછી એક ઉકેલીને તપાસી લે છે. જન્મ વખતે એ હતી તેવી સાવ નવસ્ત્રી કરી નાખે છે. એનાં અંગેઅંગ છૂટાં કરીને ક્યાંય ખૂણેખાંચરે કશું સંતાઈને આવ્યું તો નથી ને તે જોઈ લે છે. પછી નવેસરથી, એક વાર ગર્ભમાં ગોઠવ્યાં હતાં તેમ, બધાં અંગો ગોઠવી દે છે. આ પ્રવૃત્તિના થાકથી આખરે પાંપણો નીચી નમી જાય છે. રૂંધેલો શ્વાસ મુક્ત થાય છે. તપાસ પૂરી થયાની એ નિશાની છે. પછી એ બેઠકના ઓરડાની સરહદ ઓળંગવાનો પરવાનો પામીને પોતાના ઓરડામાં જાય છે. જઈને સીધી દર્પણ સામે ઊભી રહી જાય છે. અહીં બીજી તપાસ શરૂ થાય છે. ચોત્રીસ વર્ષના ચોત્રીસ બુરજવાળો કિલ્લો સહીસલામત છે કે નહીં, એના કોટના કાંગરાની કાંકરી સરખી ખરી છે કે નહીં તે એ જોઈ લે છે. ખૂનખાર જંગ જામ્યો હોય, દુશ્મનો ઘેરો ઘાલીને પડ્યા હોય, દારૂગોળો ખૂટવા આવ્યો હોય ત્યારે દુશ્મનોને થાપ આપીને છટકી જવાને ખોદી રાખેલી સુરંગ કોઈએ પૂરી તો નથી દીધી ને એની પણ એ તપાસ કરી લે છે. એ સુરંગના બીજા છેડા સુધી એ હજુ સુધી કોઈ વાર ગઈ નથી. એટલી હિંમત એ એકઠી કરી શકી નથી – કદાચ ત્યાં કોઈ બુકાની બાંધેલો ઘોડેસ્વાર બીજો ઘોડો પલાણીને તૈયાર રાખીને ઊભો હોય, બીજો ઘોડોય શા માટે, એ જ ઘોડા પર એને ઉપાડી લઈ જવાને અધીર બનીને ઊભો હોય. પૃથ્વીરાજ જેમ સંયુક્તાને…

બેઠકના ઓરડામાંથી માએ બૂમ પાડી: ‘સંયુક્તા!’ કાંટાળા તારની અંદર પૂરી રાખેલા કેદીઓ પર પળેપળે ચકરાવા લેતી ફલૅશલાઇટની જેમ એ બૂમ એની ચારે બાજુ ફરી વળી, એ ધ્રૂજી ઊઠી. બારણું ખોલીને બહાર ગઈ. માએ નજર ઊંચી કર્યા વિના જ કહ્યું, ‘હાથ મોં ધોઈને જલદી તૈયાર થઈ જા. સાત વાગે બિપિનચન્દ્ર આવવાના છે.’

બિપિનચન્દ્ર કોણ તે એણે પૂછ્યું નહીં. આ પહેલાંય કાન્તિલાલ, જશુભાઈ, પ્રફુલ્લચન્દ્ર, રમણભાઈ કોણ છે તે વિશે એણે પૂછ્યું નહોતું. ઘડીભર એની માના સંધિવાથી અક્કડ થઈ ગયેલાં અંગોનો ભાર એના પર તોળાઈ રહ્યો. એ ચાલી ગઈ. જો સહેજ જ વિલમ્બ કર્યો હોત તો, ઉપરથી એકાએક તૂટી પડતા હિમખણ્ડની જેમ એ ભાર એના પર તૂટી પડ્યો હોત, કદાચ એ કચડાઈ ગઈ હોત.

