અમૃતા/તૃતીય સર્ગ - નિરુત્તર/પાંચ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પાંચ


ફરજ પર પહોંચી જવાની ઉતાવળ ન હતી. એમ કરવાની ઇચ્છા પણ ન હતી. ઉદયનને એ સંપૂર્ણ સ્વસ્થ થયેલો જોઈને જવા માગતો હતો. રોકાઈ જવું જરૂરી લાગતું હતું. પણ એમ કરી ન શક્યો. એમ કરવા જતાં અમૃતા એક તરફ રહી જાય તેવો ભય જાગતો હતો. તેથી એ પોતાની લાગણીઓ વિશે નિર્દય બનીને ચાલ્યો ગયો.

જોધપુર પહોંચ્યા પછી અઠવાડિયું થયું. પત્ર દ્વારા ઉદયનનો સંપર્ક રાખવો જરૂરી લાગ્યો. પણ ઉદયનને કહી શકાય એવું એકે કારણ જડતું નથી. ક્યા બહાને પત્ર લખવો તે હજી સૂઝતું નથી. ત્યાં એના નોકરનો પત્ર આવ્યો કે ઉદયન સાહેબ ભિલોડા ગયા છે. અને અમૃતાજી પણ એમની સાથે ગયાં છે. અનિકેતે માની લીધું કે થોડાક દિવસ માટે ત્યાં ગયાં હશે. ત્યાં વધુ રોકવાનું શું પ્રયોજન હોઈ શકે? અને ત્યાં વધુ રોકાવું એમને ફાવશે પણ નહીં. એણે નોકરને લખ્યું કે ત્યાં જ રોકાઈ જા. ઉદયન અને અમૃતા પાછાં આવી જાય પછી મને જણાવજે. હું આવી જઈશ. નોકરનું થોડા સમય પહેલાં લગ્ન થયેલું તે બાબત ખ્યાલમાં આવી હોય અને તેથી અનિકેતે એને જોધપુર આવવા ના પાડી તેવો પણ સંભવ છે.

એણે ઉદયનને લખ્યું—

‘હે પ્રત્યક્ષ સૃષ્ટિના પ્રવાસી, જેને તું તારી ઈન્દ્રિયો થકી પ્રમાણી શકતો નથી. તેને પણ અસ્તિત્વ હોઈ શકે. તે કેવળ અ-ભાવ નથી. જે દેખાતું નથી તે પણ હોય છે બલ્કે છે. તેથી સમગ્ર ભાવમયતાને તારામાં પ્રતિફલિત થવા દે. મમત્વથી પ્રેરાઈને કશાયને નકારતો નહીં. મિત્રની હેસિયતથી એ માટે તને આજીજી કરું છું. અમૃતાના આછા આછા સંપર્કને પરિણામે થોડુંક એની વેદના વિશે પણ જાણું છું. જોજે તારી સભાનતાથી અવરોઘ પામીને એ અસર્મપિતા ન રહે. એની ઉપસ્થિતિમાં જે થાય તે થવા દે. તારી સભાનતાને અને તારા દર્દને, તારા દર્દની સભાનતાને અને સભાનતાના ભારને વિરાટમાં વિસ્તરવા દે. નિષ્ક્રિય રહીને સક્રિયતા સિદ્ધ કરવાનો એ જ એકમાત્ર માર્ગ છે કે વિજેતા બનવાની અભીપ્સા છોડીને, પોતાના આગવા એવા સ્વાતંત્ર્ય માટેની હઠ છોડી દઈને સમગ્રનો યોગ સ્વીકારવો. કારણ કે તૃપ્તિ તો સીમિત સ્વાતંત્ર્યમાં નહીં, નિ:શેષ મિલનમાં છે. આ મિલનેચ્છાનો પ્રરંભ પોતાની નિકટ હોય તેનાથી થાય.

‘માનું છું કે નવું વાતાવરણ મેળવવા તું ભિલોડા ગયો છે. નવું નહીં. પૂર્વપરિચિત મમતા અને તાજગીથી સભર તારા વતનની વનશ્રીને ન જોઈ શકવાનો મને વસવસો છે. ત્યાં દોડી આવવાનું મન થાય છે. અહીં રણની સરહદે જીવનારો માણસ તારા ડુંગરાઓના નિસર્ગદત્ત ઐશ્વર્યને જોવા તલસે તો તારે એની મુગ્ધતાને માફ કરવી જોઈએ. આમેય તું જાણે છે કે આપણી સંસ્કૃતિનો સ્રોત વનમાંથી પ્રભવ્યો છે. આપણા મહાન દેશનું હૃદય વનશ્રીની છાયામાં ઊછર્યું છે. મને બરોબર યાદ છે કે તેં કહેલું કે ભિલોડા પાસેના મઉ ગામે ચ્યવન ઋષિનો આશ્રમ છે! કદાચ એ પણ તેં જ કહેલું કે આજે ઈડર છે ત્યાં જ પૂર્વે કણ્વ ઋષિનો આશ્રમ હતો. આ બાબત કેવી આનંદદાયક છે કે આપણા તપસ્વીઓ વનવાસી હતા! વનોએ ભારતને શું શું આપ્યું છે! ચાલો, અમને એથી પણ સંતોષ છે કે ભિલોડાની વનશ્રીએ અમને એક વીર્યવાન્ યુવક તો આપ્યો છે!

હું મારા વિશે કશું નહીં લખું તો તને પત્ર અધૂરો લાગશે. તને લખ્યું એમાં મારા વિશેનું પણ સમાવિષ્ટ છે. છતાં જુદો પ્રયાસ કરું—

આ મકાન રાખ્યે વખત થયો. વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ… કેટકેટલી ઋતુઓ વીતી ગઈ! પરંતુ આ મકાનના પશ્ચિમ આંગણના ખૂણે વિકસતા એક વૃક્ષને મેં આજે જ ઓળખ્યું. એ રુદ્રાક્ષ છે, જેનું ફળ સુકાઈ જતાં એની માળા બનાવીને સાધુઓ પહેરતા. મેં એને પાણી પાવા માટે એના થડની ફરતે ક્યારો કર્યો. પાણી ભરીને હું એ છલોછલ ક્યારાને જોઈ રહ્યો. લેલાંને તું જાણતો હોઈશ. બહુ ગરબડિયાં પક્ષી છે, કોઈથી ખમચાય નહીં. કોણ જાણે ક્યાંથી ઊડી આવ્યાં અને ચાંચ ભરીભરીને પાણી પીવા લાગ્યાં. તૃપ્ત થઈ ગયાં. પછી તો ચાંચમાં પકડીને જલબિંદુને પડતું મૂકે. જલમાંથી વિખૂટું પડ્યું હોય તે બિંન્દુ ફરી જલ બની જાય! એ રમતથી એમને સંતોષ થયો ન હોય તેમ એમણે તો ક્યારાના પાણીમાં સ્નાન કરવા ઝંપલાવ્યું. પાંખો પલાળીને પાળ ઉપર આવે અને આનંદથી કંપી ઊઠે. પાંખો ફફડાવે. હું તો કામકાજ ભૂલીને એમને જોઈ રહ્યો. ભાઈ, એમને ઉડાડી મૂકવાનું આપણું ગજું નહીં. આપણે તો રહ્યા પ્રેમી માણસ. પ્રેમના માધ્યમથી પ્રણ સુધી અને પ્રણના પરિચયથી સત્ય સુધીની યાત્રા કરવાના અભિલાષી જીવને તો આવો છલોછલ ભરેલો ક્યારો, એની પાળ પર લીલા કરતાં લેલાંની ખુશી વૃક્ષની છૂપી ડાળી પર ફૂટી આવેલી કૂંપળ, પવનથી ચલિત થઈ ગયેલી તરુલતાની મુકુલિત કળીઓ, સાંજ ટાણે ખજૂરીનાં પાંદડાંનો શ્રમિત મર્મર ધ્વનિ, ઉષાની નિત્યનૂતન અરુણાઈ, દૂરવાસી વિહંગ-વૈતાલિકનો ઉત્સાહી સ્વર, મને છોડવો માનીને મારા ખભે આવી બેઠેલું ભોળું પતંગિયું, રત્નગુંજાની શીંગ સુકાઈને ફાટતાં એનાં બીજનો સુંવાળપભર્યો, રક્તિમ વર્ણ… સઘળું સંતર્પક બની રહે છે.

