અમાસના તારા/સર્જનનો ઉત્સવ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સર્જનનો ઉત્સવ

સાતઆઠ વરસની વાત છે. ગરમીના દિવસો હતા. વૈશાખ ધીકતો હતો. એ લૂ વરસતા ઉનાળામાં શ્રી નંદલાલ બોઝ શાન્તિનિકેતનથી વડોદરા આવ્યા હતા. સાથે એમના શિષ્ટ કલાકારોનું જૂથ હતું. ગાયકવાડના કીતિર્મંદિરમાં ઉગમણી દીવાલે એમના પ્રથમ ભીંતચિત્રનું નિર્માણ થવાનું હતું. કીતિર્મંદિરના પાછલા ભાગમાં આવેલી સામાન્ય ઓરડીઓમાં એ સૌની સાથે જ રહ્યા હતા.

અમને ખબર પડી એને બીજે દિવસે સવારે ડો. અલી અને હું એમને મળવા ગયા. ગુલાબી સ્વભાવ અને રંગીન તબિયતના આદમી ડો. અલીએ નંદબાબુ જેવા ગંભીર માણસને પણ ખડખડાટ હસાવી પાડ્યા. અમે નંદબાપુની સાથે જ કીતિર્મંદિરમાં ઉપર ગયા. ઉગમણી દીવાલે જોયું તો કાળી લકીરોથી ચિત્રની જગ્યા રોકી લેવાઈ હતી. નંદબાબીએ દીવાલ ભણી જોઈને પોતાના અંતરની વાત કહી : મીરાંના જીવનકથાના પ્રસંગો આલેખવા છે. બસ, પાછા એ તો પોતાની સમાધિમાં પડી ગયા થોડીવારપછી બેચાર જણાને બોલાવી કંઈક સૂચનાઓ આપી અને પોતે કામે લાગી ગયા.

અઠવાડિયા પછી ડો. અલી અને હું પાછા નંદબાબુને મળવા ગયા. સામાન્ય રીતે નંદબાપુ કોઈને ઉપર લઈ જતા નહીં. પણ અમને એમણે એ નિયમના અપવાદ રાખ્યા. ઉપર જઈને જોયું તો થોડાંક રંગનાં ધાબાં ભીંત પર પડ્યાં હતાં. હજી એમાંથી આકૃતિ ઊઠતી નહોતી. અલીએ મને કહ્યું : “તેં નંદબાબુની આંખો જોઈ? એમાં ચિત્રની બધી જ આકૃતિઓ સળવળી રહી છે. એમના અંતરમાં જે દર્શન પડ્યું છે તે એમની આંખોમાં દેખા દે છે. આવતે અઠવાડિયે હવે એ રંગમાં ઊતરશે.” દરમિયાન નંદબાબુ તો પીંછી લઈને પોતાને કામે લાગી ગયા હતા.

અઠવાડિયા-દસ દિવસ પછી અમે બન્ને ફરીથી નંદબાબુને મળવા ગયા. અને નિયમ મુજબ ચાનો પ્યાલો પિવડાવીને તેઓ અમને ઉપર લઈ ગયા. અમારા આશ્ચર્ય વચ્ચે અમે દીવાલને જીવતી થતી જોઈ. આકૃતિઓની રેખા બંધાઈ ગઈ હતી. રંગો વધારે વિશદ થતા જતા હતા. કલાકારનું દર્શન આકાર લેતું હતું. સર્જકપ્રતિભા પાંગરતી જતી હતી. અમે તો મુગ્ધ બનીને ભીંતમાંથી જાગતા જીવનને જોઈ જ રહ્યા. નંદબાબુની પીંછી પામર માનવઆકૃતિને પરમ આત્મશ્રીથી વિભૂષિત કરી રહી હતી. અમે ઘેર જવા પાછા વળ્યા ત્યારે કદીય મૂંગા ન રહેતા ડો. અલી રસ્તે એક શબ્દ પણ બોલ્યા નહીં.

નંદબાબુને મળવાનો આનંદ અનેરો હોય છે. થોડીક જ વાતો એ વાણી દ્વારા કરે છે. એમની ઘણી વાતો મૌન વાટે થાય છે. એમની આંખો એ વખતે મુખ્ય વાહન હોય છે. એ સવારે અમે ગયા ત્યારે એ બહુ જ શાંત હતા. સમાધિસ્થ કહીએ તોપણ એમાં અતિશયોક્તિ થવાનો ડર નહીં. કારણ કે તેઓ બેઠા હતા ધરતી પર, પણ એમની દૃષ્ટિ દૂર અગમ્યમાં હતી. અમને બીજા શિષ્યે ચા આપી અને અમે એમની સાથે ઉપર ગયા. પણ એમની સર્જનસમાધિ અતૂટ હતી. ઉપર ગયા ત્યારે આંખોએ નવું જ આશ્ચર્ય જોયું. આકૃતિમાં પ્રાણ દેખાયો. રંગ અને રેખા બન્નેની જુદાઈ લય પામી હતી. અને એ લયમાંથી લાવણ્ય પ્રગટ્યું હતું. “મેં તો દરદ દીવાની, મેરા દરદ ન જાને કોઈ” એમ ગાતી મીરાં આગળ ચાલતી હતી. ભીંતમાંથી ધ્વનિ ઊઠતો હતો, ધૂન એકાગ્ર થતી હતી અને લગનીનું ગાંડપણ જોનારને અવાક્ કરી દેતું હતું. વૃક્ષ, મંદિર, આકાશ, ધરતી, તેજ, છાયા બધું કળામય બનીને મીરાંને સાથ દેતું હતું.

નંદબાબુ પોતાની અદ્ભુત પીંછી વડે ચિત્રને અંતિમ રૂપ આપી રહ્યા હતા.

અને છેલ્લું દર્શન! અપૂર્વ હતો એ અનુભવ. પહેલા દર્શને એ આરસ જેવી શ્વેત પથ્થરની દીવાલ હતી. એની ઉપર રેખાઓ અંકાઈ, રંગનો છંટકાવ થયો, શિલ્પીની આંગળીઓ ફરી અને એમાંથી જીવન જાગ્યું. જીવન જાગવાનો કેવો અભિનવ ઉત્સવ! કલાકારની વિભૂતિનું સૌન્દર્યના પ્રાકટ્યમાં કેવું ધન્ય વિસર્જન!