અમાસના તારા/કાયરતાનું શરણું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાયરતાનું શરણું

પોણાસાતની ગાડી, વડોદરાથી ઊપડતી અમદાવાદ લોકલ. સાતમી ઓગસ્ટનો દિવસ. સ્વ. ગુરુદેવ રવીન્દ્રનાથની પુણ્યતિથિ પ્રસંગે કઠલાલ જતો હતો. સાથે સર્વ કુટુંબીજનો હતાં. એ સૌ જતાં હતાં અમદાવાદ શ્રી ઉમાશંકર જોષીને ત્યાં. ત્રીજા વર્ગના ડબ્બામાં એક ખાલી ખાનું જોઈને અમે ચઢ્યાં. આ ડબ્બાની મધ્યમ વર્ગના ડબ્બા જેવી રચના હતી. બે બાંકડાવાળી સ્વતંત્ર બેઠક અમે પસંદ કરી. અમારી બાજુમાં એવી જ વ્યવસ્થાવાળી બીજી બે બેઠકોમાંથી એકની ઉપર ત્રણચાર પુરુષો બેઠા હતા. સામેની એક બેઠક ઉપર એક સ્ત્રી સૂતી હતી. ગાડી પંદર મિનિટ મોડી ઊપડી. એટલે ભીડને પૂરતો અવકાશ મળ્યો. બેત્રણ બીજા પ્રવાસીઓ પણ ચઢી આવ્યા. અમારી બાજુમાં ગોઠવાઈ ગયા. પેલી સ્ત્રી નિરાંતે સ્વસ્થતાથી ઊંઘતી હતી. વાસદ સ્ટેશને ત્રણચાર ખાદીધારી કોંગ્રેસી મરદો ચઢ્યા. અત્યાર સુધી પેલી સૂતેલી સ્ત્રી વિષે ગુપચુપ ધીરે ધીરે રંગબેરંગી વાતો થતી પણ એને કોઈએ જગાડી નહોતી. વાસદથી ગાડી ઊપડતાં જ પેલા ખાદીધારીમાંથી એકે પેલી બહેનને હાકલ કરીને ઉઠાડી. એ જાગીને બેઠી થતાંની સાથે જ સૌ ચોંકી ઊઠ્યાં. બાઈ ઊઠતાં ખાલી પડેલી જગ્યાએ બેસવા જતાં પેલા ભાઈઓ પણ સહજ ખંચાયા. આ સ્ત્રી હતી? ના. આ પુરુષ હતો? ના. ત્યારે કોણ હતું? સ્ત્રીનો વેષ. પુરુષનો અવાજ. વિચિત્ર વર્તન. “આવો બેસો” કહીને એણે હાથના તાબોટા વગાડ્યા અને આંખમાંથી અણગમો ફેંક્યો. પેલા ખાદીધારીમાંથી એક પુરુષ બોલી ઊઠ્યો : “અલ્યા એ તો મારો બેટો હીજડો!” ભય ઓસરી ગયો અને એ બેઠક ઉપર એની સાથે જ બાકીના ભાઈઓ બેસી ગયા. હવે સામે બેઠેલા પુરુષોમાંય હંમિત આવી.

એક જણે કહ્યું : “કેમ ક્યાં ગયો હતો?” પેલા દેહે સ્ત્રીની કૃત્રિમ લજ્જા વડે માથે ઓઢ્યું, પાલવ સમાર્યો, આંખો ચોળી અને જરા સંકોચનો ડોળ કરીને કહ્યું : “મુંબઈ!”

“સરકારી કામે ગયો હતો?” એક ખાદીધારીએ મશ્કરી કરી.

“ડેપ્યુટેશનમાં ગયો હશે!” બીજા સામેવાળાએ ભાગ લીધો.

“વિચાણવેરાવિરોધની સભામાં ભાષણ કરવા ગયો હશે!” ત્રીજાએ સૂર પુરાવ્યો.

