અભિમન્યુ આખ્યાન/આસ્વાદલક્ષી અભ્યાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અભિમન્યુ-આખ્યાન : આસ્વાદ-સમીક્ષા

પરાક્રમગાથા અને યુદ્ધગાથાની લોકપ્રિય કથા


ભરત ખેની


મહાભારતની કથા માનવજીવનનાં અનેકવિધ આલેખનોથી ભરપૂર જાણે કે કોશ છે. ભગવાન શ્રીકૃષ્ણ આ કથામાં સર્વવ્યાપી હોવા છતાં સ્વઓળખ અને સ્વતેજે સ્વતંત્ર તરી આવતા કર્ણ-અર્જુન સમા મહારથીઓ સાથે શોભતો નાનો પણ તેજસ્વી તારા જેવો અભિમન્યુ આ વિરાટ કથાની પાત્રસૃષ્ટિમાં એના વિશિષ્ટ વ્યક્તિત્વથી આગળ તરી આવે છે. મહાભારતની કથામાં, માત્ર અર્જુનપુત્ર તરીકે જ નહિ પણ મહાપરાક્રમી યોદ્ધા તરીકે તેનું સ્થાન છે એટલું જ નહિ પણ અર્જુનની ગેરહાજરીમાં સમસ્ત પાંડવસેનાને, ચક્રવ્યૂહ-યુદ્ધમાં દોરનાર માર્ગદર્શક તરીકે તેનું મહત્ત્વ વધી ગયું છે. વળી આ પરાક્રમશીલતા અને વ્યૂહનૈપુણ્ય તેની મુગ્ધાવસ્થાના સંદર્ભમાં તેના વ્યક્તિત્વને, કથામાંના તેના મહત્ત્વને તેમ જ તેની લોકપ્રિયતાને ઓર વધારનારાં નીવડ્યાં છે. અભિમન્યુનું એક બાજુથી તારુણ્યયુક્ત મુગ્ધ વ્યક્તિત્વ અને બીજી બાજુથી પ્રભાવી અને પ્રચંડ પરાક્રમશીલ એવું વ્યક્તિત્વ એના પર ઢોળાયલી, ઉત્તરાના અલ્પસહવાસથી ઘેરી બનેલી, અંતિમ કરુણતાથી છાયાથી સવિશેષ હૃદયસ્પર્શી નીવડે છે.

અર્જુનના પુત્ર અને કૃષ્ણના ભાણેજ તરીકે માતૃપિતૃકુલની અસાધારણતા, ઉત્તરા સાથેનો લગ્નસંબંધ અને અલ્પ સમાગમ, ચક્રવ્યુહની ‘કોઠાસૂઝ’ અને તેની અપૂર્ણતા, અને આ બધાંને પરિણામે અંતે જતાં પરાક્રમી છતાં કરુણાન્ત એવી અભિમન્યુની કથા મુગ્ધતા, વીરતા, શૃંગાર અને કરુણના અદ્ભુત રસ સંમિશ્રણનો આસ્વાદ કરાવવાની ક્ષમતા ધરાવે છે. આથી અભિમન્યુની મુગ્ધતાથી વહાલપ અનુભવતું, એના અપૂર્વ શૌેેર્ય પ્રદર્શનથી ઉત્સાહિત થતું અને એના કરુણાન્તથી અત્યંત દુઃખી બનતું લોકહૃદય આ કથાનાં અનેક પુનરાવર્તનોની પરંપરા પ્રેરે એ સ્વભાવિક છે અભિમન્યુની કથા આપણા સાહિત્યમાં કાવ્ય, વાર્તા, નાટક અને લોકસાહિત્યનાં અનેક સ્વરૂપોમાં એક યા બીજી રીતે, અનેક રૂપે પ્રાચીન કાળથી તે આજ સુધી વારંવાર પુનરાવર્તિત થયા જ કરી છે. અભિમન્યુનો માતૃપક્ષીય સંબંધ શ્રીકૃષ્ણ સાથેનો રહ્યો હોવાથી કૃષ્ણચરિત્રના સંદર્ભમાં પણ અભિમન્યુના ઉલ્લેખ મળે તે સ્વાભાવિક છે. આથી વિષ્ણુ, ગરુડ, બ્રહ્માંડ, વાયુ, મત્સ્ય, ભાગવત વગેરે પુરાણોમાં અભિમન્યુના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મહાભારતના કથાપ્રસંગો પર આધારિત કૃતિઓ જેવી કે ક્ષેમેન્દ્રની ‘ભારતમંજરી’, કાંચનકવિનું ‘ધનંજયવિજય’ વગેરેમાં, તેમજ ભાસનાં ‘પંચરાત્ર’ અને ‘દૂત-ઘટોત્કચ’ વગેરે જેવાં નાટકોમાં પણ અભિમન્યુની કથા/વાર્તાના મહાભારતકથિત/કલ્પિત કથાપ્રસંગો નિરૂપાયા છે. જૈન કવિઓ દેવભદ્રસૂરિ, શુભવર્ધન ગણિ અને દેવવિજયનાં ‘પાંડવચરિત્ર’માં પણ અભિમન્યુના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ બધી કૃતિઓમાં, નાની વિગતોના ફેરફાર/પાઠ ફેરફારને બાદ કરતાં, મોટેભાગે મહાભારતની કથામાંની વાર્તાનું જ માળખું જળવાયું હોય તેવું જણાય છે. આ ઉપરાંત સ્વતંત્ર રીતે પણ લોકસાહિત્યમાં અભિમન્યુના કથાનક વિષયક વાર્તા, કથા, રાસડા, ગરબીઓ અને રાજિયા-પરજિયા વગેરે સ્વરૂપે/રૂપે પ્રાપ્ત થાય છે.

(૧)


