અમાસના તારા/“ગુલાબી બુલબુલ”

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


“ગુલાબી બુલબુલ”

કેટલીક વાર અકસ્માત પણ ખરા બને છે! ધાર્યું હોય તેવું ના બને. અણધાર્યું બની જાય. એક વિલક્ષણતાના રહસ્ય વિશે બસ આવું જ બન્યું. મુંબઈમાં મરીનડ્રાઇવ પર બોમ્બે ક્લબના બસ-સ્ટોપ ઉપરથી મારે રોજ સવારે નવ વાગે ‘સી’ રૂટમાં બેસીને ફોર્ટમાં જવાનું. બની શકે તો નવ અને પાંચ મિનિટે આવતી બસ પકડવાની હોય અને સાંજે સાત વાગે એની સામેના સ્ટૅન્ડ ઉપરથી લગભગ રોજ ચોપાટી ભણી જતો હોઉં. અનેક વખત એક વિચિત્ર માણસનો ભેટો થાય. ક્યારેક સાથ થાય અને કોઈ વાર હું બસમાં બેસું અને એ રહી જાય. કોઈ વાર વળી એ દોડીને બેસી જાય અને હું રહી જાઉં. આંખોની ઓળખાણ વધવા માંડી. ક્યારેક મૂંગી વાત પણ થઈ જાય. બસમાં એક જ વાત ઉપર અમે બન્ને જણા સાથે બસી પડીએ કે આશ્ચર્ય પામીએ. એ સથવારો પણ કંઈક કામયાબ થતો જાય. બસના સ્ટૅન્ડ ઉપરથી અમે બન્ને એકીટસે સમુદ્રને નીરખી રહીએ એ સામ્ય પણ છતું થતું ગયું. આટલો બધો મેળ હોવા છતાંય વાતચીતનો પ્રસંગ બને જ નહીં.

એ માણસ પણ પછી મને વિચિત્ર નહીં પણ વિલક્ષણ લાગ્યા કરે. ચમકતા અને વિવિધ રંગોના રોજ નવા બુશ-કોટ પહેરે. બુશ-કોટથી તદ્દન વિસંવાદી રંગનું પાટલૂન પહેરે. અના વાળ લાંબા, લટકતા અને ગૂંચળાવાળા. દાઢીમૂછની રોજ સફાઈદાર હજામત. ગોરા વાન ઉપર હજામતની લીલી છાયા ભારે દીસે. ચાળીસની પેલે પાર પહોંચેલી ઉમ્મર ચહેરાની સ્થિરતા ઉપરથી સ્પષ્ટ સમજાય. પણ આંખો તેજસ્વી અને મર્મભરી. કંઠ મીઠો ગુંજ્યા કરે. ચપટીઓના તાલ સૂરને સંભાળે. ક્યારેક આરોહ-અવરોહની સાથે હાથ ઊંચોનીચો થઈને સમ ઉપર સ્થિર થાય. કોણ છે આ વિલક્ષણ આદમી? એને વિષે જિજ્ઞાસા જાગી. પણ પુછાય કેમ? કોને પૂછું? આ તો મુંબઈ. લોકો કેળવાયલા. રીતરસમના જાણકાર. પોતાના પાડોશી વિશે પણ અજ્ઞાન અને બેપરવા. કોઈની કોઈને જ પડેલી નહીં. દરેક પોતાનામાં જ મસ્ત. એમાં બીજાને વિષે જિજ્ઞાસા સેવનાર હું જરા ગામડિયો લાગ્યો. મારી આ લાગણીનો મેં જ લાભ લીધો. નિશ્ચય કર્યો કે બીજે દિવસે જો એ બસસ્ટૅન્ડ ઉપર મળશે તો હંમિત કરીને વાતચીત કરીશ.

