અભિમન્યુ આખ્યાન/હસ્તલિખિતનું મુદ્રિત રૂપ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હસ્તલિખિત સાહિત્યમાંથી મુદ્રિત સાહિત્ય

અને આ ઈ-સંપાદન

પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યની પહેલી પરંપરા તે ગાન અને શ્રવણની પરંપરા. પેઢી દર પેઢી એ ચાલતી રહેલી. એની સાથેસાથે એ હસ્ત-લિખિત રૂપે પણ આગળ ચાલતી રહેલી. એમ જૂનું સાહિત્ય હસ્ત-પ્રતોેમાં સચવાતું રહ્યું. કંઠ-પરંપરામાં આ ગીતો-ભજનો બીજી મંડળી સુધી ને પછી બીજી પેઢી સુધી જાય ત્યારે એમાં શબ્દો બદલાય, ક્યારેક ઉમેરાય. એ જ રીતે હસ્તપ્રતોની પણ જ્યારે સમય જતાં, બીજા લહિયાદ્વારા, નવી નકલ થાય ત્યારે એમાં પણ શબ્દો બદલાય, લેખનની ભૂલો થાય, ઉમેરા થાય, પંક્તિઓની વધઘટ સુદ્ધાં થાય! જ્યાં જુદું સંભળાય, ખોટું વંચાય ત્યાં ફેરફારો થાય જ. એમ, (ટૂંકા કે લાંબા) એક જ કાવ્યનાં એકથી વધારે રૂપ મળે – એક જ કાવ્યની એકથી વધારે હસ્તપ્રતો મળે. અનેક કવિઓનાં કાવ્યોની આવી બહુસંખ્ય હસ્તપ્રત-પોથીઓ જૈન ભંડારોમાં ને પ્રાચ્ય વિદ્યાની વિવિધ સંસ્થાઓનાં ગ્રંથાલયોમાં સચવાયેલી છે. એટલે, પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું ત્યારે એ હસ્તપ્રતોને મુદ્રણ રૂપ આપતાં પહેલાં એના જાણકાર વિદ્વાનો, એેક કૃતિની વિવિધ પ્રતોનો યોગ્ય અભ્યાસ કરીને એક મુખ્ય પાઠ(text) તારવે ને છોડી દીધેલા અન્ય પાઠો/શબ્દો ફૂટનોટ રૂપે નોંધે-સાચવે. એ સંશોધિત સંપાદન(critical text) પછી મુદ્રિત થાય. ‘અભિમન્યુ-આખ્યાન’નાં આવાં જે મહત્ત્વનાં સંપાદનો થયાં છે એ દરેકમાંના સ્વીકૃત પાઠો અને પાઠાન્તરો તપાસીને, કાવ્યમાંના લયની-ઢાળની-અર્થની સંવાદિતાને, એકવાક્યતાને તથા સુગમતાને ધ્યાનમાં રાખીને મેં સંકલિત કરેલા પાઠનું આ શાસ્ત્રીય ઈ-સંપાદન કર્યું છે. (વિશેષ વિગતો માટે જુઓ છેલ્લે ‘અભિમન્યુ-આખ્યાન’નો આસ્વાદ-લેખ, ખંડ-૮ ) –સંપાદક