મહાભારતમાં અભિમન્યુની વાર્તા આદિપર્વ, વિરાટપર્વ, ભીષ્મપર્વ ને દ્રોણપર્વમાં વિસ્તરેલી છે. પૃથ્વી પરના પાપનાશન માટે બ્રહ્માએ દેવોને અવતાર સેવા આજ્ઞા કરી. તે આજ્ઞા અનુસાર સોમનો પુત્ર વર્ચસ્-વર્ચા–અભિમન્યુ રૂપે અવતર્યો. સોમે ત્યારે જ શરત કરી હતી કે સોળ વર્ષની ઉંમરે તે નરનારાયણ(કૃષ્ણ) વિનાના યુદ્ધમાં ચક્રવ્યુહમાં અનેક મહારથીઓનો સંહાર કરીને પાછો આવશે. પાંડવપુત્ર અર્જુન અને કૃષ્ણની બહેન સુભદ્રાના પુત્ર તરીકે અભિમન્યુના જન્મ થતાં પાંડવોએ દાનાદિથી ઉત્સવ કર્યો કૃષ્ણએ અભિમન્યુ પ્રત્યેના પ્રેમથી સર્વ મંગલક્રિયાઓ કરી. અર્જુને તેને યુદ્ધવિદ્યામાં નિપુણ કર્યો. પાંડવોએ બાર વર્ષના વનવાસ પછી તેરમે વર્ષે વિરાટનગર/મત્સ્યદેશમાં ગુપ્તવાસ ગાળ્યા પછી અંતે વિરાટ રાજાની કુંવરી ઉત્તરાનાં અભિમન્યુ સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ, પાંડવોને રાજ્યભાગ ન મળવાને કારણે મહાભારતનું યુદ્ધ મંડાયું. આ યુદ્ધમાં, અભિમન્યુની પાંડવપક્ષના મહારથીઓમાં ગણના થાય છે, અને એની વીરતાની ઘણી વિગતો મહાભારતકારે વખાણી છે. પહેલા જ દિવસથી તેનાં પરાક્રમો નોંધાય છે. બીજે દિવસે પાંડવોએ રચેલા કૌંચ વ્યૂહમાં અર્જુન ઘવાતાં અભિમન્યુ પરાક્રમ દાખવે છે તથા અભિમન્યુ-લક્ષ્મણ યુદ્ધ થાય છે. છઠ્ઠે દિવસે તેને ભીમને મદદ કરતો વર્ણવ્યો છે તો નવમે દિવસે કૌરવપક્ષને ‘જાણે આ બીજો અર્જુન હોય’ એવી ભ્રાન્તિ કરાવતો તે અલંબુષ દાનવનો વધ કરે છે. દસમે દિવસે અભિમન્યુ-દુર્યોધન યુદ્ધ થાય છે. દશમા દિવસને અંતે ભીષ્મ હણાય છે. અગિયારમા દિવસથી કૌરવપક્ષે દ્રોણ સેનાપતિ થાય છે. અગિયારમે દિવસે દ્રોણ યુધિષ્ઠિરને પકડવાના ઘણા પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ જાય છે. આ વખતે અભિમન્યુ અને પૌરવ જયદ્રથ સાથે અસિયુદ્ધ અને શલ્ય સાથે ગદાયુદ્ધ ખેલે છે. બારમે દિવસે અર્જુનને યુક્તિપૂર્વક સંશપ્તકો સાથે યુદ્ધ કરવામાં રોકી દ્રોણ ફરીથી યુધિષ્ઠિરને પકડવાનો પ્રયત્ન કરે છે, છતાં તે સફળ થતા નથી. અર્જુનની ગેરહારજરીમાં અભિમન્યુ પરાક્રમપૂર્વક યુદ્ધ કરે છે અને કર્ણ સામે લડે છે. વારંવાર નિષ્ફળ થવાથી અકળાયેલા દુર્યોધનના ઠપકાથી પ્રેરાયેલા પ્રતિજ્ઞાબદ્ધ દ્રોણ તેરમે દિવસે ભીષણ સંગ્રામનું આયોજન કરે છે. ફરીથી અર્જુનને સંશપ્તકો આહ્વાન દ્વારા યુદ્ધ કરવા લઈ જાય છે. આ બાજુ દ્રોણ ચક્રવ્યૂહ રચે છે. ચક્રવ્યૂહભેદના જ્ઞાતા અર્જુન, કૃષ્ણ અને પ્રદ્યુમ્નની ગેરહાજરીમાં, અભિમન્યુ પાંડવ સૈન્યને દોરે છે. પરંતુ તે પ્રવેશ જાણે છે, પ્રવેશ કર્યા બાદ બહાર નીકળવાનો માર્ગ જાણતો નથી. તેની જવાબદારી ભીમ લે છે. અભિમન્યુ મહા પરાક્રમપૂર્વક પાંડવસેનાને ચક્રવ્યુહમાં પ્રવેશ કરાવે છે. પણ જયદ્રથ શિવવરદાનને બળે સૌને બહાર રોકી રાખે છે. આથી અભિમન્યુ એકલો વિખૂટા પડી જાય છે. તે છતાં અભિમન્યુ વીરતાપૂર્વક યુદ્ધ કરી અનેક પરાક્રમ કરે છે અને અનેક મહાસુભટોનો સંહાર કરે છે. અંતે યુદ્ધનીતિ વિરુદ્ધ છ મહારથીઓ એકઠા મળી તેના પર સામટો હલ્લો કરે છે અને તેને ધનુષ્ય, રથ, ખડગ વગેરે વિહાણો કરી નાખે છે. નિઃશસ્ર થતાં અભિમન્યુ રથચક્રથી લડે છે તેને પણ તોડી નાખવામાં આવે છે. છેવટે દુઃશાસનના પુત્ર સાથે તેનું ગદાયુદ્ધ થાય છે તેમાં બંને મૂર્છિત થાય છે. દુઃશાસનપુત્ર મૂર્છામાંથી વહેલો જાગે છે અને અભિમન્યુના મસ્તક પર ગદા પ્રહાર કરે છે. આમ અંતે અભિમન્યુ વીરમૃત્યુને વરે છે. પાંડવો શોકગ્રસ્ત થઈ જાય છે. (જુઓ મહાભારત : ભીષ્મપર્વ, અધ્યાય ૪૭,૫૨,૭૮,૧૦૦. તથા દ્રોણપર્વ ૨,૩૪થી ૪૯.) સાંજે સંશપ્તકો સાથેના યુદ્ધમાંથી પરત ફરતાં અર્જુન અભિમન્યુના અવસાનના સમાચાર સાંભળી શોકગ્રસ્ત થાય છે અને ક્રોધપૂર્વક જયદ્રથવધની પ્રતિજ્ઞા કરે છે. ચૌદમે દિવસે કૌરવોના શકટવ્યૂહને ભેદતાં સાંજ સુધીમાં જયદ્રથ ન મરાતાં કૃષ્ણ સંધ્યાકાળની ભ્રાંતિ ઉપજાવે છે. જયદ્રથ ભ્રાંત થઈ પ્રગટ થાય છે તે જ ક્ષણે ભ્રાંતિ દૂર થાય છે તરત જ અર્જુન તેનું મસ્તક ઉડાવી નજીકમાં જ તપશ્ચર્યા કરતા તેના પિતાના ખોળામાં નાખે છે. જયદ્રથનું માથું પૃથ્વી પર નાખનારના માથાના સો કકડા થઈ જશે એ વરદાનના પરિણામથી અર્જુન બચી જાય છે અને અચાનક આવી પડેલા મસ્તકને જમીનપર હડસેલતાં વૃદ્ધક્ષત્રનું જ મૃત્યુ થાય છે. (જુઓ : પૌરાણિક કથાકોશ, ભાગ-૨, લે. બેરિસ્ટર ડાહ્યાભાઈ દેરાસરી. પૃ. ૧૭૦) મહાભારતમાંની આ કથામાં મુખ્ય ભાગ તો અભિમન્યુનાં યુદ્ધ પરાક્રમો જ રોકે છે અને આમ આ કથા સોળ વર્ષના નવયુવાન વીરની કરુણાંત પરાક્રમગાથા જ બની રહે છે. લોકપ્રસિદ્ધ અભિમન્યુકથામાંની દાનવઅંશની વાત કે કૃષ્ણ સાથેનું તેનું વેર, તેમ જ રણક્ષેત્ર પર તેનું ઉત્તરા સાથેનું એકમાત્ર મિલન— આમાંની કોઈ કથા મૂળ મહાભારતમાં નથી.


(૨)