એ ફરી પોતાના ઓરડામાં દાખલ થઈ. એના કિલ્લાના ચોત્રીસ બુરજો પર પતાકા ફરકાવી દીધી. એ સજ્જ થવા લાગી. એક પછી એક વસ્ત્ર એ ઉતારવા લાગી. નમી ગયેલા એના ખભા, હાંસડી આગળનો ખાડો – એ બોલી ઊઠી: ‘અલ્યા હેમન્ત, ચૌદ વરસનો થયો તોય તારે મારા ખભેથી ઊતરવું જ નથી, ખરું ને? એવું ક્યાં સુધી ચાલશે? તારી ઉંમરના બીજા તો નિશાળે જાય છે, ક્રિકેટ રમે છે, મા અધીરી બનીને રડું રડું થઈ જાય ત્યારે ઘેર આવે છે, ને તું! તું તો મારે ખભેથી નીચે જ નથી ઊતરતો. પછી બધા તને ચીઢવશે: તારી મા ખૂંધી, તારી મા ખૂંધી!’ એની સાડી વધુ નીચે સરી પડી. એણે પોતાનાં બે સ્તનને શોધ્યાં. ક્યાં હતાં એ? એને એની માના ચરબીથી ઝૂલી પડતાં સ્તન યાદ આવ્યા. મા બેઠી બેઠી બધું શોષી લે છે. હું એનું ભક્ષ્ય છું – એની લાળમાં લપેટાઈને રહું છું. એણે વક્ષ:સ્થળ પર હાથ ફેરવ્યો. બે ડીંટડીઓ એની કોમળ હથેળીમાં પેસી ગઈ. એણે હાથ પાછો ખેંચી લીધો. એને કિલ્લાનો દરવાજો યાદ આવ્યો. એ દરવાજાની બહારની બાજુએ કેવા અણીદાર ખીલાઓ હોય છે! દુશ્મનોના હાથી-ઊંટ એના પર ધસારો કરે છે ત્યારે એ અણીદાર ખીલા ભોંકાવાથી કેવા તો લોહીલુહાણ થઈ જાય છે, ને ફરીથી એણે સ્તનાગ્રની કઠોર તીક્ષ્ણતાને પોતાની કોમળ હથેળી પર કસી જોઈ, ને એ હસી.

માની તીક્ષ્ણ દૃષ્ટિની સરાણે ચઢીને ધારદાર બનેલાં હાડકાં પર ચપોચપ સીવી લીધેલો એનો ચહેરો એ દર્પણમાં જોઈ રહી. ઉપરના દાંતથી એણે નીચલો હોઠ દબાવ્યો. પછી હોઠને એકાએક મુક્ત કરીને છણકો કરતી બોલી ઊઠી: ‘એવા છો ને તમે તો! લાવો જોઉં, હું તમારો હોઠ કરડું. શું કહ્યું? દોસ્તારો વાત કળી જશે. મશ્કરી કરશે. તો છો ને કરતા. મારી સહિયરોય મારી મશ્કરી નહીં કરતી હોય? ઓહો! કેમ મોઢું ફેરવી લીધું? રિસાઈ ગયા? વારુ, એવું નહીં કરું, બસ.’ ને એણે ફરીથી ઉપલા દાંતથી નીચલો હોઠ દબાવ્યો. જોરથી કચડાઈ જવાથી એ સિસકારો કરી ઊઠી ને એ પોતાની એ મુદ્રા દર્પણમાં દેખાઈ જતાં એણે મોઢું ફેરવી લીધું.