વારંવાર કોઈ અનાહત સ્વર મારા અંતસ્તલમાં જાગી આવીને ઈંગિત કરી જાય છે કે આ સકળ સૃષ્ટિ મારો નીડ છે. હું મારા આ નીડને નાનો બનાવી દેવા માગતો નથી. નિજત્વને બૃહદમાં ભાવિત કરવાનાં અવનવાં માધ્યમ શોધી રહ્યો છું. તેની પૂર્વશરત રૂપે નિર્વેદ અને આનંદ વચ્ચે સમાધાન કરાવી લીધું છે.’

આ પત્ર અમૃતાએ પણ વાંચેલો. એણે અનિકેતને જણાવ્યું હતું કે ઉદયન અનિશ્ચિત સમય સુધી અહીં રોકાવા માગે છે. એની તબિયત તો સારી લાગે છે પણ એના મનની ગતિનો ખ્યાલ આવતો નથી.

શો ઉત્તર આપવો? આગળના પત્રમાં લખ્યું છે તેથી જુદું કહેવાનું કંઈ છે નહીં. અને હવે મારે કંઈ કહેવાનું હોય નહીં.

ગીતની કોઈ પંક્તિ હમણાં એના કંઠમાં જાગી નથી. સ્વરતંત્રીઓની પ્રકૃતિ બદલાઈ ગઈ લાગે છે. હવા સૂકી અને પાતળી છે. એમાં ઠંડી સાંગોપાંગ ભળી ગઈ છે. હવે એની અસર વધશે.

ઉદયન એની સાથે જોધપુર રોકાયો ત્યારે જે જે સ્થળોની મુલાકાત લીધી હતી તે સ્થળોએ જવાનું થતું ત્યારે ઉદયન અચૂક યાદ આવતો. એવું શું છે. કે ઉદયન આમ યાદ આવે છે?

એણે ડૉકટરોને મુંબઈ પત્ર લખ્યો. એ લોકો એમના મિત્રોને પૂછવાના હતા એનું શું થયું? કોઈ પણ પ્રકારની ક્ષતિ એના શરીરમાં રહી જવા ન પામે. જરૂર પડ્યો વિદેશ પણ લઈ જવો.

અનિકેતની વાણીનો સ્વભાવ બદલાયો છે. એ આજકાલ ગીતના લયમાં ઢળી શકે તેમ નથી. કોઈ સહકાર્યકર મળવા આવે છે ત્યારે એને સાહેબનો સદ્ભાવ ઓછો થઈ ગયાનો વહેમ જાય છે.

અનિકેતને લાગે છે કે એ બધી ઉષ્મા અતિરિક્ત હતી.

સમયને રંગી શકાતો નથી. જે રંગ હોય છે તે તો વાદળના છે. સવારનો સમય સાંજનો સમય, એમનો સમય… સમય તો કોઈનો નથી. અને એના ભેદ પાડી શકાતા નથી. સવાર અને સાંજમાં અહીં શો ફેર છે ? પાસેના ખેતરના ખીજડાની ડાળે લટકતો સુગરીનો માળો સદા એકસરખો દેખાય છે. એ માળાને નજીક રહીને દીર્ધ સમય સુધી જોઈ શકાય છે. માળામાં શાંતિ છે. માત્ર શાંતિ, બીજું કંઈ નહીં. એ માળાની રિક્ત શાંતિના સાધર્મ્યવાળી એક શાંતિ એની આખોમાં સ્થિર થઈ રહી છે. ધૂળની ડમરીમાં ઊડી આવતું કોઈ કાંતિહીન પીંછું ધ્યાન ખેંચ્યા વિના જ એને અડકીને સરકી જાય છે.

મોડી રાતે મકાન પાછળ થઈને એક શરાબી જૂની ફિલ્મોનાં ગીત ગાતો ગાતો પસાર થાય છે. અનિકેત માને છે કે નજીક આવીને એ સાવ ધીમે અને બેપરવાહીથી પસાર થાય છે. એના અવાજમાં વિફળતાના દર્દનો નશો હોય છે. અનિકેત ઊભો થઈને એને સાંભળવા બારી નજીક જાય છે.

કોઈ વાર રાત પછી એને સાંજનો જ સીધો અનુભવ થાય છે. અને ત્યારે સમયની પાછળ ન પડી જવાય એટલા માટે એ મંડોર તરફ ફરવા જાય છે. રસ્તાની બે બાજુનાં વૃક્ષોના થડ પર કરેલા સફેદ અને કાળા પટ્ટા એનું ધ્યાન ખેંચે છે.

અમુક જ સ્થળ સુધી જઈને પાછા વળવું એવો નિયમ એણે રાખ્યો નથી. કોઈ વાર દૂર સુધી પણ જઈ આવે છે.

એનું કામકાજ બરાબર છે. એણે પોતાના તપાસ-નિબંધનાં ત્રણ પ્રકરણ લખી દીધાં છે. પરિસ્થિતિનું યથાતથ આલેખન કરવા સુધી એ પહોંચ્યો છે. હવે સમસ્યાઓનું સ્વરૂપ સમજી રહ્યો છે.

મુંબઈ લખેલા પત્રોનો ઉત્તર નથી. બેમાંથી એકે ડૉકટરે ઉત્તર આપ્યો નથી. એમને ફરીથી લખું? કે પછી હું જ હીરોશીમાના ડૉકટરને પુછાવું તો શું ખોટું? મારું વર્ણન સાવ ખોટું તો નહીં જ પડે. ક્યા પ્રકારની અસર થઈ છે અને હવે એનો શો ઉપાય છે એટલું જાણવા મળે તો ઉપચાર જલદી શરૂ કરાવી શકાય.