‘પ્રેમાનંદકૃત અભિમન્યુ-આખ્યાન’ની કથા લોકપ્રસિદ્ધ વાર્તા પર આધારિત છે. પ્રેમાનંદ આખ્યાનનો પ્રારંભ દ્રોણપર્વમાંના પ્રસંગથી કરે છે અને ધૃતરાષ્ટ્રના ‘ગોવિંદને શું વેર?’ એવા પ્રશ્નના ઉત્તરમાં સંજયમુખે અભિમન્યુના દાનવરૂપની પૂર્વકથા કહેવરાવી છે. સમગ્ર કથા કેવી રીતે આ આખ્યાનનાં કડવાંમાં વિસ્તરી છે એ જોઈએ. પ્રેમાનંદે, ૫૧ કડવાંના આ આખ્યાનમાં ૨૦ કડવાં અભિમન્યુના જન્મ સુધીની કથા કહેવામાં લીધાં છે, અને એ કથા કહેતાંકહેતાં કવિ કૃષ્ણની કપટલીલા, સ્ત્રીસ્વભાવની લાક્ષણિકતાઓ અને મધ્યકાલીન સમાજજીવનના અંશો વગેરે વિગતે વર્ણવી લે છે. અહિલોચનકથા અને અભિમન્યુ-જન્મ એમ દ્વિદલ પ્રસંગને આ પ્રથમ ખંડમાં મામા ભાણેજના પરસ્પરના પરિચય દ્વારા ૨૧મા કડવામાં કવિ પૂરો કરે છે, પછીનાં બે કડવાં અભિમન્યુના લગ્નપ્રસંગને કવિ આપે છે અને આ રીતે ૫૧ પૈકી ૨૩મા કડવા પછી આ આખ્યાન મહાભારતપ્રસિદ્ધ યુદ્ધકથા તરફ આપણને દોરે છે. યુદ્ધકથા તરફ પ્રયાણ કરતાં પ્રેમાનંદ ૨૪માં કડવામાં મહાભારતના કથાતંતુને નિર્દેશી, ઉત્તરાના આણાવાળી કથા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે, કડવા ૨૫ થી ૩૭ એમ ૧૩ કડવાનો આ બીજો ખંડ વિવિધ ભાતવાળી કથાનો પરિચય કરાવે છે. ૩૮માં કડવાથી આરંભાતા કાવ્યના ત્રીજા ખંડમાં અભિમન્યુનો કૌરવસેના પર પડતો પ્રભાવ કવિ વર્ણવે છે અને પછી આપણને યુદ્ધ કથાનો પ્રત્યક્ષ પરિચય મળે છે. કડવા ૩૯ થી ૪૯ એમ ૧૧ કડવામાં વીરને કેન્દ્રમાં રાખી વાતાવરણમાં કરુણ અને અન્ય રસોની છાયા પ્રસારતી આ કોઠાયુદ્ધની કથા વિગતે વર્ણવાઈ છે અને અભિમન્યુના મૃત્યુ સાથે એનો અંત આવે છે. ૫૦માં કડવાની વલણ પૂર્વેની પંક્તિ ‘સૌભદ્ર રૂપી હો સૂરજ આથમ્યો જી’ એમ છે. એ સૂરજ/અભિમન્યુ આથમવાનાં સમાચાર સાંભળીને અર્જુન અને કૃષ્ણને મૂર્છા વળે છે- એકને સાચી, બીજાને કદાચ ખોટી, પુત્ર- સૂર્યનો અસ્ત પિતાને બીજા દિવસના સૂર્યાસ્ત પહેલાં અરિસૂર્ય/જયદ્રથનો અસ્ત કરવાની પ્રતિજ્ઞા કરવા પ્રેરે છે. એ પ્રતિજ્ઞા, કૃષ્ણની કુશળતાથી, અર્જુન પૂરી કરે છે, અને જયદ્રથનું મસ્તક છેદન કરતાં પણ કૃષ્ણની જ સલાહ એને મરતો બચાવે છે. પ્રેમાનંદે આ સમગ્ર પ્રસંગને અત્યંત સંક્ષેપમાં વર્ણવ્યો છે. પ્રેમાનંદનું લક્ષ્ય અભિમન્યુ-વધ થતાંની સાથે જ આખ્યાનની પૂર્ણાહુતિ તરફનું લાગે છે, અને એટલે જ જયદ્રથવધના પ્રસંગને નાનકડા પરિશિષ્ટરૂપે આપી, અર્જુનની પ્રતિજ્ઞા અને એના પાલનનું ઝડપી નિરૂપણ છે. લોકની જિજ્ઞાસાવૃત્તિને સહજ સંતોષી, એ આખ્યાન પૂરું કરે છે.


(૩)


અભિમન્યુકથા વાર્તા તરીકે અ-સંકુલ સળંગસૂત્ર ઘટના છે. છતાં પ્રેમાનંદે આ આખ્યાનની રજૂઆતમાં વાર્તા-કુતૂહલને પ્રેરે અને પોષે એવી કુશળતા વાપરી છે. વાર્તામાંની કલાદૃષ્ટિએ પ્રથમ ઘટના અજદાનવની વાતથી આખ્યાન શરૂ કરવાને બદલે દ્રોણપર્વની ભૂમિકાથી શરૂઆત કરી છે. થોડી જ પંક્તિઓમાં ભૂમિકા બાંધી, મહાભારત અનુસાર અભિમન્યુની ઘટનાને ટૂંકમાં સંજયમુખે કહી/સંભળાવી કુતૂહલ પ્રેર્યું છે. ધૃતરાષ્ટ્રના ‘ગોવિંદને શું વેર?’ એ પ્રશ્ન જાણે કે શ્રોતાઓના જ કુતૂહલનો પડઘો છે. એના ઉત્તર રૂપે સંજય અભિમન્યુની પૂર્વ કથા અજદાનવનો પ્રસંગ વિસ્તારથી માંડે છે. આમ કવિએ યુક્તિપૂર્વક કથાને અહિલોચનની વાર્તામાં પાછી વાળી છે. અર્વાચીન નવલકથા-નાટક-ચિત્રપટમાં વપરાતી ‘ફ્લેશબૅક’–‘પીઠઝબકાર’ની રીતિને આ રીતે મળતી આવે છે. આ પૂર્વકથાને અજદાનવ અને અહિદાનવની કથામાંથી વિસ્તારી અભિમન્યુના જન્મ, લગ્ન અને છેક મહાભારત યુદ્ધના પ્રસંગ સુધી લંબાવી, કવિ ફરીથી તેને મૂળ દ્રોણપર્વની કડી સાથે જોડી દે છે. અને પછી વાર્તા યુદ્ધપ્રસંગ અને ચક્રવ્યુહયુદ્ધમાં આગળ વધે છે. આ રીતે આ સળંગસૂત્ર વાર્તામાં પણ કવિએ રજૂઆતમાં રચનાનૈપુણ્ય દાખવી વાર્તાને અધિક કુતૂહલ પ્રેરક અને રસમય કરી/બનાવી છે. અહિલોચન શિવ પાસેથી વજ્રપિંજર મેળવી દ્વારિકા ભણી જાય છે તે સમયનું વર્ણન, વજ્રપેટીમાં પુરાયા બાદના તેના આભધરતી વચ્ચેના ઉછાળા અને ધમપછાડાનું વર્ણન, અભિમન્યુની યુદ્ધ-ઇચ્છાનું નિરૂપણ, રાયકાઓને થતી પૃચ્છાનું વર્ણન કરતુ કડવું તથા તે પછી અપશુકનથી સાશંક મનઃસ્થિતિમાં સાંઢણીએ ચઢીને આવતી ઉતાવળી ઉત્તરાનું ચિત્ર તેમ જ રણક્ષેત્રને માર્ગે ઉત્તરાને જોઈ વિવિધ યોદ્ધાઓ પર થતી તેની અસરનું બયાન, પાછળથી દમયંતીસ્વયંવર અને કુંભકર્ણનિદ્રા જેવા અનેકવિધ પ્રસંગોનું આલેખન કરનાર પ્રેમાનંદના કથાકૌશલનો પ્રથમ અણસાર આપવા માટે પૂરતું છે. ‘સુદામાચરિત’ કે ‘મામેરુ’માં સુદામા કે નરસૈયાનાં વિડંબનાચિત્ર વર્ણવનાર કવિ પ્રેમાનંદ કૃષ્ણએ લીધેલાં શુક્રાચાર્ય તથા વૃદ્ધ બ્રાહ્મણનાં/રૂપનાં વર્ણનમાં અછતા રહેતા નથી. તો, ‘મામેરુ’નાં માર્મિક સામાજિક ચિત્રો રજૂ કરનાર કવિ અહીં સીમંત, લગ્ન, અપશુકન વગેરેમાં રીતરિવાજોનાં વિગતે વર્ણનો રજૂ કરે છે. અલબત્ત પેલી માર્મિકતા ગેરહાજર હોવા છતાં સ્વાભાવિક લોકવ્યવહારના નિરીક્ષણ અને વર્ણનમાંથી પાત્રોના લાક્ષણિક વ્યવહારને અને તે રીતે વ્યક્તિ સ્વભાવને વાસ્તવ ચિત્રો દ્વારા રજૂ કરવાની નિપુણતાનો અણસાર અહીં દેખાય છે. સુભદ્રાને પેટી ઉઘાડવા લલચાવતી અને પછી અંદરથી કશું લાભદાયક/સંતોષકારક ન નીકળતાં આપેલુંય પાછું તાણી લેતી ભાભીઓ ‘મામેરુ’માંની નાગરી બાઈઓની પૂર્વ આવૃત્તિ જ છે એવું લાગે. તો મોસાળું માગનાર ભીમે કરેલી યાદી પણ ‘મામેરુ’માંની વડસાસુએ લખાવેલી યાદીનો જાણે કાચો મુસદ્દો છે. આમાં તો વિગતો અને ઢાળનું પણ પૂરેપૂરું સામ્ય દેખાય છે. અભિમન્યુના યુદ્ધમાં જવાના સમયે શાસ્રો શોધવાને બહાને સંતાડતાં સુભદ્રામાં પુત્રઘેલી માનું સુંદર રેખાચિત્ર આલેખાયું છે.

