અમાસના તારા/સત્માર્ગના પ્રવાસી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સત્માર્ગના પ્રવાસી

૧૯૩૫ના વૈશાખની એક સમીસાંજે અલ્હાબાદ સ્ટેશને ઊતર્યો. બનારસથી આવતો હતો. મારી પાસે આચાર્ય શ્રી નરેન્દ્રદેવનો શ્રી મોહનભાઈ ગૌતમ ઉપરનો પત્ર હતો પણ મને આશા નહોતી કે કોઈ સ્ટેશને આવશે. ત્રીજા વર્ગના ઝાંપા આગળ મારી ટિકિટ આપું, ત્યાં મારા ખભે હાથ મૂકીને એક જણે પૂછ્યું : “આચાર્ય નરેન્દ્રદેવને ત્યાંથી તમે જ આવો છો ને?” આ પૃચ્છામાં મૈત્રીની હલકભરી મીઠાશ હતી. “આપ મોહનલાલ ગૌતમ?” અને મારા સુખદ આશ્ચર્યનો એમણે સ્મિતથી ઉત્તર વાળ્યો.

રાતે જમીને અમે સરદાર નર્મદાપ્રસાદસંહિને મળવા ગયા. મારે એમને ત્યાં હિંદી કવિઓ, ભાઈશ્રી ભગવતીચરણ વર્મા, બચ્ચન અને નરેન્દ્ર શર્માને મળવું હતું. સરદાર નર્મદાપ્રસાદસંહિ પોતે પણ મળવા જેવા માણસ છે. કાળો પહાડી કદાવર દેહ, બુંદેલીના મિશ્રણવાળી જોરદાર હિંદી વાણી અને ચમકારા મારતી રાતી રજપૂતી આંખો એમના વ્યક્તિત્વને નિરાળું રૂપ આપી દે છે. એ વખતે તેઓ અલ્હાબાદ જિલ્લા સમિતિના પ્રમુખ હતા. મૂળ તો રીવાંના ભાયાત, સ્વતંત્રતા મળ્યા પછી વંધ્યિપ્રદેશના મહેસૂલ પ્રધાન થયા હતા. એમણે અમારે માટે જમનામાં નૌકાવિહારની વ્યવસ્થા કરી હતી. વૈશાખ સુદ ચૌદશ હતી. સામે ત્રિવેણીસંગમની ક્ષિતિજેથી ચંદ્ર ઉપર ચઢતો હતો. ચાંદનીએ જમાનાના સમય પ્રવાહને તેજમાર્ગ બનાવી દીધો હતો. પ્રવાહનો મર્મરધ્વનિ કાવ્યની જેમ માત્ર જીવનનો સંકેત કરતો હતો. નાવડીએ કિનારો છોડ્યો અને પ્રવાહના મધ્યમાં વહેવા માંડ્યું. ત્યાં સુધી સૌ જમનાના પટમાં વિસ્તરતી ચાંદનીની છટા જોવામાં મશગૂલ હતા. બચ્ચનની ગીતમાધુરીએ મૌન તોડ્યું. ત્રિવેણીસંગમ પર પહોંચ્યા ત્યાં સુધી અને ત્યાંથી પાછા કિનારે આવ્યા ત્યાં સુધી બચ્ચન, ભગવતી અને નરેન્દ્રનાં કાવ્યગાનથી હૈયું ભરાઈ ગયું. શાંત સ્વચ્છ રાત્રિ, નિર્મળ નમણી જ્યોત્સ્ના, યમુનારાણીનું જીવંત સૌન્દર્ય અને કવિઓની દિલાવરીએ એ રાતને સ્મરણીય બનાવી દીધી.

રાત્રે અમે ઘેર આવીને અગાસીમાં સૂતા ત્યારે મોહનલાલ ગૌતમ જેવા રાજકીય પુરુષના અંતરમાંથી પણ જિંદગીની એ ધન્ય પળો વિશે સુખનો આશ્ચર્યમુગ્ધ અવાજ નીકળી પડ્યો.

એ વખતે શાંતિનિકેતનમાં શ્રી ક્ષિતિમોહન સેનના માર્ગદર્શન હેઠળ કબીર વિષેનું થોડું સંશોધન કરતો હતો. એ અભ્યાસમાં દાદુ અને રાધાસ્વામી સંપ્રદાયની સાધના કબીરના નિર્ગુણ સંપ્રદાયની સાધના સાથે કેટલી મળતી આવે છે એ વિષે અભ્યાસની દૃષ્ટિએ કંઈક જાણવા માગું છું એ વાત મેં ભાઈશ્રી મોહનલાલને કરી; અને એને ખાતર હું રાધાસ્વામીઓના મુખ્ય મથક આગ્રાની અને દાદુપંથીઓના મુખ્ય સ્થાન નારાયણાની મુલાકાતે જવાનો છું એમ કહ્યું. બનારસમાં કબીરચોરાના વંશપરંપરાગત ગાદીના મહંતની બાબુ સંપૂર્ણાનંદજીએ ઓળખાણ કરાવીને મેળાપ કરાવી આપ્યો હતો. એ વાત પણ મેં ગૌતમને કહી, એ ઉપરથી એમણે મને તરત જ કહ્યું કે આવતી કાલે સવારે આપણે બાબુ પુરુષોત્તમ ટંડનને મળીશું. તેઓ રાધાસ્વામી છે અને એ સંપ્રદાયમાં એમનાં સ્થાન અને પ્રતિષ્ઠા ઘણાં ઊંચાં છે. આગ્રા માટે મને એમનો પત્ર તો મળશે જ પણ તેઓ પોતે પણ કંઈક મહત્ત્વની માહિતી આપી શકશે.