એણે પત્ર લખ્યો. ઉદયન દુરસ્ત થઈ જાય. એ લોકો સુખી થાય. બસ. પછી તો હું છું અને મરુભૂમિ છે. બહુ વિશાળ પ્રદેશ છે. ફર્યા કરીશ, વાંચ્યા કરીશ, લખવા જેવું લખીશ. કામ પૂરું થતું જશે તેમ મોકળાશ અનુભવતો જઈશ. બસ એ બચી જાય. ડૉકટર કહેતા હતા કે રેડિયો-એકિટવનો અમુક માણસ પર શો પ્રભાવ પડશે અને કેવું પરિણામ આવશે તે વિશે કશું ચોક્કસ કહી શકાતું નથી. શરીરની સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રક્રિયાનું જ્ઞાન પ્રસ્તુત કરવા છતાં વિજ્ઞાન કહી શકતું નથી કે માણસ પર રેડિયો-એકિટવનો પ્રભાવ ફક્ત આ પ્રકારનો જ હોઈ શકે. પરિણામ પ્રક્રિયાને વટાવી ગયું.

ઉદયન સાથે એક વરસ નોકરી કરવાનો પ્રસંગ મળેલો. તે પછી બીજા વર્ષે એને કારણે અમૃતાનો પરિચય થયો. ઉદયનના છૂટા થવાનું કારણ સમજવા કોઈ તૈયાર ન હતું. ઉદયન વર્ગ લેતો હતો. આચાર્યશ્રી અમથા જ લટાર માળવા નીકળ્યા હતા. ઉદયનના વર્ગ પાસે થઈને પસાર થતાં એમની બારી દ્વારા અંદર ઘૂસેલી આંખે એક વિદ્યાર્થીને જરાક આરામથી બેઠેલો જોયો. પિરિયડ પૂરો થતાં એમણે વિદ્યાર્થીને બોલાવ્યો અને દંડ કર્યો. ઉદયનને કોઈ વિદ્યાર્થીએ એ સમાચાર આપ્યા. ઉદયને પેલા વિદ્યાર્થીને બોલાવીને કહ્યું કે તું દંડ ન ભરતો. કહેજે કે તે પિરિયડ જેમનો હતો તે અધ્યાપકને વિદ્યાર્થી નિરાંતે બેસે એ સામે વાંધો નથી. વાત આગળ વધી. વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ, તમે શા માટે કલેશમાં ઊતરો છો? હું દંડ ભરી દઈશ. પરંતુ ઉદયન પોતાની વાતમાં સ્પષ્ટ અને દૃઢ હતો. એણે દંડ માફ કરી દેવા આચાર્યશ્રીને સાફ સાફ શબ્દોમાં સંભળાવી દીધું. આચાર્યશ્રી માન્યા નહીં. પરિણામે સંઘર્ષ થયો. ઓછામાં પૂરું આચાર્યશ્રીની જિજ્ઞાસા ન હોવા છતાં ઉદયન એમને સમજાવવા બેઠો હતો. એણે કહેલું કે વર્ગની સઘળી જવાબદારી અધ્યાપકની છે. બહારનું કોઈ તત્ત્વ અધ્યાપકની અનુમતિ વિના પ્રવેશી ન શકે. તો પછી બહાર ફરતા માણસથી વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીનો દંડ થઈ જ કેવી રીતે શકે? દરેક માણસે પોતપોતાનું કાર્યક્ષેત્ર સમજી લેવું જોઈએ. તે ઉપરાંત દંડ કરવો એ સો ટકા અશૈક્ષણિક પ્રવૃત્તિ છે. વિદ્યાર્થીના વિકાસમાં આ પ્રવૃત્તિનો કશો ફાળો હોઈ શકે નહીં, આચાર્યશ્રીના વિકાસમાં પણ નહીં. ભય કદી શિક્ષણનું સાધન બની શકે નહીં.. વિદ્યાર્થી બોલાયેલું ગ્રહણ કરતો હોય તો પછી એ કરોડરજ્જુ ખેંચીને બેસે કે પાટલી પર પગ મૂકીને બેસે તેની સાથે અધ્યાપકને કશી લેવાદેવા નથી… આ ચર્ચાએ ઉગ્ર રૂપ ગ્રહણ કર્યું અને કેટલાક અધ્યાપકોએ આચાર્યશ્રીને મળીને ઉદયનની ઉદ્દંડતા વિશે પોતાનો અભિપ્રય આપ્યો. વિનયન વિભાગનો તો એકેય અધ્યાપક ઉદયન સાથે સહમત ન હતો. વિજ્ઞાન વિભાગનો એક અધ્યાપક આચાર્યશ્રીને આ પ્રશ્ન વિશે મળ્યો હતો અને સવિનય કહ્યું હતું કે સાહેબ, આ મુદ્દા પર કોઈ પણ અધ્યાપક રાજીનામું આપે તે કૉલેજ માટે ગૌરવપ્રદ નથી. અને ઉદયનના અધ્યાપનની પ્રશંસા થાય છે, એ પ્રતિભાશાળી સર્જક છે. દોષ એના પક્ષે નથી. અને માનો કે એનો દોષ હોય તોપણ કોઈને આવો માણસ ખોવો પાલવે નહીં. આચાર્યશ્રીએ વિદ્યાર્થીનો દંડ માફ કર્યો હતો.

ઉદયન બીજા વર્ષે રોકાયો ન હતો પણ અનિકેત સાથે એનો પરિચય વધતો ગયો. પેલો પ્રસંગ શકવર્તી બની ગયો. એમાં બંનેએ એકબીજા પ્રતિ આકર્ષણ અનુભવ્યું. અનિકેતને લાગ્યું કે આ માણસ શક્તિપુંજ છે. એની સાથે ઊભા રહેવું જોઈએ. આવા માણસોની નિર્ભીકતાને લીધે જ સમાજનો સ્તર સુધરતો હોય છે. એ સમાધાન નથી કરતો અને સમાધાન ન કરનારના પક્ષે મોટે ભાગે સચ્ચાઈ હોય છે. સુખી થવા માટે એણે કદી સમાધાન કર્યું નથી. એ પોતાના વિચારો માટે આગ્રહી છે અને આગ્રહોને જીવે છે.

એ પ્રસંગને યાદ કરીને અનિકેત આજે ઉદયનના જીવનબળ વિશે વિચારતો રહ્યો. તે વખતના ઉદયનના આત્મવિશ્વાસ માટે એને આજેય આશ્ચર્ય થયું. એ આત્મવિશ્વાસ ક્યારેય ઓછો થયો નથી. મારા અમૃતા સાથે વધતા પરિચયને એ દર્શકની હેસિયતથી જોતો રહ્યો. એણે મને વહેલો સાવધ કરી દીધો હોત તો કેવું સારું! પણ તો તો મને એનો પરિચય ન થાત.

અમૃતા હવે સાચી દિશામાં છે.