એ મોઢું ધોવા બાથરૂમમાં ગઈ. એણે પાણીથી મોઢું ધોવાનો નહિ પણ ચહેરાને ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો. આંખની બે ભમરને સાંધતી રુવાંટી, હોઠ પરની રુવાંટી, ચિબુકની અણી પરના મસામાંનો એક વાળ – એ ઘસી ઘસીને લૂછવા લાગી. ઝાંખા પડી ગયેલા દર્પણને સ્વચ્છ કરતી હોય તેમ એ લૂછ્યે જ ગઈ. એ દર્પણ સ્વચ્છ થતાં એમાં કોઈ નવો જ ચહેરો નહીં દેખાય? એને કુતૂહલ થયું. ચહેરા પરનાં ચોત્રીસ પડ જો ઘસી નાખે તો? તો પોતે પોતાને ઓળખી શકે ખરી? પછી ‘પોતા’ જેવું રહે જ શું? – આ વિચારે એ બમણા ઉત્સાહથી ચહેરો ઘસી ઘસીને સાફ કરવા લાગી. એકાએક એને થયું: મારા બે હાથ જોડે બીજા કોઈ બે હાથ મારો ચહેરો ઘસીને સાફ કરી રહ્યા છે. એ હાથ કોના હશે તે જોવા એણે આંખો ખોલી. ફરફરતા બારીના પડદાના પડછાયાની ઓથે કોઈ લપાઈ જતું લાગ્યું. એ સાવધ બની. એણે ઝટઝટ શરીરને વસ્ત્રોમાં લપેટી લીધું. ચોત્રીસ વર્ષના સાંધા સાંધી લીધા – સત્તર વર્ષના ભારેલા અગ્નિની જ્વાળાએ રેણ કરીને એ સાંધા સાંધી લીધા, ને એ બાથરૂમની બહાર આવી. ટોઇલેટ ટેબલ આગળ જઈને ઊભી રહી. ત્યાં નહોતી દેખાતી ફીત કે નહોતી દેખાતી બંગડીઓ. એ આમતેમ શોધવા લાગી. ચોર દેખાઈ ગયો હોય તેમ, દોડીને એનો પીછો પકડતાં બોલી, ‘ઊભી રહે તું, આ વખતે ઠીક લાગમાં આવી છે. મારી બધી ફીત સંતાડી દીધી છે. ખરું ને? તારા હાથ તો છે આવડા ટબૂકડા. મારી બંગડી તું શી રીતે પહેરવાની હતી? ને બંગડી તૂટે કરે ને કાચ વાગી જાય તો? ઊભી રહે. વારુ, દોડીને કેટલેક જવાની છે. તારી સંતાવાની જગ્યા હું જાણું છું. હં કે…’ કોઈ જોડે સંતાકૂકડી કે પકડદાવ રમતી હોય તેમ એ આમતેમ દોડાદોડ કરવા લાગી, એનાં ચોત્રીસ વર્ષો નાના બાળકના હાથમાંથી કાગળો સરી પડીને પવનમાં ઊડાઊડ કરે તેમ જાણે ચારે બાજુ ઊડવા લાગ્યાં. ત્યાં જ કોઈકે બારણે ટકોરા માર્યા. એ સફાળી પોતાની જાતને એકઠી કરવા લાગી. એની મા તો વ્હીલ ચૅરમાં જ ફરી શકતી. એનાથી ઉપર આવી શકાય તેમ હતું જ નહીં. પણ જે કોઈ ઉપર આવે તે માની પરવાનગી મેળવ્યા વિના તો ન જ આવી શકે. કોણ હશે એ? ત્યાં ફરી ટકોરા પડ્યા. એણે પૂછ્યું: ‘કોણ?’ પ્રશ્નનો કશો ઉત્તર મળ્યો નહિ. એ બારણું ખોલવા ગઈ. અર્ધું બારણું ખોલીને એની પાછળ ઊભી રહી ગઈ. આથી પ્રવેશનાર સંકોચથી ઉમ્બર પર જ ઊભું રહી ગયું. એણે વિનયપૂર્વક ફરી પૂછ્યું: ‘હું અંદર આવી શકું?’ એ સમજી ગઈ. આ તો બિપિનચંદ્ર. એ બારણા પાછળથી બહાર આવી. ઉમ્બર આગળ ઊભી રહી. પછી કહ્યું: ‘આપણે નીચે બેઠકમાં જ બેસીએ તો?’ નીચે એની મા કાન સરવા રાખીને જ બેઠી હતી. એણે આ સાંભળ્યું. એ બોલી: ‘ના, તમને વાતો કરવી ઉપર જ વધુ ફાવશે.’

આ માત્ર સૂચન નહોતું, આદેશ હતો. બિપિનચન્દ્ર આગળ વધ્યા. એમણે જોયું તો એ નાના ઓરડામાં એક્કેય ખુરશી ન હતી. આથી બેસવું હોય તો ખાટલા પર જ બેસવું પડે એમ હતું. ઘડીભર સંકોચ અનુભવતા એ ઊભા રહ્યા. પછી બીજો કશો ઉપાય નહીં જોતાં ખાટલા પર જ બેસી પડ્યા. બેસતાંની સાથે વિશિષ્ટ અધિકારનો ભોગવટો એમને મળી ગયો હોય એવું એમને લાગ્યું.

દર્પણમાંના બિપિનચન્દ્રના પ્રતિબિમ્બને એ જોઈ રહી. અકરાંતિયાની જેમ એમણે જિંદગીનાં વર્ષો ઠાંસી ઠાંસીને ભર્યાં હતાં. એનો ભાર ઉપાડવાનું એ જાણે સાધનમાત્ર હતા. એના હાથને કશું ઝાલવાનું જોઈએ તે માટે એ કોઈ સ્ત્રીનો હાથ શોધતા હતા. એના હાથ તરફ એની નજર ગઈ. એમના હોઠ પર જે શબ્દો નહોતા આવતા તે એ હાથની દસ આંગળીઓ ગોખી રહી હતી. એ આંગળીઓ અનુભવી હતી. આવા અનેક પ્રસંગોની એને યાદ હતી. ઉશીકાની પાસે પડેલી ચોળીનાં બટનને એ આંગળીઓ રમાડવા લાગી. એનાથી તરત પુછાઈ ગયું: ‘તમે શું કરો છો?’