બીજે દિવસે હું સમયસર બસ માટે પહોંચ્યો. એ પણ હાજર. ત્રીજી એક પંજાબી વૃદ્ધ સ્ત્રી પણ રાહ જોતી ઊભેલી. બસ આવી. માત્ર એક જ જણની જગ્યા. હું પહેલો ઊભેલો, એ બીજા; અને પેલી બાઈ ત્રીજી. અમે બન્નેએ પળવારમાં સાથે જ નિર્ણય કર્યો. બાઈને બેસવા દીધી. બસ ચાલી ગઈ. આ વખતે અમે પહેલી વાર બોલ્યા. આ રહસ્યમૂર્તિ તે બૅરિસ્ટર ઝાબવાળા. મુંબઈની સી.આઈ.ડી.ના કાયદાના સલાહકાર, ફોજદારી કાયદાના કેટલાક પ્રામાણિક ગ્રંથોના કર્તા, શાસ્ત્રીય સંગીતના અભ્યાસક અને આશક, સરસ ગવૈયા, ફક્કડ નર્મવિદ અને સહૃદય માનવતાના ઉપાસક.

એક વખત સમીસાંજે મરીનડ્રાઇવના અમારા બસ-સ્ટૅન્ડ ઉપર અમે ચોપાટી જવા માટે ઊભા હતા. એ વખતે સ્વ. ભાતખંડેની સંવત્સરી નિમિત્તે ભારતીય વિદ્યાભવનમાં સંગીતના સમારંભો રોજ ચાલતા હતા. ઝાબવાળાએ ગુલાબી બુશ-કોટ અને વાસંતી પાટલૂન પહેરેલાં. મારી સાથે વાત કરતા જાય, માલકોશના સૂરનો આછો ફુવારો ઊડાવતા જાય, સાગરના તરંગોની મજા લૂંટતા જાય, ઊભરાતા માનવસમુદાયમાંથી કોઈકને વીણી કાઢી એને વિશે સરસ અને દંશરહિત નર્મ કરતા જાય. એટલામાં એક કોઈ જુવાનની મોટર નીકળી. અમારી પાસે ઊભી રાખી. ઓળખાણ વિના જ એણે અમને સાથ આપ્યો. ઝાબવાળાએ એ મોટરના માલિકને બેચાર હાસ્યની છોળોનું ઇનામ આપ્યું.

રાતે હું અને મારા મિત્ર બાલુભાઈ ભારતીય વિદ્યાભવનની મિજલસમાં ગયા. જોઈએ તો ઝાબવાળાનો કંઠ માલકોશ રાગને લડાવી રહ્યો છે. બજવૈયાઓનો સાથ છે, શાંત મેદની છે, સાથે ઘણા ગવૈયાઓ અને કલાકારો બેઠા છે. ગુંજતા બુલબુલને ગાતું જોઈને ખૂબ આનંદ આવ્યો.

એક દિવસે સવારે નવ વાગે નિયમ પ્રમાણે બસ માટે ઊભો હતો. મરીનડ્રાઇવ પરની બોમ્બે ક્લબની સામેના ‘ચેટુ મરીન’ના આંગણામાં આઠ-દસ છોકરાઓ ગિલ્લીદંડા રમતા હતા. સૌની સાથે જોયું તો ઝાબવાળા પણ રમવામાં મસ્ત. એમની મસ્તી જોવામાં હું એક બસ ચૂકી ગયો. એ બિલ્ડંગિને ચોથે માળે એમનું ઘર. આખું મકાન એમને ઓળખે, એટલો વિસ્તાર લગભગ એમને પિછાને. એમાં એ વિભાગનાં બાળકો તો એમના ખાસ આશકો. ગિલ્લીદંડાની રમત ચાલતી હતી. ત્યાં નીચે જ રહેતી સિનેમાનટી નરગીસ પોતાના સ્ટુડિયોમાંથી આવી પહોંચી. એ બાઈને દૂરથી જોવા પાંચપચીસ માણસો હમેશાં એ ઘર આગળ ઊભા જ હોય. એ ઊભેલા માણસો ઝાબવાળાની રમતમાં એટલા રત હતા કે નરગીસ આવીને ઘરમાં ચાલી ગઈ. કોઈને ખબર પણ ના પડી. પણ એ હસીને બોલતી ગઈ : “ક્યા ગુલાબી આદમી હૈ!”