પોતાનું બેંક બેલેન્સ કેટલું હશે? અનિકેતે તપાસી જોયું. પહોંચી વળાય તેમ ન હોય તો પિતાજીની મદદ લેવી. ધનનો આથી સારો ઉપયોગ શો હોઈ શકે? જાપાન કે બીજા કોઈ દેશમાં એને લઈ જવો પડે તો લઈ જવો. લોહીમાં વિકૃતિ આવી હતી તે જોતાં લ્યુકેમિયા થાય તેવો સંભવ ખરો અને આ લ્યુકેમિયાની પૂર્વાવસ્થા હોય તો?

હીરોશીમાથી પણ કશો ઉત્તર નથી. પણ આઠદસ દિવસ તો થાય જ. એક બે દિવસમાં ઉત્તર આવવો જોઈએ.

એ આ ક્ષણે મકાનના ધાબા પર આંટા લગાવી રહ્યો છે. આકાશ સ્વચ્છ છે. અનાવૃત નીલિમા નિજમાં નિમગ્ન હતી. સમુદ્રના અને આકાશના રંગમાં સામ્ય છે કે પછી આકાશના દર્પણમાં સમુદ્રનું પ્રતિબિંબ પડતું હશે? પણ પ્રતિબિંબ તો ફક્ત સમુદ્રનું જ કેમ, રણનું પણ પડે.

એણે જોયું કે ગતિ વધી ગઈ છે. ધીમે ધીમે આંટા લગાવતો હતો. હવે ઉતાવળે ચાલવા લાગી ગયો છે.

કામવાળી બાઈ આવી. રસોઈયો બહાર ગયો હતો. એણે ધાબા પરથી જ કહ્યું — ‘મારે જમવાનું નથી.’

પોસ્ટમૅન દેખાયો.

‘તાર.’

અનિકેત ધીરે ધીરે દાદર ઊતર્યો.

અમૃતા લખે છે—

‘ઉદયન પોતાના તરફ કશું ધ્યાન આપતો નથી. મારું માનતો જ નથી. તમે આવો અથવા કંઈક લખો. એના ઉપચાર બાબતે હવે વિલંબ ન થવો જોઈએ.

ઉફ્…

બેઠકરૂમમાં જઈને એ સોફા પર પકટાયો.

એ અમારા પ્રયત્નોની સામે જ છે તો શું થઈ શકશે? શું આ પ્રયત્નોમાં અમને નિષ્ફળ બનાવીને બદલો લેવા માંગે છે? સંભવ છે અમૃતાને તિરસ્કારતો પણ હોય. અમૃતા સફળ થશે એવો વિશ્વાસ તો છે પણ ઉદયનને કેવળ અમૃતા સામે જ વાંધો નહીં હોય. એનું શરીર જેનું ભોગ બન્યું છે તે ઘટના વિશે એ નિરંતર વિચાર્યા કરતો હશે. એનો વિદ્રોહ હશે. માનવજાતિના આસન્ન ભૂતકાળ સામે, રચાઈ રહેલા ઇતિહાસ સામે.

એ યુદ્ધ માણસની ભૂલ હતી. અનિવાર્યતા પ્રમાણ્યા વિના જ એ ખેલાયું હતું. તેથી એ ‘યુદ્ધ’ ન હતું, ભૂલ હતી. ભૂલનું પરિણામ ભૂલ કરનાર નહીં, નિર્દોષો ભોગવશે. આધુનિક જગતમાં યુયુત્સુવૃત્તિને પ્રબળ કરવામાં નિત્શેનો ફાળો ઓછો નથી. પણ ઉદયન કદીય નિત્શે વિશે ઘસાતું બોલ્યો છે? પણ એ અંગે ઉદયન સાથે ચર્ચા કરવાનો અવસર રહ્યો નથી.

અમૃતાના કહેવાનો અર્થ એ થયો કે ઉદયન આત્મહત્યા તરફ… તો એ મારો મિત્ર નથી. જે માણસ પોતાનો પણ મિત્ર નથી એને એનો મિત્ર કેમ કરીને સાચવી શકે? એણે મુંબઈ શા માટે છોડ્યું? ત્યાં ભિલોડામાં શું દાટયું છે? મેં પણ ભૂલ કરી, મારે એની સાથે જ રહેવું જોઈતું હતું. એને જીવનની માયા લગાડીને અહીં આવ્યો હોત તો વધુ સારું.

… અહીં રહીને પણ એ તો થઈ શકે. એ જો એમ માનતો હોય કે અમૃતા સહાનુભૂતિથી પ્રેરાઈને આવી છે તો? એને પરાભવ પ્રતીત થયો હોય તો? સંભવ છે શરીર પ્રત્યે એ બેદરકાર બને. શરીર! શરીરને સાચવ્યા વિના બીજું કશું સાચવી શકાય તેમ નથી. શરીર હોય ત્યારે ભલે અનેક અશરીરી હયાતીઓનો અનુભવ થાય. શરીર માત્ર માધ્યમ નથી. એ સામયિક ભલે રહ્યું, એ નગણ્ય નથી. ફક્ત આત્માએ જ જીવવાનું નથી, શરીરે પણ જીવવાનું છે. બલ્કે આત્મા છે જ, અનાદિ અને અનંત. એણે તો ફક્ત હોવાનું હોય છે. જીવવાનું તો હોય છે શરીરે. આત્માએ શરીર જીવે એ માટે નિમિત્ત બનાવાનું હોય છે… કેમ આજે વિચારણાનો પ્રવાહ ઊલટી દિશામાં વહે છે? અથવા અહીં દિશાઓનો પ્રશ્ન જ નથી. કેન્દ્ર છે અને ત્રિજ્યાઓના વિસ્તાર છે, શરીર ત્રિજ્યા છે. એનું વર્તુલ જેટલું મોટું એટલું પેલા કેન્દ્રિત સત્ત્વનું વિશ્વ મોટું.

ઉદયનને શું લખવું? મારો ઉદ્દેશ એ પકડી પાડશે તો? એમ નહીં થાય એની ખાતરી શી? તો હું એને ઉપયોગી થઈ શકું તેમ નથી? તો સાચે જ કહેતો રહ્યો છે તેમ એ ‘એકલો’ છે? ના, અમૃતા પણ છે. અને હવે એ બે નથી. બે ન રહેતાં એક બને… ‘એકલો’ હોય તે પણ ‘એક’ બની શકે… લખી જોઉં, ફાવે છે કે નહીં, મારી આવડતની કસોટી કરી જોઉં—

‘પ્રિય બંધુ,

‘જે કામ લઈને બેઠો છું તેમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તું વારંવાર યાદ આવે છે. તારી સલાહ લેવા દોડી આવવાનું મન થાય છે. સહકાર્યકરોમાં બે તો એવા છે જેમનાં કાર્યક્ષેત્ર જુદાં જ લાગે છે. વિચારું છું કે એમની સાથે થોડો પ્રવાસ કરું. એમને સમજવાનો વિશેષ પ્રયાસ કરું.