રણમેદાન પર આવતી ઉત્તરાનું રૂપવર્ણન કરવાને બદલે કવિએ અન્ય ઉપર તેના પ્રભાવનું વર્ણન કરીને એની અસરકારકતા વધારી છે. યુદ્ધમેદાન પર આવતા અભિમન્યુની કૌરવસૈન્ય પર થતી અસરનું નિરૂપણ પણ જોવા જેવું છે, અભિમન્યુના યુદ્ધભૂમિમાં પ્રવેશ સાથે જ વીરોનો ટકરાવ/ટંકારવ આરંભાય છે. ૪૦માં કડવાની પંક્તિઓને ત્રણ નાનકડા ખંડમાં વહેંચી/ત્રિતાળો છંદમાં, પ્રથમ બે ખંડોમાં આંતરપ્રાસનું મેળવણ કરીને કવિ સરસ યુદ્ધચિત્ર આપણી સામે રજૂ કરે છે. જુઓ –

આચાર્યને અભિમન, આવ્યા વદન, ધન ધન દેવતા બોલે;
ભીમસેન ને શલ્ય, બેય મલ્લેમલ્લ, અટળ તે ઉછાળે શેષ ડોલે.          ૩

દ્રૌપદીના તન, સામો દુઃશાસન, ગગન છાયું છે બાણજાળે;
ટુંકડી તરવાર, કરે મારામાર, કો હાર ન પામે અંતકાળે.          ૮

ગદા ને મુગદળ. પડે મૂશળ, કોલાહલ મોટો રે થાય.
ધસી મારે ઢીક, હૈયે આવે હીક, છીંક ખાતાં જીવડો રે જાયે.          ૯

રોળાયા, રોળિયા, અશ્વના ટોળિયા, ઝોળિયે ઘાતિયા વીર જાતા.
ભલા રે ભડ, માથાં વિના ધડ, કડકા ઊડે લોહીએ રાતા.          ૧૦

શરના સડસડાટ, રથના ખડખડાટ, ઝળહળાટ તાય તલવારનો ઝાટકા;
સાંગ લોહ તણી, ભાલા તણી અણી, ઘણી ભોગળના થાય ભડકા.          ૧૧
(કડવું ૪૦.)


આ અને આવાં અનેક વર્ણનો દ્વારા યુદ્ધના ભીષણ વાતાવરણને પ્રેમાનંદ ખડું કરે છે, સામસામી અફળાતી સેનાઓના આવાં વર્ણનોમાંથી વર્ણઘોષયુક્ત વીરરસની સાથે રૌદ્ર અને ભયાનક રસ પણ સુગ્રથિત કરી પ્રગટ થાય છે. આવી પંક્તિઓમાં ચારણી છંદના ડિંગળનું સ્મરણ કરાવે એવી પ્રાસરચના યુદ્ધના વાતાવરણને પ્રગટ કરવામાં મદદ કરે છે. એ જ રીતે-


એવું કહીને ઊલટ્યો, પહેલાં બાણ મૂક્યાં ત્રણ;
એકે ભેદ્યુુંં હૃદે ઋષિનું, યુગ્મ પડિયાં ચરણ.          ૭

તે પૂઠેથી તેર મૂક્યાં, મુનિ કીધા વિરથ;
કર્ણને પંચવીશ માર્યો, કોપ્યો પુત્ર-પારથ.          ૮

દશે દુઃશાસન ભેદ્યો, સાતે દુર્યોધન;
અગિયાર માર્યો અશ્વત્થામાને, સત્તાવીશ શકુન્ય.          ૯

(ક. ૪૧ )


આ પંક્તિઓમાં સંખ્યાની કેટલી સરસ કાવ્યાત્મક રમત છે. તો-


જુએ તમાશા તાતજી, મારા સમ જો થાઓ મતિયા;
એ કૃપ, દ્રોણ ને અશ્વત્થામા, શું કરે કણવટિયા.          ૧૭

(ક. ૪૧)


અભિમન્યુ યુધિષ્ઠિરની સાથે રહીને કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને અશ્વત્થામાને ‘કણવટિયા’ (દાણા/કણની ભિક્ષા માંગનાર બ્રહ્માણ) કહે છે તેમાં મધ્યકાળના સામાન્ય જનનો માનસપરિચય મળે છે. તેમજ–


તાણતો-મૂકતો જણાય નહિ, શીઘ્રે ત્યાંહાં એ બાણ
વિરાજે વીજળી સરીખો, કૌરવ કરે વખાણ.          ૧૨

રીસે થયો અતિ રાતડો, અરુણ ઉદય સમાન;
આપરૂપ થયો પોતે, જ્યારે અદકું થયું નિદાન.          ૧૪

(ક. ૪૨ )


એમાં ‘તાણતો-મૂકતો’થી નીપજતું ગતિચિત્ર તથા ક્રોધરક્ત અભિમન્યુની અરુણ સાથેની સરખામણી અધિક કાવ્યમય લાગે છે. અભિમન્યુ ઊગતી વયનો હોવાથી કવિ વારંવાર એને સૂર્ય નહિ પણ ચંદ્ર અને અરુણ સાથે સરખાવે છે તેનું ઔચિત્ય નોંધપાત્ર છે.


(૪)