પેલાનો જીવ ખાટો થઈ ગયો. ભયંકર તાબોટો એણે વગાડ્યો. માથા પરથી છેડો ખસી ગયો. આંખમાંથી નિર્લજ્જતાએ નીકળીને ડોકિયું કર્યું. પાલવ સરી પડ્યો. ઠરડાયલા અવાજે વાણી કૂદી પડી : “હું સરકારમાં જઈશ તારે તમારાં મોઢાં આવા નહીં રહે! અને વેરા તો સરકાર નાંખે જ ને! આ અનાજપાણી પૂરું પાડે છે તે! આપણે તો બધું મફત જોઈએ છે! આપશે મારો બાપ તમને!” કહીને એણે ઠીંગો દેખાડ્યો. ડોકિયાં કરતી નિર્લજ્જતા આંખમાંથી ડોલતી ડોલતી બહાર નીકળી. બધા જરાક ખસિયાણા પડી ગયા.

પણ પેલા ખાદીધારી જરાક હંમિતથી પહેરણની એક બાંય ચઢાવીને બોલ્યા : “મોરારજીભાઈને મળ્યો’તો કે નહીં?”

“હું મળીશ ત્યારે તમે બધા કોંગ્રેસવાળા શું કરશો?” અને એણે પોતાની જાત જરાક સંકોરી લીધી. રખે ને પોતાના દેહને કોઈ અડકે.

એટલામાં સામેથી એક ભાઈનો કોંગ્રેસવિરોધી પ્રાણ ઊકળી ઊઠ્યો. જુવાન માણસ હતો. ખમીસ અને પાટલૂનનો પોશાક પહેર્યો હતો. સાહેબટોપી ખોળામાં રાખી હતી. માણસ નોકરિયાત વર્ગનો, પણ ચકોર લાગતો હતો. હાથમાં “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા”ની નકલ હતી. એણે વાર્તાલાપમાં ઝુકાવ્યું : “જો તું નહેરુને મળવા દિલ્હી જાય તો બધા કોંગ્રેસવાળા તારી પાછળ આવશે.”

હવે એ જીવ ઝાલ્યો ના રહ્યો. એના અહંકારને આ મશ્કરીનું અણીદાર તીર બરાબર ભોંકાયું. એમાંથી લોહીની ટશર ફૂટી. અહંકારનું લોહી શબ્દોને વળગીને ઝેર બની ગયું : “જ્યારે હું દિલ્હી જઈશ ત્યારે દિલ્હીનું તખ્ત ખાલી હશે. તમારાં મડદાં રઝળતાં હશે. દુનિયાનું નસીબ ફૂટી ગયું હશે. ગાંધીનું પુણ્ય પરવારી ગયું હશે. મોકલવી હોય તો મોકલો મને! મને મોકલવી છે!” ઘડીભર પહેલાં જે આંખોમાં નફટાઈ નખરાં કરતી હતી તે જ નેત્રોમાં વેદનાનું જલ ભરાઈ આવ્યું. પાલવ સંકોરીને એણે આંખો લૂછી. પળ પહેલાં કદરૂપ લાગતા ચહેરા ઉપર આદમિયતનું ઓજસ ઊપસી આવ્યું. સંઘર્ષના ચાબખા સહન કરી કરીને જેના મુખ પર નિર્લજ્જતાના સોળ પડ્યા હતા તે કુરૂપ મુખ ઉપર ક્ષણભર આત્માની દીપ્તિ અંકાઈ ગઈ.

આણંદ આવ્યું. ગાડી ઊભી રહી. પેલો જીવ પોતાની નાનીશી ટ્રંક માથે મૂકીને ઊભો થયો. જતાં જતાં બોલ્યો : “સ્વરાજ મળ્યું છે તે મરદ હોવ તો જાળવજો.” એ ગાડીમાં હતો ત્યાં સુધી હું મૂંગો હતો. એના ગયા પછી પણ મારું મૌન હાલ્યું નહીં.

મનમાં ગ્લાનિ ઊભરાઈ આવી. પ્રાણ પાંખો થઈ ગયો. અંતરાત્મા જાણે અંતરાઈ ગયો. આખું અસ્તિત્વ આ બનાવથી થીજી ગયું. પામરતાને પામતી આપણી પ્રજા શું નિર્વીર્ય પણ થતી ચાલી! આપણું દૈવત શું ડૂબવા બેઠું છે! મૌન બિચારું રડી પડ્યું.