એક માનસશાસ્ત્રીએ કહ્યું છે કે જેનામાં will to power હોય તેવા પુરુષને સ્ત્રી ચાહે. તારા અને અમૃતાના સંયોગનું રહસ્ય હું આ વિધાનમાં જોઈ શકું છું. હું મુંબઈથી નીકળ્યો તે દિવસે અમૃતાએ કહ્યું હતું — સૂર્યમંડળમાંથી સૂર્યને બાદ કરી શકાય નહીં, મારા વિશ્વનો સૂર્ય એ છે, એ જ હતો. પ્રતીતિ થતાં વાર થઈ. હા, તેનો પણ લાભ છે. સમગ્રતયા પ્રતીતિ થઈ.

હું તો મૂળથી જ ભાવુક માણસ રહ્યો છું. તારી તુલનામાં સાહિત્ય અને કળાઓનો મારો પરિચય નહીંવત્ કહેવાય, છતાં હું એ વિશે બોલતો રહ્યો છું. આજે મારી એ ચેષ્ટાઓ મને બાલિશ લાગે છે. બાળપણથી જ પ્રકૃતિ તરફ પ્રેમ અને તેથી વનસ્પતિશાસ્ત્ર તરફ વળ્યો પછી અન્ય વિજ્ઞાનો અને એમના તત્ત્વજ્ઞાન તરફ વળ્યો. પરંતુ ઊંડે ઊતર્યા વિના જ પાછો વળ્યો. વિજ્ઞાન અધૂરાં લાગે છે એવું મેં પહેલાં કહેલું. આજે કહું કે મારું ગજું ઓછું પડ્યું. મૂળથી જ રહ્યો હું ભાવુક જીવ. પાછો વળ્યો. ભાવુકતાને હું શ્રદ્ધા માનવા લાગ્યો. એવી શ્રદ્ધાથી માણસ માની લે છે. સંશયથી એ પામી શકે છે. મને લાગે છે કે આપણા બેના અભિગમોમાં તારો બલવત્તર અને નક્કર છે. આજે મોડો મોડો પણ હું તને નવાજું છું…

અનિકેત અટકી ગયો.

આવી બનાવટ? ભલે ને એનાથી ઉદયનને ગમે તેટલો ફાયદો થવાનો હોય, પણ અસત્યનો આશ્રય લઈ શકાય નહીં. કોઈ પણ અસત્ય કદાપિ સવાઈ સત્ય ન થઈ શકે. ઉદયનનું મેં જે સ્વીકાર્યું નથી તે આજે એને પ્રસન્ન કરવા સ્વીકારું? એવી ખુશામત એને પચશે પણ ખરી? મારાથી આવું વર્તન થઈ શકે નહીં.

એણે કાગળના ફાડીને ચૂરા કરી દીધા. એટલા નાના નાના ટુકડા કરી દીધા કે કાગળની હયાતી હતી તે પણ ખ્યાલ ન રહે, ભૂતકાળ પણ ભૂંસઈ જાય.

હા, સવાલ ભૂતકાળને ભૂંસવાનો જ છે.

અમૃતાએ તાર કર્યો એનું કારણ નાનું નહીં જ હોય. એ જો વિમુખ જ રહેવાનો હશે તો અમૃતાની હવે શી સ્થિતિ? એ કૃતસંકલ્પ છે. …આ બધામાં દોષ મારો જ છે. આ વિષચક્રનું કેન્દ્ર હું છું. મારું જીવન અન્ય સાથે કેટલું બધું સંકળાયેલું છે? ઉદયન એકલો જ બની રહેશે? આ તો એની હઠ છે. એની હઠને તોડવાનું સામર્થ્ય અમૃતામાં નથી? મારામાં પણ નથી? ભિલોડા જાઉં? એને પ્રતીત કરાવી આવું કે તારી એકલતાથી તને મુક્તિનો અનુભવ નહીં થાય. તારી એકલતા સ્વયંર્સજિત વિસંવાદમાંથી જન્મી છે. એમાંથી બહાર આવ. આ તો જડતા કહેવાય. આજુબાજુ નજર કર. તું એમ નહીં કરે તો હું માનીશ કે તું નાસ્તિક છે, સ્વાર્થી છે. અમૃતાએ તારા માટે જે ત્યાગ કર્યો છે તેનું મૂલ્ય સમજી જો.

હું આમ વિચારું છું તેનું કારણ એ તો નહીં હોય કે મને અમૃતા માટે પક્ષપાત છે? અને એના તરફ સૂક્ષ્મ અસંતોષ છે?

શું મારે હજી એના માટે — એમના માટે કંઈ ત્યાગવાનું રહે છે? હજી કંઈ અવશિષ્ટ રહી ગયું હશે તો એને પણ ત્યાગીશ.

આજે જ ભિલોડા જવા ઊપડી જાઉં?

કે પછી હીરોશીમા લખેલા પત્રના ઉત્તરની રાહ જોઉં? એક બે દિવસ રાહ જોઉં.

બે તરફથી પવન હતો. અથવા બે પવન હતા. એકબીજાને સ્પર્શ્યા વિના એ પવન પસાર થઈ જતા ન હતા. સૂનકાર ન હતો. સંઘર્ષ હતો.

ઉદયન બે હતા: એક નિર્ણય, એક દેહ.

એ કુરુક્ષેત્ર હતું.

અમૃતા એ કુરુક્ષેત્રની ધરતી, દિશાઓ અને આકાશ હતી.

અમૃતા એક અને અખંડ હતી.

ઉદયન બે હતા. એ બેમાંથી એકેય કેન્દ્રિત ન હતો. બંને વીખરાયેલા હતા. એટલું જ નહીં, એ બંનેના અંશો એકમેકમાં ભળી રહ્યા હતા. કઈ પળે એ બંને એક બની જશે તે કહી શકાય તેમ ન હતું. એમ બની શકે તેમ હતું. કારણ કે અમૃતા હતી.

અમૃતા માત્ર નિમિત્ત ન હતી, કામ્ય પરિણામ પણ હતી. ડુંગરે ડુંગરે દવ લાગ્યો હતો. જળના બિંદુએ બિંદુએ વડવાનલ પ્રગટ્યો હતો. ઉચ્છ્વાસની બાષ્પમાં વિદ્યુતના પ્રગટ્યાની સંભાવના હતી.

એ શ્વાસની મદિર સૌરભ, એના સ્પર્શની વશીકરણ શક્તિ, એના આશ્લેષનું દૃઢ નિયત્રંણ…

એની પોપચાં ઢળેલી આંખો જાણે પ્રલયના પૂરમાં સઢ ઓઢીને તરતી બે નૈયા…

બે ઉદયનનું સાયુજ્ય સિદ્ધ થવાની ક્ષણે, આજ સુધી વિદ્રોહ કરતાં અટકી ગયેલા કોષોમાં નવજાગૃતિ આવી જતી હતી. સમગ્ર જીવૈષણાનું તીવ્ર વેગે રૂપાંતર શરૂ થઈ જવા લાગતું હતું. પણ ત્યાં એક ઉદયનની પ્રતિરોધક શક્તિ કામયાબ થતી હતી. અને એક ક્ષણ બીજી ક્ષણમાં કશો ઇતિહાસ રચ્યા વિના વિલીન થઈ જતી હતી.