બિપિનચન્દ્રે વિગતવાર જવાબ આપ્યો: ‘એક્સપોર્ટ ઇમ્પોર્ટનું બિઝનેસ છે. ફોર્ટમાં જગ્યા મળી જાય તો એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર કરવાનો પણ વિચાર છે, સુરત પાસે ઉધનામાં આટિર્ફિશિયલ સિલ્કની મિલ પણ ભાગીદારીમાં ઊભી કરવાનો વિચાર છે.’ એઓ બોલ્યે ગયા, પણ એ હવે શું કરવું તેની યોજના ઘડતી હતી, ચા કે નાસ્તો લેવાને બહાને નીચે જવું – પણ પછી શું? એને વાતોમાં રોકેલા રાખવા – પણ ક્યાં સુધી? એ આ ગડમથલમાં હતી ત્યાં જ બિપિનચન્દ્રે પૂછ્યું: ‘ચાલો, જરા કારમાં બહાર ફરી આવીશું?’ એણે કહ્યું: ‘આજે તો આઠ વાગે મારી બહેનપણી આવવાની છે, ફરી કોઈ વાર.’ ‘ફરી કોઈ વાર’ એણે પાછળથી શા માટે ઉમેર્યું તે એને પોતાને જ નહીં સમજાયું. બિપિનચન્દ્ર કશું ન સૂઝતાં એની સામે ટગર ટગર જોઈ રહ્યા હતા. આટલા નાના ઓરડામાં એમની એ દૃષ્ટિ એની સાથે અથડાઈને વળી ચારે બાજુની વસ્તુઓ સાથે ટકરાઈને એને વાગતી હતી. એ દૃષ્ટિ એના સુધી પહોંચે તે પહેલાં જ એને વચ્ચેથી છેદી નાખવાનો એ રસ્તો શોધવા લાગી. એ એકાએક પૂછી બેઠી: ‘તમારાં છેલ્લા લગ્ન ક્યારે થયેલા?’ બિપિનચન્દ્ર ચમક્યા. એમનાથી બોલાઈ ગયું: ‘છેલ્લા લગ્ન? છેલ્લા શા માટે? હું તો તમને કહેવા આવ્યો છું કે –’ વાક્ય એમણે પૂરું કર્યું નહીં. એઓ ઊભા થયા. ટોઇલેટ પાસે આવ્યા. એ વેળાસર ચેતી ગઈ. એણે લગભગ દોડી જઈને બારણું ખોલતાં કહ્યું: ‘હું હમણાં ચા નાસ્તો લઈને આવું છું.’ ને બિપિનચન્દ્ર કશું બોલે તે પહેલાં એ નીચે ઊતરી ગઈ. માએ ઓરડામાંથી જ બૂમ પાડી, ‘સંયુક્તા’, ને એ ઊભી રહી ગઈ. મા ફરીથી વેધક દૃષ્ટિએ એને તાગી રહી. ગાલ પર રતાશ નહોતી, પણ શ્વાસ જોરથી ચાલતો હતો. મા ખંધાઈભર્યું હસી. કશું બોલી નહીં. આથી સહેજ ધૂંધવાઈને એણે પૂછ્યું: ‘શું કહેતી’તી તું?’

મા બોલી: ‘ના, કશું નહીં,’

રસોડામાં જઈને એ બિપિનચન્દ્રનો વિચાર કરવા લાગી. મોટરમાં આગલી સીટ ખાલી રહે છે એ પૂરવાની છે. એમાં બાળક જેવી કશીક લાચારી હતી. કજિયો કરતા બાળકને એકાદ ટીપું મધ આપીએ તો બસ. એ બબડી: એકાદ ટીપું મધ! ફરી એ ઉપર આવી ત્યારે બિપિનચન્દ્ર ટોઇલેટ ટેબલ આગળના એના કોલેજ કાળના ફોટાને જોતા ઊભા હતા.