અભિમન્યુની કથા ઘણા પ્રસંગોવાળી અને ઠીક ઠીક લાંબી હોવાથી તેમાં પાત્રો પણ સારી એવી સંખ્યામાં છે. અહિલોચન અને અભિમન્યુએ તો એક જ જીવના બે અવતાર છે. પૂર્વાપર આવતી આ બે વાર્તાઓમાં આ બન્ને પાત્રો મૂર્તિમંત અને જીવંત રીતે રજૂ થાય છે. બન્નેમાં ઘણું સામ્ય છે. બન્નેમાં નવજાતયૌવન વીરનાં પરાક્રમની વાર્તા છે. નાની ઉંમરને લીધે બન્નેમાં એક પ્રકારની આકર્ષક મુગ્ધતા છે, તો અવસ્થાના પ્રમાણમાં અતિશય એવી વિસ્મયકારક પરાક્રમશીલતા પણ છે બન્નેને વિરોધી તરીકે કૃષ્ણ સાથે જ પનારો પડે છે. બન્ને અસાધારણ શક્તિશાળી હોવા છતાં કૃષ્ણની કપટલીલાના ભોગે મૃત્યુ પામે છે. એકને યુદ્ધગમન પ્રસંગે રોતી માતાએ વળાવ્યો છે, તો બીજાને નવોઢા પત્નીએ! આ બંનેમાંથી એકેય પાછા ફરતા નથી. એક પિતાનું વેર લેવા નીકળે છે, બીજાનું વેર તેના પિતા લે છે. આમ આ એક જ જીવના બે અવતારમાંનાં વ્યક્તિ વચ્ચે તેમ જ તેમના કથા પ્રસંગો વચ્ચે ઘણું સામ્ય છે. એક દાનવ છે. અને બીજો દાનવનો અંશ હોવા છતાં અર્જુનનો પુત્ર છે. એટલે કવિની (અને આપણી પણ) લાગણી એ બન્ને પ્રત્યે જુદી જુદી છે. આ લાગણીફેરને લીધે બન્નેનાં નિરૂપણમાં પણ ફેર પડી જાય છે. જેમ કે, કૃષ્ણ પણ જેની સાથે સીધું યુદ્ધ કરવાની હામ ન ભીડે એવો અહિલોચન સ્વશક્તિનો પરચો તો પેટીમાં પુરાયા પછી પણ બતાવે છે અને ત્યારે તે પેટીમાં પુરાયલો હોવા છતાં પણ કૃષ્ણને ગુફામાં સંતાવું પડે છે. તેમ છતાં અહિલોચનની વાત ક્યારેય વીરની પરાક્રમકથા બનતી નથી, અહિલોચનના અવસાન પછી પણ એકના એક પુત્રવાળી વિધવા માતાનું શું થયું હશે? એની કલ્પના કરવા પણ કવિ થોભ્યા નથી. અહીં કૃષ્ણની કુટિલ નીતિને પણ આપણે ચાતુરીકથા તરીકે જ અનુભવીએ છીએ. જ્યારે અભિમન્યુનાં પરાક્રમો કવિએ મુક્ત કંઠે કર્યાં છે! કેમ કે આખ્યાન અભિમન્યુનું છે, અહિલોચનનું નહિ! અભિમન્યુ વાર્તાનાયક હોવાથી અને વળી તે દાનવાંશી છતાં પાંડવકુળનો અને અર્જુનનો પુત્ર હોવાથી કવિને/આપણી આખી પ્રજાને! - એના પ્રત્યે આવો પક્ષપાત હોય જ! અભિમન્યુનું પાત્ર તો તેની અવસ્થા/મુગ્ધતા, અસાધારણ વીરતા અને ઉત્તરાપ્રસંગના આછા શૃંગારમાંથી અંતે પ્રગટતી કરુણતાથી આકર્ષક છેજ. જોકે પ્રમાનંદે રજૂ કરેલ અભિમન્યુ કોઈ વિશિષ્ટ વિલક્ષણ વ્યક્તિત્વ પ્રગટ કરે છે. મહાભારત કથા અને લોકપરંપરાના પરિચયથી જે મૂર્તિ આપણી કલ્પનામાં છે તેનાથી કૈક વિશિષ્ટ રીતે એનું વર્ણન આપણને અહીં મળે છે. અભિમન્યુના પાત્રનિર્માણમાં કવિની સર્જક પ્રતિભાનો વિશેષ પ્રગટતો અનુભવાય છે. એનું વ્યક્તિત્વ, વીરત્વ, આત્મવિશ્વાસ, યુદ્ધમાં જવાની એની તાલાવેલી, વગેરે...જુદી રીતે અને સકારાત્મકતાથી અહીં રજૂ થયું છે. અભિમન્યુ સાથે પૂર્વ પરિચયજન્ય અસર બાદ કરીએ તો આ કૃતિના વાચનને પરિણામે આપણને અભિમન્યુ સાથે કશોક અંગત સંબંધ બંધાતો હોય એવું લાગે, એના શોર્ય અને વીર્યનો અહીં પરચો મળતો જણાય છે. અભિમન્યુની વિરોચિત વાણી એના પાત્રને ઉપસાવી આપવામાં સહાયભૂત થાય છે. જ્યારે અભિમન્યુના અવસાનથી કાવ્યમાં કરુણનું વાતાવરણ પ્રસરે છે. ઉત્તરાનું પાત્ર તેને વાર્તાની નાયિકા ગણીએ તો ઘણું મહત્ત્વનું ગણાય. પણ આ કૃતિ અભિમન્યુની કથા છે. આથી એને પ્રારંભનો મોટો ભાગ પૂર્વ કથા રોકે છે જ્યારે અંતનો ભાગ યુદ્ધકથાનો છે, અને વચમાં જ્યાં ઉત્તરા સાથે અભિમન્યુના લગ્નનો પ્રસંગ આવે છે ત્યાં પણ કવિનું નિરૂપણ અભિમન્યુ તરફી રહ્યું છે. એટલું જ નહિ પણ કવિએ એ પ્રસંગને લગ્નના રીતરિવાજો વગેેરેથી ભર્યો છે. એટલે આ બધામાં ક્યાંય ઉત્તરાના-પાત્રને કવિએ વધુ ઝળકવાનો મોકો આપ્યો નથી.

અભિમન્યુના યુદ્ધગમન પ્રસંગે જ ઉત્તરાનું થોડું વર્ણન કરવામાં આવે છે. આ કપરી વેળાએ પણ દુઃસ્વપ્નના અને અપશુકનના પડછાયા વચ્ચે ઉત્તરાના વ્યક્તિત્વની એક આછેરી ઝલક આપણને મળે છે. ઉત્તરા-અભિમન્યુનું મિલન તથા મિલનાન્તે ઉત્તરાની વિદાય એ ખંડમાં આ આશાભરી નવોઢાનો આપણને પરિચય થાય છે, નવોઢાની કોડભરી મુગ્ધ-પ્રસન્ન છબિ પ્રેમાનંદે આપણી સામે રજૂ કરી છે. ઉત્તરા-અભિમન્યુનું આ સુંદર યુગલ જે થોડોક શૃંગાર પ્રગટાવે છે તે મૃત્યુના ઓળા નીચે હોવાથી કરુણમિશ્રિત થઈ જાય છે. યુદ્ધક્ષેત્ર પર પ્રવેશતી ઉત્તરાનું, તેની અન્ય પર થતી અસર દ્વારા કવિએ કુશળ ચિત્ર આલેખ્યું છે, તથા અભિમન્યુને થતું આકર્ષણ અને પછી ઉત્તરાનું મિલન પણ રણભૂમિના વાતાવરણમાં સહેજ શૃંગારની ઝલક ઉમેરે છે. આ ઝલક થોડીવાર પ્રસન્નતા અને પ્રસન્નતા અનુભવાય છે, પણ અભિમન્યુને વિદાય આપતી – ઉત્તરાની મનઃ સ્થિતિ જુઓ –


આંખડી મારી જમણી ફરકે, હૃદય મારું ઉચાટે ઉધરકે;
હું કેવો દેખીશ સંધ્યાકાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.          ૧૧

પિયુજી! શું થાશે રે, મારા પિયુજી! શું થાશે?
આજનો દહાડો મારો ક્યમ જાશે? પિયુજી! શું થાશે રે?         