આજ સુધી જેને સ્વપ્નની જેમ સાચવી હતી, તેને ભડકે બળતી ચિતાનું સૌભાગ્ય સોંપવું પાલવે નહીં. જે ગઈ કાલ સુધી સ્વયંપ્રભા હતી તે પારિજાતના પુષ્પની જેમ સહેલાઈથી ખરી પડવા રાજી થઈ છે. શા માટે? પતંગ જેના માટે હોમાવા તૈયાર છે તે તો છે માટીનું એક કોડિયું. એ શા માટે હોમાય? એના માટે તો આવતી કાલ છે.

તો પછી આ વસંતલ ઉન્માદથી છલકાતું વાતાવરણ જિવાયા વિના જ વીતી જશે? એને જીવવામાં કશું સ્ખલન ન હતું – મિલન હતું. એને એ અભીષ્ટ હતું. તો પછી એક ઉદયન શા માટે બે બનીને સંઘર્ષ કર્યા કરે? અને બન્ને ઉદયન વસ્તુત: તો એક છે.

તો પછી શા માટે કામના અને નિર્ણયનો સંઘર્ષ? શા માટે એ સંઘર્ષમાં ભોગવવી પડતી યાતના?

અમૃતાના વક્ષની ઉષ્મા ગ્રહણ કરી રહેલી એની ઉત્તપ્ત આંખોને એકાએક એક ચિત્ર દેખાતું હતું. સ્મરણમાં એ ચિત્ર સંપૂર્ણ સચવાઈ રહ્યું હતું. હીરોશીમાની એ હૉસ્પિટલના ડૉકટરે એ ચિત્રનો પરિચય આપ્યો હતો. ડૉકટર પોતાના અંતસ્તલના તળિયેથી બોલતા હતા : આ ચિત્ર એક બાળકનું છે. એક યુવાન માની કૂંખે એ અવતર્યું હતું. જન્મ પામ્યા પછી એ લાંબા સમય સુધી શ્વાસ લેતું રહ્યું હતું. એને હાથ ન હતા. પગ ન હતા. એ માત્ર એક વિચ્છિન્ન આકાર હતો. એના એક છેડે થોડોક જુદો ઊપસેલો ભાગ હતો. એ ભાગ મસ્તકનો હતો. કારણ કે ત્યાં બે પાસેપાસે નાનાં છિદ્રો હતાં. એ છિદ્રો વડે એ શ્વાસ લેતું હતું. ભલે દેખાય, પરંતુ હકીકતમાં તો એ નિર્જીવ માંસનો લોચો ન હતો. એક બાળક હતું. ડૉકટરે પરિચય પૂરો કરતાં પણ કહ્યું હતું. મિસ્ટર ઉદયન, આ એક બાળકનું ચિત્ર છે. ઉદયનના ગળે વાત ઊતરતી ન હતી. ડૉકટર ઉપહાસ કરતા હોય તો કેવું સારું! પણ ડૉકટર પાસે ઉપહાસ કરવા સમય ન હતો. એમની દેખરેખમાં ઘણા દરદીઓ હતા. અને એ દરદીઓ હતા એટલાં જ દર્દ હતાં. એમણે થોડા શબ્દોમાં ઉદયનની શંકાનું સમાધાન કર્યું : આ બાળક એની માતાના ઉદરમાં હતું. ત્યારે જ રેડિયો-એકિટવનો ભોગ બન્યું હતું. પૃથ્વી પર આવવા પહેલાં જ એ મનુષ્યની સિદ્ધિઓનો વારસો લઈને આવ્યું હતું. કારણ કે વારસો તો માગ્યા વિના પણ મળે છે.

એ ચિત્ર જ્યારે જોયેલું ત્યારે દેખાયેલું તેથી પણ વધારે સ્પષ્ટ અને સુરેખ બનીને આ વખતે દેખાયું હતું. પેલા દેહધારીનું બળ તૂટી ગયું હતું. અને નિર્ણયે પડખું બદલાવ્યું હતું. ઉદયન એક બનીને ઊભો થયો હતો.

અભિનિષ્ક્રમણ.

અવાન્તર સ્થિતિ સુધી એ પહોંચી શક્યો.

કોષેકોષમાં જાગેલા સ્પંદ એને નવા રૂપે ઓળખાવા લાગ્યા અને એક જીવન- શૂન્ય ભાવિની છાયામાં એણે વિશ્રાંતિનો શ્વાસ લીધો. છેલ્લી વાર્તા પૂરી કરીને એ મુક્ત થયો. ચેતનાનો સંચાર હવે કેવળ નાભિમાં જ અનુભવ્યો. એની અનુભૂતિ પરમાણુની પ્રક્રિયામાં તદ્રૂપ બની — ન્યૂટ્રોન અને પ્રેટ્રોન. ઘનાત્મક અને ઋણાત્મક શક્તિઓની સમતુલા. કેન્દ્રની ફરતે ગતિ કરતા ઈલેકટ્રોન…પદાર્થનું શક્તિમાં રૂપાંતર અને વિસ્ફોટ…ના, હું અમૃતાનો વિનાશ નહીં કરું. એને અસંપૃક્ત રાખવામાં હું મારી સમગ્ર શક્તિ કામે લગાડીશ.

તારાથી ભલે વિલંબ થયો અમૃતા. હું વિલંબ નહીં કરું.

પરમ દિવસે પીઠમાં અસહ્યા દર્દ જાગ્યું હતું. ચાલવાની તાકાત ન હોવા છતાં હું આંગણામાં આંટા લગાવતો રહ્યો માટે? ડૉકટરો કહેતા હતા કે કિડની આ દવાઓથી નહીં સુધરે તો ઑપરેશન કરવાથી તો સુધરશે જ. પણ લોહી સુધરે તેમ છે? લ્યુકેમિયા વિશે મેં જે કંઈ જાણ્યું હતું તેવું બધું અનુભવી રહ્યો છું. ચારસો રોએંટજન શરીરમાં પ્રવેશે પછી આશા ઓછી. મારા શરીરમાં વધુ પ્રવેશ્યાં હોવાં જોઈએ. અનિકેત લખે છે કે ડૉકટરોએ અને એણે તદ્વિદોને પુછાવ્યું છે. પણ આ ડૉકટરોના વર્ણનથી કોઈ વિદેશી તદ્વિદ સાચું નિદાન કરી શકશે? આ ચામડીને એની ચમક પાછી મળશે? આ બાહુઓને એમનું બળ પાછું મળશે? ઠંડી ગરમીના સામાન્ય ફેરફારને સહી ન શકતું શરીર હવે દિશાશૂન્ય મજલો પાર કરવાની પૂર્વશક્તિ પ્રાપ્ત કરી શકશે?

ના.

બીજા એક અઠવાડિયા પછી એણે પોતાને વધુ વિશ્વાસપૂર્વક કહ્યું—

ના.

હું રુગ્ણ છું.

અમૃતા ભલે હકીકતનો ઈન્કાર કરે.

જે સામે છે તેને ન જોવાથી જોનારનું કંઈ ચાલવાનું નથી.

જે છે તે તો છે જ.

હું રુગ્ણ છું.

