અભિમન્યુ આખ્યાન/કડવું ૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૪
[ અયદાનવની પત્નીએ પિયરમાં પુત્ર અહિલોચન ને જન્મ આપ્યો. મોસાળમાં નાગબાળ સાથે રમતાં એક દિવસ ઝઘડો થયો. પાછા વળતાં સર્વ નાગે મળી એને મહેણું માર્યું કે એના પિતા, જન્મસ્થળ વગેરે સહુને અજાણ છે. ઓશિયાળા બનેલા અહિલોચનને હૈયામાં ઝાળ લાગી.]


રાગ આશાવરી

સંજય બોલ્યા વાણી રે : એક અયદાનવની રાણી રે,
નવ જાણી રે દેવે જાતી પિહેર વિખે રે.          ૧

હાં રે તે કરતી આંસુપાત રે, દેખી રોયાં માત ને તાત રે;
સરવ વાત રે માંડીને કહેતી મુખે રે.          ૨

હાં રે તેના પિતા પુંડરિક વ્યાલ રે, રાખી કુંવરીને તત્કાલ રે;
એક બાલ રે પૂરે માસે પ્રસવ હવો રે.          ૩

પ્રસવતાં પુત્ર રોયો રે, જાણે પ્રલેકાળ તાં હોયો રે;
જોયો રે સર્વ નાગેણે દીકરો રે.          ૪

માતાનું મન ઠરિયું રે, તેણે જાતકર્મ તાં કરિયું રે;
ધરિયું રે અહિલોચન નામ તેનું રે.          ૫

દહાડેદહાડે પુત્ર મોટો થાયેરે, મોસાળ સાથમાં રમવા જાયે રે;
રમવા ગયો રે નાગના બાળ માંહ્ય રે.          ૬

માંહોમાંહે બાળક વઢિયા રે, અહિલોચન ઉપર પડિયા રે;
ચડિયા રે વાંસા ઉપર ઊભા રહ્યા રે.          ૭

અહિલોચન અતિશે બળિયો રે, તે તો નાદ કરી ઊછળિયો રે;
વળિયો રે પાછો બાળક કંઠે ગ્રહ્યો રે.          ૮

તે બાળક પાડે બરકાં રેઃ ‘અહિલોચન! આપણ સરખા રે.’
જેમ વરખા રે તેમ આંસુડાં ઝરતાં રે.          ૯

નાગ સર્વ કોઈ ધાયા રે, અહિલોચનના કર સાહ્યા રે;
કહે : ‘ભાયા રે! તું કોણ નગરમાં ઊછર્યો રે?          ૧૦

કો ન જાણે તારો બાપ રે, કોણે જણ્યો ને કોને સંતાપ રે.’
એમ મહેણાં રે સર્વે દીધાં અતિઘણાં રે.          ૧૧

ત્યારે થયો ઓશિયાળો મન રે, હૈયે લાગ્યો હુતાશન રે;
કાંઈ તન રે કાંપે પોતા તણું રે.           ૧૨

વલણ
તન પોતાનું કાંપતું, આવ્યો જ્યાં છે માત રે;
દીન દીઠો દીકરો, તેહની જનુની પૂછે વાત રે.          ૧૩