મોહનલાલ ગૌતમ સ્વ. લાલા લજપતરાયે સ્થાપેલા લોકસેવક સમાજના સભ્ય હતા. શ્રી ટંડનજી એ સમાજના પ્રમુખ હતા. રાજકીય દૃષ્ટિએ ગૌતમ તે વખતે કોંગ્રેસ સમાજવાદી હતા અને ટંડનજી મહાસભાવાદી હતા. પરંતુ એ બન્ને વચ્ચે ગાઢ સ્નેહ હતો. ગૌતમને ટંડનજી માટે ખૂબ માન અને સ્નેહ હતાં એ તો અમારી એ પહેલી ટૂંકી મુલાકાતમાં પણ હું જોઈ શક્યો.

બીજે દિવસે સવારે અમે ટંડનજીને મળવા ગયા. એમની તબિયત અસ્વસ્થ હતી છતાં એમણે બહુ જ ભાવથી અમને બોલાવ્યા. મોહનલાલે મારી ઓળખાણ કરાવી અને મુલાકાતનો હેતુ પણ કહી દીધો. તેઓ બહુ રાજી થયા. તબિયતના ખબરઅંતર પૂછીને મેં મારી વાતની માંડણી કરી :

“રાધાસ્વામી એ શબ્દનો અર્થ અને એની સાધનાના સ્વરૂપ વિષે મારે આપની પાસે જાણવું છે.”

ટંડનજી પથારીમાં બેઠા થઈ ગયા. એમની આંખો ચમકી ઊઠી. બોલ્યા : “મોહનલાલ, આજે મહેમાન અને તમે અહીં જ ભોજન કરજો. હું પણ સાથે થોડો ફળાહાર કરીશ.” મોહનલાલ અંદર જઈને અમારી જમવાની વ્યવસ્થા કરી આવ્યા.

“તમારો પ્રશ્ન મને ગમ્યો. તમે મૂળ વાત કરી એ સારું કર્યું.” ટંડનજી તકિયાને અઢેલીને વધારે સ્વસ્થ થયા. દાઢી પર હાથ ફેરવીને એમણે આગળ ચલાવ્યું : “નદીના મુખને તમારે પામવું હોય તો તમારે પ્રવાહથી ઊલટા જવું જોઈએ. ગંગોત્રી પહોંચવા માટે તમારે અહીંથી કાશી ભણી નહીં પરંતુ એથી ઊલટા હરિદ્વાર તરફ જવું જોઈએ. એટલે મૂળને પામવા માટે ધારાથી ઊળટી યાત્રા કરવી રહી. આ રહસ્યને સ્ફુટ કરવા માટે ધારાનું ઊલટું નામ રાધા અમે સંપ્રદાયના નામ તરીકે સ્વીકાર્યું છે. આમ પણ રાધા એટલે પ્રકૃતિ અને એના સ્વામી પરમ પુરુષને પામવા માટે સાધકે પોતાના અંતર ભણી જ પાછું વળવું જોઈએ. આ સાધનાની ધારા અંતરથી બહાર નથી વહેતી. એ તો બહારથી અંતરતમ પ્રદેશમાં પહોંચીને આત્મસ્થ બને છે. રાધાસ્વામી શબ્દનો આ મર્મ છે. અને આંતરયાત્રા એ એની સાધનાનું રહસ્ય છે.” ટંડનજીની આંખો કંઈક ઝીણી થઈ, દૃષ્ટિ અંતરમાં પાછી વળી અને પળવાર એમનાં નેત્રો બંધ થઈ ગયાં.

ત્યારપછી વાર્તાલાપ તો ઘણો થયો. સંસ્કૃતિથી માંડીને સંસારના ક્ષણજીવી સ્વાર્થ સુધીના ઘણા વિષયો ચર્ચાયા. પણ એ માણસ પકડાઈ ગયા. ટંડનજી સ્વભાવે રાજપુરુષ, સમાજસુધારક કે સાહિત્યકાર ન લાગ્યા. તેઓ તો પોતાને પામવા માટે, પોતાના જીવનની ધરતી ઉપરનું આકરું કુરુક્ષેત્ર પટાવીને આંતરયાત્રા કરનાર સત્માર્ગના પ્રવાસી જણાયા.