હવે સહુ જાણશે. જે કોઈ જાણશે તે દયા ખાશે. ઉજ્જડ ખેતરમાં ઢળી પડેલા ચાડિયાને જોઈને જાગતા મનોભાવ મને લોકોની આંખોમાં જોવા મળશે.

અમૃતા ન જ ગઈ.

એને કેટકેટલી વાર કહ્યું કે દૂર રહે, દૂર, રહે. પણ ભૂલી જાય છે. આ રોગ વિશે એને માહિતી આપી, મેં જે રીતે વર્ણન કર્યું તે પરથી તો ગમે તેવા સ્વજનના ચિત્તમાં પણ આતંક છવાઈ જાય. કદાચ માતા હોય તે પણ ગભરાઈ જાય. પરંતુ આ નારી તો માતૃત્વની સીમાઓને પણ ઓળંગી ગઈ. એ આટલી બધી અભય ક્યારથી થઈ ગઈ ? ટોળટીખળમાં કોઈ વાર પારસીઓના ટાવર ઑફ સાયલન્સનો ઉલ્લેખ સાંભળતાં જે ભયથી છળી પડતી તે મારા વાતાવરણમાં પ્રણવાયુ બનીને ભળી ગઈ છે. એ મારી સાથે અહીં ન આવી હોત તો બે-પાંચ દિવસ લગી અંધારિયા મકાનમાં ચામાચીડિયાં ઊડતાં રહેત અને એમની સંખ્યામાં એક પ્રેતનો ઉમેરો થાત.

અનિકેતના પત્રમાંથી એક વાક્ય એણે બે વાર વાંચ્યું — પ્રેમ મૃત્યુને જીતી જાય છે.

પ્રેમ!

ઇચ્છા થાય છે એના ઉછંગમાં માથું મૂકીને રડી લઉં. એને સમજ્યા વિના જે અવહેલના કરી બેઠો તે માટે પ્રયશ્ચિત કરી લઉં. પણ ક્યાં છે વિદાય! દસે દિશાઓમાં પ્રેમ બનીને એ વ્યાપી ગઈ છે.

એને છેતરીને ક્યાંય છટકી શકાય તેમ નથી.

હવે સંકોચાતો સંકોચાતો કેન્દ્રમાં એકઠો થઈને સુકાઈ જઈશ.

અનિકેત ન આવે તો સારું.

અથવા એ ભલે આવે. એનો પદરવ સંભળાય તે પહેલાં તો… ના, મારાથી એ નહીં થઈ શકે. અમૃતાની ઉપસ્થિતોનો અનાદર મારાથી નહીં થઈ શકે. મૃત્યુનો પણ મોહ શો! એ ભલે મંથર ગતિએ આવે. કદાચ અમૃતાની સત્તાને ઉવેખીને આગળ વધવાની એનામાં તાકાત નથી. પ્રેમથી મૃત્યુને જીતી શકાય છે! શ્રી અરવિંદ કહે કે અનિકેત, અમૃતાના મૌનમાં એથીય ઉચ્ચતર સૂત્રો ઘૂંટાઈ રહે છે.

પીઠને કોરી ખાતી વેદના જીરવતો પડ્યો હોઉં છું અને એક એક ક્ષણમાં યુગોનાં દર્દના પિરામિડ આંખો પર તોળાતા જોઈ રહ્યો હોઉં છું ત્યારે એ સામે આવીને ઊભી રહે છે તો એનું અપરિવર્તનશીલ સ્મિત કાળા અભ્રપટને વિદ્યુત્ગતિએ ચીરી નાંખે છે.

મેં દવા ફેંકી દીધી તે અંગે કંઈ બોલી નહીં. એક જ દિવસમાં એણે અમદાવાદથી દવા મંગાવી લીધી.

કશું બોલતી નથી. સામે આવીને ઊભી રહે છે. હાથ લંબાવે છે.

વારંવાર પડખાં બદલવાની ઈચ્છા થાય છે. જાણે કે ચામડી ઘસાઈ ગઈ છે. હવે ચામડીનું અંદરનું પડ બહાર આવશે? અને દૂઝવા લાગશે? હાથની કોણીના ઉપરના ભાગે આ શું થયું છે?

હવે બધો સમય શર્ટ પહેરી રાખું છું. એક દર્દ શરીર પર ઠેર ઠેર વ્યક્ત થવા લાગ્યું છે. બીજું તો સદી ગયું છે. ઈયળ બનીને એ કિડનીને કોરી રહ્યું હશે. સારું છે, ઑપરેશન કરાવવું નહીં પડે. સમય આવ્યે સવાલ ઊકલી જશે.

સમય, સ્થળ અને અમૃતા.

સમય સ્થળને ભુલાવી દે છે.

અમૃતા સ્થળ અને સમય બંન્નેને ભુલાવી દે છે.

અને આ દર્દ? સકળને અમૃતા સિવાયના સકળને. પરંતુ આજે તો અમૃતા જ સકળ બની ગઈ છે. તેથી સકળને ભુલાવવા મથતા દર્દ અને સકળને આશ્રય આપી બેઠેલી અમૃતા વચ્ચે સંઘર્ષ છે.

દર્દ અને અમૃતા.

અમૃતા અને સકળ.

સ્થળ અને સમય.

સ્થિતિ અને ગતિ.

ગતિ અને વિરતિ.

વિરતિ અને વિલયન.

શૂન્ય થકી મહાશૂન્ય ભણી—

પરોઢ સુધી તીખી વેદના એના મર્મકોષોને વિદારતી રહી. આ વેદના અતૃપ્ત ઝંખનાની વેદના ન હતી. ઝંખના હોય ત્યાં વેદના ન હોય, દુ:ખ હોય આ દુ:ખ ન હતું. પરોઢ સુધી જાગવાથી એનાં દીર્ધ લોચનને ખૂણે જે રંગ પ્રગટી આવ્યો હતો તે વેદનાનો હતો.

આ છેલ્લા પ્રયાસને પણ એણે વિફળ બનાવી દીધો!

તો હવે એની સામે ધરવા મારી પાસે શું શેષ રહ્યું છે?

અનિકેત સૌરભની વાત કરતો હતો.

ઉદયન આખા ફૂલને ઓળખતો હતો.

ક્યાં ગઈ એ ઝંખના?

શું એ નથી જાણતો કે પ્રત્યેક પુષ્પ પોતાની પાંદડીઓને, પોતાની સૌરભને વિગલિત કરી દઈને પોતાના સૌંદર્યને ફલિત થયેલું જોવા માગે છે? એને ખબર નથી પડતી કે અમૃતા એકલી સ્વીકૃતિથી સંતુષ્ટ નથી? શું મારે તેને કહેવું પડશે કે નારી તૃપ્ત થવા ઇચ્છે છે, એ આધાન ઇચ્છે છે…

હજીય એ માનતો લાગે છે કે હું પાછી જઈશ.

મુંબઈથી પત્ર આવ્યો છે. સહુ મજામાં છે. મને મારી દિશા સૂઝી આવી છે તે જાણીને એમને આશ્વાસન મળ્યું હોય તેમ લાગે છે. હું અહીં સુખી છું તે જાણીને એમને આનંદ થયો છે. આનંદ કેમ ન થાય? સ્વજનો છે.