(ક. ૩૬ )


-આવી ચિંતાશીલ મુદ્રા આપણા હૃદયને આર્દ્ર કરે છે, અને તેમાં આથમતી સંધ્યાનો વિષાદ વરતાય છે. અભિમન્યુના અવસાન પછીના ઉત્તરા-વિલાપને કવિ આલેખતા નથી પણ અભિમન્યુના પરાક્રમ અને મૃત્યુના કારુણ્યને ઘેરુ બનાવવા માટે ઉત્તરાનો કવિએ સહારો લીધો છે. અહીં ઉત્તરા નાયિકા સ્થાને નથી. પરંતુ પ્રમાણમાં તે અભિમન્યુકથાને વધુ નિખાર આપતું/તેને સમૃદ્ધ કરતું એક સહાયક પાત્ર બને છે. જોકે એના સંદર્ભમાં જ રાયકાઓ. સ્વપ્નો, અપશુકનો, સુદેષ્ણાની શીખ, યોદ્ધાઓનો મોહ વગેરેનાં ચિત્રો સુંદર/રસિક રીતે અપાયાં છે. અન્ય સ્ત્રી પાત્રોમાં અહિલોચનની ચિંતાતુર માતા કે પુત્રને વારતી. -યુદ્ધ સમયે પુત્રપ્રેમને કારણે શસ્ત્રો શોધવાને બદલે શસ્ત્રોને સંતાડતી. પુત્રને મળવા પુત્રવધૂને ઉતાવળે આમંત્રણ મોકલતી-સુભદ્રા વગેરે ગૌણ પાત્રો છે, તો પુરુષ પાત્રોમાં પણ પુત્રવિરહે આંસુ સારતો, જયદ્રથવધની પ્રતિજ્ઞા કરતો અને અંતે જયદ્રથનો વધ કરતો અર્જુન, પાત્ર તરીકે વિશેષ્ટ વ્યક્તિત્વથી મૂર્તિમંત થયો છે. પાંડવો અને કૌરવો કે દ્રોણ વગેરે તેમને પાત્ર કહી શકાય એટલું/એવું વ્યક્તિત્વ અહીં ધારણ કરતા નથી. તે તો પૂર્વ પરિચિત વ્યક્તિઓ રહે છે, જેમને નામ દ્વારા જ આપણે ઓળખીએ છીએ. આ આખ્યાન/કાવ્યમાં સ્વતંત્ર વ્યક્તિશાળી પાત્ર તરીકે અહિલોચન-અભિમન્યુ પછી મહત્ત્વનું સ્થાન જો કોઈ ધરાવતું હોય તો તે છે કૃષ્ણ. કૃષ્ણ અહીં પુરાણપુરુષ, દેવાવતાર મહાભારતના સંચાલક, વિરાટવ્યક્તિ કે ગીતાગાયક તરીકે પ્રગટતા નથી. અહિયાં કૃષ્ણના વ્યક્તિત્વમાં ચમત્કારશક્તિ છે પણ ક્યાંય દિવ્યતા કે ભવ્યતા/ઉદાત્તતાનાં દર્શન આ આખ્યાનમાં થતાં નથી. પણ કુટિલ અને ખટપટિયા તરીકે જ એ પ્રગટ થાય છે. આ મહાશક્તિશાળી ચક્રધર અહીં અહીંલોચન સામે ટકી ન શકવાનો ભય સેવી તેને કપટથી જ માત કરવા/પેટીમાં પુરાયેલા અહિલોચનના ઉત્પાતથી બચવાનો રસ્તો શોધી કાઢે છે. અહિલોચનના અભિમન્યુ અવતારને તે સીધેસીધું તો કાંઈ કહી/કરી શકે તેમ નથી કારણ કે સંબંધમાં અભિમન્યુ પાંડવપુત્ર અને પોતાનો ભાણેજ છે. આ કારણે અભિમન્યુ યુદ્ધમાં હણાય એને માટે અનેક કુટિલ રસ્તાઓ લે છે. ઉત્તરા-અભિમન્યુ લગ્નમાં વિઘ્ન લાવવાં, ઉત્તરા સમયસર આવી ન પહોંચે તે માટે પ્રયત્નો કરવો, રાખડી તોડાવવી અને યુદ્ધ સમયે કૌરવપક્ષને પણ મદદરૂપ થાય તેમ અભિમન્યુની વિરુદ્ધ કુટિલતા દાખવવી. આ બધામાં જ રત એવા કૃષ્ણનો આપણને આમાં પરિચય થાય છે. અહિલોચનને છેતરવા કે અભિમન્યુને ભરમાવવા બ્રાહ્મણવેશે જતા કૃષ્ણના ચિત્રમાં સ્વાભાવિકતા, ચિત્રાત્મકતા, તથા હાસ્યના અંશો છે એ ખરું, પણ તે ચિત્ર પાત્રને ગૌરવ નથી જ આપતું પરંતુ કૃષ્ણના કુટિલચરિત્ર પાત્રાલેખનમાં પરિણમે છે. પૂર્વ કવિઓ કરતાં પ્રેમાનંદે અહિલોચનકથાનો વિસ્તાર અધિકતર કર્યો છે. જયદ્રથવધ- પ્રસંગ ટૂંકમાં પતાવ્યો છે તે ઉચિત છે, કારણ કે એ પ્રસંગ સમગ્ર આખ્યાનના માત્ર ઉપસંહાર તરીકે આવે છે.


(૫)


અહીં બીજી વાત પણ નોંધાવા જેવી છે કે માત્ર કૃષ્ણના પાત્રમાં જ નહિ પણ અન્ય પ્રસંગચિત્રણો વગેરેમાં પણ કવિની સમાજાભિમુખતાને પરિણામે થતું સમકાલીન/તત્કાલીન સમાજચિત્રનું નિરૂપણ પ્રગટ થાય છે. દ્વારકાધીશ કૃષ્ણના ઘરસૂત્રને પણ તે સમયના સામાન્ય ઘરમાં પ્રવર્તતા વહેમો અને રૂઢિઓથી ખદબદતું દેખાડવામાં કવિ પ્રેમાનંદને અહીં બાધ નથી આવ્યો! સુભદ્રાનો ‘છુટકારો’ નથી થતો ત્યારે પીડા મટાડવા અને બાળકનો પ્રસવ કરાવવા દ્વારકાધીશ કૃષ્ણને ઘેર પણ ભૂવા જાગરિયા તેડાવવામાં આવે છે! જુઓ –

વાત સાંભળી આવ્યા વીરો, સુભદ્રાને જાણી અસાધ્ય;
ભૂવા ખાતરિયા તેડાવ્યા, આવ્યા એકે સાદ.          ૧૬

તંત્રમંત્રને જંત્ર કરીને, પાયે મંતરી પાણી;
દંભી દંભ કરીને વાળીયા, વેદના નવ જાણી.          ૧૭

(ક. ૧૯ )


આ નિરૂપણ આગળ શુકન - અપશુકન અને દુઃસ્વપ્નોની વાત તો કદાચ ઓછી પ્રાકૃત લાગે! અભિમન્યુ ગુરુદ્રોણ અને કૃપાચાર્ય માટે ‘કણવટિયા’ સંબોધન વાપરે વગેરેમાં ભારોભાર પ્રાકૃતતા નીતરે છે. આમ, સમકાલીન લોકમાનસનું નિરૂપણ કરવામાં કવિ કુશળ છે.

સુભદ્રાની સગર્ભાવસ્થા તથા સીમંત પ્રસંગના વર્ણનમાં કવિએ કલમને છુટ્ટી મૂકી છે. અને લગ્નપ્રસંગને તો વિગતે આલેખે છે. કવિને સામાજિક રિવાજો વર્ણવવામાં ભારે રસ છે. જુઓ-


 ‘આ તો રૂડું ને રઢિયાળું રે, જાન લાવ્યા શ્રીજદુપતિ રે.’