એમણે પૂછ્યું: ‘તમે બી.એ.’50માં થયાં? હું બી.કોમ.’42માં થયો.’ એણે કશો જવાબ વાળ્યો નહીં. ‘42ના બિપિનચન્દ્રને એ સાકાર કરવા મથી. બે મૃતપત્નીઓના સંસારને ખસેડીને એમને એ રૂપે જોવાનો પરિશ્રમ કરવા એ શા માટે લલચાઈ? એણે ચાનું કપ એમની આગળ ધર્યું. એમણે એમની આંગળી નીચે એની આંગળી દાબી દીધી. એ દાબમાં પેલી બે મૃતપત્નીઓના હાથનો પણ સ્પર્શ હતો. એ સ્પર્શથી ધ્રૂજી ઊઠી.

બિપિનચન્દ્ર બોલ્યા: ‘કેમ ધ્રૂજી ઊઠ્યાં? તમે તો સાવ નાનાં નથી!’ એના કિલ્લાના ચોત્રીસ બુરજો પરની પતાકાઓ ફરફર ફરકી રહી. એણે પોતાના હાથને છોડાવવાનો પ્રયત્ન કર્યો નહીં. બિપિનચન્દ્ર એને પાસે ખેંચવા લાગ્યા. એ ખેંચતા હાથમાં ડૂબતા માણસના મરણિયાવેડા હતા. એ હાથને એ પોતે જ પંપાળીને આશ્વાસન આપવા લાગી. સાંજ વેળાના આછા અન્ધકારમાં બિપિનચન્દ્રની આકૃતિની માત્ર રૂપરેખા જ દેખાતી હતી. એની બધી વિગતો ભુંસાઈ ગઈ હતી. એક હૃષ્ટપુષ્ટ કાયા, ભીરુ પારેવાના જેવો એ હાથ, એની મદદે બીજો હાથ આવ્યો. એ બે હાથના ઘેરા વચ્ચે એ પુરાઈ ગઈ. અજાણ્યા શરીરની આબોહવામાં એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. એ ચક્કર ખાઈ ને પડી જશે એવું એને લાગ્યું. એનું માથું એણે બિપિનચન્દ્રના વક્ષ:સ્થળ પર ટેકવી દીધું. એણે ધબકારા સાંભળ્યા – એ ધબકારા હતા કે દોડતા ઘોડાના દાબડા? બિપિનચન્દ્રનો ભીરુ હાથ હિંમત એકઠી કરીને આગળ વધ્યો. એની આંખો સામે ચિત્ર ખડું થયું, દુશ્મનોએ ચારે બાજુથી ઘેરો ઘાલ્યો છે. કિલ્લાના દરવાજા પર ધસારો કર્યો છે. દૂર સુરંગની પેલી પાર વગડો વીંધીને ઘોડેસવાર પૂરપાટ દોડ્યો આવે છે, એના દાબડા એ સાંભળે છે. ત્યાં એકાએક બિપિનચન્દ્રના હાથ ઢીલા પડ્યા. એમની પકડમાંથી એ સરી પડી. બિપિનચન્દ્ર ખસી ગયા. ઊભા થઈને બોલ્યા. ‘તો આવશો ને કોઈ વાર? 48, વોડર્ન રોડ.’ એણે આ પૂરું સાંભળ્યું નહીં. હાથી ઊંટ અણીદાર ખીલા સાથે અથડાઈને પાછાં ફર્યા. દૂર ઘોડાના દાબડા હજી સંભળાતા હતા. એણે ભાનમાં આવીને જોયું ત્યારે ઓરડામાં એ એકલી હતી. અન્ધકાર સિવાય બીજું કશું એની સાથે નહોતું. એ ભયત્રસ્ત બનીને બારણું ખોલીને નીચે ઊતરી ગઈ. મા વ્હીલ ચૅર ખસેડીને એને પૂછવા જ આવતી હતી. ત્યાં એ એકદમ વળગી પડી. માનાં બે સ્તન વચ્ચે એનું મોઢું દબાઈ ગયું. માની છાતીના ધબકારામાં ફરી એને પેલા ઘોડેસ્વારના ઘોડાના દાબડા કાને પડ્યા. માનાં બન્ને સ્તન એને બે બાજુથી ગૂંગળાવી નાખતાં હતાં. એમાંથી છૂટવા મથવા લાગી. નખના નહોર ભરીને એ સ્તનને જાણે પીંખી નાખ્યાં. પણ ચારે બાજુ અન્ધકાર છવાતો ગયો. આ પેલી સુરંગ હતી? દૂર દૂરથી પેલો ઘોડેસવાર એને સાદ દઈ રહ્યો હતો. સંયુક્તા! સંયુક્તા!