અભિમન્યુ આખ્યાન/કડવું ૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૧

[ કવિ મંગલાચરણ કરીને મહાભારતના દ્રોણપર્વની અભિમન્યુ-કથાનો નિર્દેશ કરે છે. બાર દિવસ સુધી કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન-અભિમન્યુનાં પરાક્રમથી વાજ આવેલા કૌરવપતિ, સેનાપતિ દ્રોણ પરાજિત થતાં, અભિમન્યુની સામે સ્પક્ષને ઉગારવાની દ્રોણને વિનંતી કરે છે. દ્રોણ અભિમન્યુને મારવાની પ્રતિજ્ઞા કરે છે. શ્રી કૃષ્ણ ભાણેજ અભિમન્યુ નાશને શક્ય કરવા અર્જુનને સંશપ્તક પાસે તેડી જાય છે.]

રાગ કેદારો

શ્રી શંભુસુતને હૃદે ધરી વર માગું વેગે કરી,
          શ્રીહરિ ગાવાની ગત્ય આવડે રે.          ૧

કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી;
          વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે.          ૨

ઢાળ

જડે વિદ્યા નિર્મળી, જો સરસ્વતી હોયે તુષ્ટમાન;
પદબંધ કરવા ઇચ્છું છું અભિમન્યુનું આખ્યાન.          ૩

વૈશંપાયન વાણી વદે : તું સુણ જનમેજય રાય!
દ્રોણપર્વની પાવન કથા સાંભળતાં દુઃખ જાય.          ૪

કુરુક્ષેત્રમાં રાજને અર્થે કૌરવ-પાંડવ વઢિયા,
દસમે દિવસે ભીષ્મપિતામહ બાણશય્યાએ પડિયા.         ૫

પાંડવનાં પ્રાક્રમ દેખીને કૌરવ માત્ર મન બીધા;
શકુનિશું દુર્યોધન સર્વ મળીને દ્રોણ સેનાપતિ કીધા.          ૬

મહાતુમુલ ત્યાં યુદ્ધ હવું ને વહી ગયા બે દિંન,
અર્જુન-અભિમન બેથી હાર્યા દ્રોણચાર્યા મુનિજંન.          ૭

સુભટ સર્વે મળીને બેઠા દુર્યોધનને દ્વારે;
કોને બોલવાની શક્તિ નહીં જે સૌભદ્રેને મારે.          ૮

કૌરવપતિએ બેહુ જોડી વીનવિયા ગુરુ દ્રોણ :
‘સ્વામી! સૌભદ્રેરૂપી સાગર તમ વિના તારે કોણ?          ૯

અર્જુને હસ્તી સંઘાતે હેલાં હણ્યો ભગદત્ત;
મુનિ! તમને મૂર્છા પમાડ્યા, અભિમન્યુ મહા ઉન્મત્ત.’          ૧૦

એવું કહીને મુગટ ઉતારી ગુરુને પાગે ધરિયો;
‘ગુરુ! બંધાવો તો હું બાંધું,’ એમ અહંકારી ઓચરિયો.          ૧૧

રીસ કરીને ઋષિજી બોલ્યા, કર ઉદક-અંજલિ લીધી;
અભિમન્યુને મારવાની ગુરુ દ્રોણે પ્રતિજ્ઞા કીધી.          ૧૨

‘સૌભદ્રે મેં કાલ મારવો,’ ઋષિનાં વચન શ્રવણે પડિયાં,
હરખ્યો હસ્તિનાપુરનો રાજા, દુંદુભિ ત્યાં ગડગડિયાં.          ૧૩

શ્રીકૃષ્ણ ગયા અર્જુનને તેડી સંશપ્તકને પાસ;
ભૂધરે ભાણેજ પોતાનો કૌરવ-પે કરાવ્યો નાશ.          ૧૪

વૈશંપાયનનાં વચન સુણીને રાય જનમેજય પૂછે :
અભિમન્યુને મરાવ્યો મામે તે, કહોને, કારણ શું છે?          ૧૫

વલણ

કહોને કારણ કૃષ્ણજીનું જે કીધો મોટો કરે રે.
ધૃતરાષ્ટ્ર પૂછે સંજયને : મામા-ભાણેજને શાનું વેર રે?         ૧૬