(ક. ૨૩/આખું કડવું)


-માં લગ્નપ્રસંગ, તેની વિગતો અને સામાજિક રિવાજોનો જ વિસ્તાર છે. સુભદ્રા પાસે પેટી ઉઘડાવવાની લાલચો આપતી ભાભીઓ કાર્ય પતી ગયા પછી જે જુદાં જુદાં બહાનાં બતાવીને નણંદને ભેટ આપેલી વસ્તુઓ પાછી લઈ લે છે એ સઘળી વિગતોનું વર્ણન/નિરૂપણ પ્રેમાનંદની માનસ સ્વભાવની ઓળખ/પકડનું સારું દર્શન કરાવે છે. કૃષ્ણની રાણીઓમાં પણ આવી લોકરંજકતાની પ્રતીતિ થાય છે. જેમકે –

માન દેઈ અપમાન માંડ્યું, વસ્તુ પેટીની જાણી;
મૂળગું વસ્ત્ર જે સુભદ્રાનું ભાભીએ લીધું તાણી!          ૧૭

બડબડતાં બોલ્યા સુભદ્રા ‘હું ઘણી માનું મોટી;
હવે સાલ્લા સોતી જાવા દ્યો ભાભીની ભાવજ પહોતી.’          ૧૮

(ક. ૧૫ )


‘ભાભીની ભાવજ પહોતી’ કહેનાર સુભદ્રા અને રાણીઓ વચ્ચેનો નણંદ ભોજાઈનો સંબંધ સમાજને ગમી જાય તેવો હશે, પણ પેલાં પાત્રોને માટે કૃષ્ણનાં કુટુંબીજનો – માટે તો ગૌરવપ્રદ નથી જ. આ સમગ્ર આખ્યાનમાં કદાચ સૌથી વધુ પ્રાકૃતીકરણ કૃષ્ણ અને તેમના કુટુંબનું થયું હોય એવું લાગે છે! કૃષ્ણ, વસુદેવ, સુભદ્રા, રાણીઓ બધાં કોઈ મધ્યકાલીન ગુજરાતી ઘરની જ પ્રાકૃતતા પ્રગટ કરતાં દેખાય છે! આમ, આવા બધા પ્રસંગો અને પાત્રો વગેરેના નિરૂપણમાં ઔચિત્ય, રસાત્મકતા, નિરૂપણરીતિમાં પ્રૌઢિ અને આભિજાત્ય આ બધી બાબતોમાં પ્રેમાનંદને વિકાસ જણાઈ આવે છે.


(૬)


કલ્પનાશીલતાથી અલંકારોના ચમત્કાર આ પછીની કૃતિઓમાં મળે છે તેવા આ કૃતિમાં ન જ હોય એ સ્વાભાવિક છે. છતાં અહિલોચનને પેટીમાં પેસવા કૃષ્ણ લલચાવે છે ત્યારે–

જેમ તેતરને તેડે વાઘરી, એમ કાળે પેટી આગળ ધરી.
જેમ મ્યાન વિશે પેસે તલવાર, તેમ દૈત્ય પેઠો પેટી મોઝાર.          ૧૮
(ક. ૧૦ )

અને—

જેમ સર્પને સૂંઘાડે જડી, કંડિયા માંહે ઘાલે ગારુડી;          ૧૯
(ક. ૧૦ )

અથવા યુદ્ધક્ષેત્રને વર્ણવતાં—

કુરુક્ષેત્ર લોહિયાળું દીસે, જેહેવા ફાગણના પલાશ.          ૧૩
(ક. ૪૮ )

તેમજ ઘવાયેલા અભિમન્યુનું ચિત્ર આલેખતાં—
પલાશ ફૂલ્યો ફાગણ માસે એવી દીસે દેહ;          ૭
(ક. ૪૯ )

કે–
બહુ પારધીએ પોપટ વીંધ્યો, તરફડે વનમાંય;          ૮
(ક. ૪૯ )

અને—
અકળાઈ પૃથ્વી પર પડ્યો, જાણે ભાંગ્યો ચંપા છોડ.          ૨૬
(ક. ૪૯ )


—આવા અલંકારના ચમકારામાં આપણને કવિની શક્તિનો પરિચય મળી જાય છે. અભિમન્યુ મરતાં પાંડવોનો શોક કરુણરસનો ચમકારો આપી જાય છે. એક પછી એક વધતી ગતિવાળી સાંઢણીઓ રજૂ કરતા રાયકાઓમાં ક્રમનો ઉપયોગ સુંદર છે, તો પેટીમાં પેસવા જતાં માની શિખામણ સ્મરી બ્રાહ્મણવેષી કૃષ્ણ પ્રત્યે બે વાર વહેમાઈ ખચકાતા અહિલોચનનો પ્રસંગ પણ કુતૂહલને સરસ વળ આપે છે.


(૭)


‘અભિમન્યુ-આખ્યાન’ વિસ્તૃત કૃતિ છે. એમાંનું ઘટનાવૈવિધ્ય રસનિરૂપણ અને રસવૈવિધ્યને માટે અનુકૂળ છે. આ સમગ્ર આખ્યાન સમગ્ર દૃષ્ટિએ, આગળ કહ્યું તેમ, પ્રેમાનંદની પ્રારંભ દશાની મર્યાદાઓ તેમ જ તેની ભવિષ્યમાં પ્રગટ થનારી પ્રતિભાના અણસાર દર્શાવે છે. આ આખ્યાનમાં રુચિકર વર્ણનખંડો અને ખાસ કરીને અહિલોચન-કૃષ્ણ, ઉત્તરા-અભિમન્યુ વગેરે અનેક પાત્રો વચ્ચેના સંવાદખંડોથી શોેભે છે. સંવાદમાં વાતચીતની લઢણ અને વિશિષ્ટ લહેકાઓ ગમી જાય એવાં છે. કવિને રસ છે શ્રોતાઓને પોતીકા લાગે એવા પ્રસંગોને વર્ણવવામાં/બહેલાવવામાં. ઉપરાંત વિવિધ પ્રસંગોને આધારે વિવિધ રસોનો આવિર્ભાવ પણ અનુભવી શકાય છે. આખ્યાનમાં પ્રધાન રસ વીર અનુભવાય છે, અભિમન્યુનું ઉત્સાહી પાત્ર વીર રસ માટે અનુકૂળ આલંબન છે. ચક્રવ્યૂહના વિસ્તૃત અને વિગતપૂર્ણ નિરૂપણમાં પરિણમતી આ કથા પ્રધાનપણે અભિમન્યુની વીરગાથા જ છે. આપણા માનસ પર પણ અભિમન્યુનાં યુદ્ધ પરાક્રમોની છબીઓ અંકિત થાય છે. આમ કાવ્ય વીરરસ પ્રધાન છે. ધમધમાટ ખડખડાટ કરતા અનુરણાત્મક શબ્દ, પરસ્પર ગાજતા, હાકલો ભર્યા યોદ્ધાઓના સંવાદો અને ઊડતાં ઊછળતાં ફેકાતાં શસ્રો-અસ્રોના અદ્ભુતમિશ્રિત વર્ણનો વીરરસને જગાડવામાં સફળ થાય છે. કાવ્યના પ્રારંભમાંનું અજ-કૃષ્ણનું યુદ્ધ તથા અહિલોચનનું દ્વારકાગમન સમયનું તાદૃશ્ય, અને ચિત્રાત્મક વર્ણન વીર રસપોષક છે. અંતે જયદ્રથવધનો પ્રસંગ પણ વીર રસનો અનુભવ કરાવે છે. ઉપરાંત અદ્દભુત રસ આ સમગ્ર કાવ્યમાં સ્વતંત્ર રીતે અનુભવાતો તેમ જ વીર સાથે મિશ્રિત થયેલો જણાય છે. અહિલોચનનું દાનવવ્યક્તિત્વ તથા વજ્રપિંજર વગેરે તેમ જ પેટીમાં પુરાયા પછીનો તેનો ઉત્પાત, તેનો સુભદ્રા-ગર્ભ પ્રવેશ અને ત્યાર પછીની અભિમન્યુજન્મ સુધીની ઘટનાઓ અદ્રુતનાં પોષક છે. તો બીજી બાજુ ઉત્તરાનું સ્વપ્ન અને તેને થતા અપશુકનો પણ અદ્રુતમાં વધારો કરે છે. દિવ્ય શાસ્ત્રાસ્ત્રોથી ખેલાતું કુરુક્ષેત્ર યુદ્ધ અને તેમાં પ્રગટતી દૈવી આસુરી શક્તિઓમાં અદ્રુત તો છે જ પણ ત્યાં તે વીરને અધિક પ્રભાવક બનાવવામાં મદદરૂપ થાય છે. ઉત્તરા-અભિમન્યુ પ્રસંગમાં અતિ ઉત્કટ નહિ એવો શૃંગાર, તેમાંની કરુણ છાયા તથા અભિમન્યુના અવસાનથી પ્રગટતો કરુણ એક રીતે વીરને જ વધુ ઘેરો કરનાર નીવડે છે. અહિલોચનની માતા અને સુભદ્રા વાત્સલ્યની છાંટ લાવે છે તો કૃષ્ણનો બ્રહ્મણવેશ સહેજ/સહજ હાસ્ય ફરકાવી જાય છે.

અભિમન્યુ-આખ્યાનમાં ભક્તિ, ધર્મ, નીતિની લક્ષ્યદૃષ્ટિ કે ઉપદેશપરાયણતા ઓછી જણાય છે. કૃષ્ણનું પાત્ર તો અહી વિપરીત રૂપે પ્રત્યક્ષ થાય છે અને અભિમન્યુનું ચરિત્રચિત્રણ ધર્મ, નીતિ, ભક્તિને નહિ, પણ પરાક્રમવૃત્તિને પોષનારું દેખાય. સમગ્રતયા ‘અભિમન્યુ-આખ્યાન’ વીરરસના કાવ્ય/ આખ્યાન તરીકે અનુભવાય છે.


(૮)


સંપાદિત પાઠ વિષે

આ પાઠ સંપાદન કરતાં પહેલાં – ૧) ‘અભિમન્યુ આખ્યાન’ પ્રેમાનંદ સં. ૧૭૨૭-૨૮ (ઈ.સ. ૧૬૭૧-૭૨) પ્રગટ, સંપા. ઈ.સૂ. દેસાઈ, બૃ.કા.દો.-૨ ઈ.સ. ૧૮૮૭ અને સંપા, હ, દ્વા, કાંટાવાળા તથા નાથાલાલ શાસ્ત્રી, પ્રા.કા.માળા-૩૩

૨) ‘અભિમન્યુ આખ્યાન’, સંપા. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ, બૃહત કાવ્યદોહન, ગ્રંથ બીજો, ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસઃ મુંબઈ, ૧૮૮૮. પૃ. ૧૨૭-૨૦૧. ૩) પ્રેમાનંદનાં ત્રણ આખ્યાન ૧. ચંદ્રહાસ આખ્યાન, ૨. સુધન્વા આખ્યાન અને ૩. અભિમન્યુ આખ્યાન. સંપાઃ કે. કા, શાસ્ત્રી અને ચૈતન્યબાળા દિવેટિયા, ગુજરાતી સાહિત્ય પરિષદ; અમદાવાદ, ૧૯૬૦, પૃ. ૨૯૦. ૪) ‘અભિમન્યુ આખ્યાન’ સંપા. ચિમનલાલ ત્રિવેદી અને રતિલાલ સાં. નાયક, અનડાઃ અમદાવાદ, ૧૯૬૭, પૃ. ૧૫૮. ૫) ‘પ્રેમાનંદકૃત અભિમન્યુ-આખ્યાન’, સંપા. વિનોદ અધ્વર્યુ, સોમાભાઈ પટેલ અને કાન્તિલાલ શાહ, મેસર્સ બી, એસ, શાહ વતી બબાલાલ સોમચંદ શાહઃ અમદાવાદ, ૧૯૬૭, પૃ. ૧૪૦. ૬) ‘કવિ પ્રેમાનંદકૃત અભિમન્યુ-આખ્યાન’, સંપાઃ હસુ યાજ્ઞિક, પ્રથમ આવૃત્તિ, પાર્શ્વ પબ્લિકેશનઃ અમદાવાદ, પૃ. ૧૯૧. ઉપરોક્ત છ સંપાદનોમાંથી એક પાઠને મુખ્ય પાઠ તરીકે પસંદ કરવાનો હતો જેમ ક્રમાંક ૧ અને ૨ના અભિમન્યુ આખ્યાનના પાઠોમાં પ્રક્ષેપો હોવાથી એ પાઠ પસંદ કરેલા નથી જ્યારે ક્રમાંક ૩. હેમચંદ્રાચાર્ય સ્મારક ગ્રંથમાળા, ગ્રન્થ-૧, "પ્રેમાનંદનાં ત્રણ આખ્યાન ૧.ચંદ્રહાસ આખ્યાન, ૨. સુધન્વા આખ્યાન અને ૩. અભિમન્યુ આખ્યાન." સામાન્ય સંપાદક સ્વ. અધ્યા. રામનારાયણ વિ. પાઠક, અધ્યા, કેશવરામ કા. શાસ્ત્રી (બાંભણિયા), સંપા : કે. કા, શાસ્ત્રી અને ચૈતન્યબાળા જ. દિવેટિયા, ગુજરાતી સાહિત્ય પરિષદ; અમદાવાદ, ૧૯૬૦, પૃ. ૨૯૦-માં સંપાદક તરીકે નામ ભલે શ્રી કે. કા, શાસ્ત્રીનું હોય પણ એ પાઠ એમણે સંપાદિત કરેલો નથી પણ સહસંપાદક શ્રી ચૈતન્યબાળા જ. દિવેટિયાએ જ કરેલો છે (જુઓ આ ગ્રંથનું સંપાદકીય), જ્યારે ઉપરોક્ત ક્રમાંક ૬. ‘કવિ પ્રેમાનંદકૃત અભિમન્યુ-આખ્યાન’, સંપા : હસુ યાજ્ઞિક, પ્રથમ આવૃત્તિ, પાર્શ્વ પબ્લિકેશનઃ અમદાવાદ, પૃ. ૧૯૧. વાળો પાઠ વાંચતાં ખ્યાલ આવ્યો કે આ પાઠ સિધ્ધો જ શબ્દશઃ શ્રી હસુ યાજ્ઞિકે સંપા : કે, કા, શાસ્ત્રી અને ચૈતન્યબાળા જ. દિવેટિયા, ગુજરાતી સાહિત્ય પરિષદ; અમદાવાદ, ૧૯૬૦, પૃ. ૨૯૦ માંથી જ લીધેલો છે અને ફક્ત કડવેંઓનું ગદ્યાંંતર અને વિવરણ કરીને પુસ્તકાકારે પ્રગટ કરેલું છે. જ્યારે ક્રમાંક ૪. ‘અભિમન્યુ આખ્યાન’ સંપા. ચિમનલાલ ત્રિવેદી અને રતિલાલ સાં. નાયક, અનડા : અમદાવાદ, ૧૯૬૭, પૃ. ૧૫૮. અને ૫. ‘પ્રેમાનંદકૃત અભિમન્યુ-આખ્યાન’, સંપા. વિનોદ અધ્વર્યુ, સોમાભાઈ પટેલ અને કાન્તિલાલ શાહ, મેસર્સ બી, એસ, શાહ વતી બબાલાલ સોમચંદ શાહ : અમદાવાદ, ૧૯૬૭, પૃ. ૧૪૦. આ બંને સંપાદનો ઈ.સ. ૧૯૬૪માં થયેલાં અને એકસરખાં જ હોવાને નાતે અહીં મૂળ પાઠ તરીકે ક્રમાંક ૫, ‘પ્રેમાનંદકૃત અભિમન્યુ-આખ્યાન’, સંપા. વિનોદ અધ્વર્યુ, સોમાભાઈ પટેલ અને કાન્તિલાલ શાહ, મેસર્સ બી, એસ, શાહ વતી બબાલાલ સોમચંદ શાહ : અમદાવાદ, ૧૯૬૭, પૃ. ૧૪૦-નો સ્વીકાર કર્યો છે. * * *