પુરાતત્ત્વમંદિરના નિયામકશ્રીએ વધુ રજાઓ પણ માન્ય રાખી! એટલું જ નહીં, અનિયતકાળ સુધી રજા પર રહેવાની એમણે છૂટ આપી! એમની ઉદારતા, એમનો સદ્ભાવ જાણું છું. અભ્યાસીઓ ઓછા છે. તેથી હું એમની સંસ્થા છોડી જાઉં એ એમને પસંદ નહીં હોય. પરંતુ હું હવે ઉદયનને એકલો મૂકીને એક ક્ષણ પણ અળગી થવા તૈયાર નથી. આ બધું એમને કેવી રીતે સમજાવું?

ઉદયન હમણાંથી ઘરબહાર નીકળતો નથી. ખાટલામાં પડ્યો રહે છે. કોઈ વાર ચત્તો કોઈ વાર ટૂંટિયું વાળીને ખુલ્લી આંખે પડ્યો રહે છે. એની ફાઉન્ટનપેનને ઉંદર અવાવરા ખૂણામાં ખેંચી ગયા. બહુ શોધી ત્યારે જડી. ખોખાને કોરીને શાહી પી ગયા હતા.ઠેર ઠેર દાંત બેસાડ્યા હતા.

રાત્રે એ ઊંઘી ગયો હોય છે. અને કોઈ દોડતો ઉંદર અમૃતાની છાતી પર થઈને પસાર થાય છે તો એ બેબાકળી બની જાય છે. પછી એને ઊંઘ આવતી નથી. ઉંદરના દાંતનો કટ કટ અવાજ અને ધડિયાળના મશીનનો અવાજ એને એકસરખો લાગે છે. ઉંદરને કાળનું પ્રતીક માનનારે વિવેક બતાવ્યો છે. ઉંદરના દાંત સાચે જ ક્રૂર હોય છે.

આજે વહેલી સવારે ઉદયને ખાટલાની ઈસ પર હાથ પછાડ્યો. અમૃતા એની પાસે દોડી ગઈ. એક ઉંદરે ઉદયનના કાન પર દાંત બેસાડ્યા હતા.

અત્યારે એ ઉંદરોને પકડવાનું પાંજરું લઈને આવી રહી છે. આખો દિવસ એ ઉંદરોના તરખાટ વિશે વિચારતી રહી હતી. એમની ગતિ અને એમના દાંત…

કાળને પણ પીંજરામાં પૂરવો પડશે. ઉદયનની બીમારીનો ઈલાજ થાય ત્યાં સુધી સમય રોકાઈ જાય તો… એ કેમ કરીને સંભવે? સમયને ક્યાં સંવેદન છે? પાણી તો કોઈનું પ્રતિબિંબ પણ ઝીલે છે, હવા તો એકબીજાના શબ્દોને પહોંચાડવાનું કામ કરે છે… પણ આ સમય? ઓછું કરવા સિવાય એને બીજું કંઈ ફાવ્યું નથી.

કોઈ પણ પદાર્થને કોતરી ખાતા ઉંદરના દાંત… આજે આ પીંજરામાં પુરાઈ જશે?

ગામના મુખ્ય રસ્તેથી એ શેરી તરફ વળી. બાજરીના છોડની એક સૂકી પાંદડી પવનની ઠોકર વાગતાં ઊડી આવી અને અમૃતાના પગ પર પડી. એને અવગણીને અમૃતા આગળ વધી. પાછળ નજર કરીને જુએ છે તો પેલી પાંદડીને પવનની બીજી ઠોકર વાગે છે અને એ ઊછળે છે. રેત પરથી હવામાં અને હવામાંથી રેત પર. ઊડતી, આથડતી, રોકાતી, ઠોકર ખાતી જાય છે.

ડાબી તરફના ઘરના આંગણામાં પડેલી કોલસાના કોથળાની થપ્પી નજરે પડે છે. ઉપરના કોથળાના મુખભાગને જેના વડે સાંધેલો તે સૂતળીના દોર તૂટી ગયા છે. તેથી કોલસા બહાર ધસી આવ્યા છે. એમનો કાળો કરકરો રંગ અમૃતાની કીકીઓને વાગે છે. એ આગળ વધે છે.

એના જમણા પગના ચંપલની એક પટ્ટી તૂટી ગઈ છે. સાચવીને ચાલે છે. ધૂળના સંપર્કથી એની પાનીઓની ચમક ઝંખવાઈ ગઈ છે.

આથમતા સૂર્યનાં કિરણો ઊંચાંનીચાં મકાનોનાં એકરૂપતા વિનાનાં છાપરાં પર અંતિમ ક્ષણો ભોગવી રહ્યાં છે.

રજોટાયલી સાંજ હવામાં ઊડી રહી છે. સૂર્યનાં કિરણોએ રજકણોને ડૂબતી ઝાંયથી રંગ્યાં છે.

ખડકીના પથ્થરની બરછટ સાખ સાથે એક ભેંશ સ્થૂળ ગરદન ઘસી રહી છે. એનાં શિંગડાં કમાડને ભટકાય છે. અવાજ થાય છે. અમૃતા અટકે છે. છોકરો આવીને ભેંશને સોટી મારે છે. ભેંશ આળસ ખંખેરીને આગળ વધે છે. કમાડ ખોલે છે. ચુપકીદીથી પ્રવેશ કરે છે. આંગણાનાં સુકાઈને દબાઈ ગયેલાં તરણાં પર ચાલવાથી હવે એમનો પૂર્વવત્ હાહાકાર સંભળાતો નથી. એ પોતાની સ્થિતિને પામી ગયાં છે. હવે માટીમાં ભળી જવા લાગ્યાં છે.

આંગણાની જમણી દીવાલના ગોખલામાં મુકાયેલા લાકડાના ચોકઠાને ઊધઈ ચડી છે.

દાદર પર ચઢતા પગ અવાજથી ડરતા હોય છે. તેમ જાળવીને આગળ વધે છે.

ક્યાં ગયો ઉદયન? ખાટલો ખાલી છે. બેબાકળી બનીને એ અગાશી તરફ દોડી જાય છે. ઉદયન ઉતાવળથી શર્ટ પહેરવા લાગી ગયો. શું કરતો હતો એ? એની નજીકમાં દર્પણ પડ્યું હતું.

શર્ટ પહેરી લે એ પહેલાં અમૃતાને ઉદયનની પીઠ પર જમણી બાજુ એક કાળું ચાઠું દેખાય છે. દર્પણ વડે એ પોતાનાં ન દેખાતાં ચાઠાં જોઈ રહ્યો છે?

ઉદયન એની સામે જુએ છે. એ ભોંઠી પડી જાય છે.

ફાનસ સળગાવે છે. ફાનસના ગોળામાં એક તરડ પડી છે તેથી એ કાળજીથી ફાનસ સળગાવે છે.

ઉદયન ખાટલા સુધી પહોંચીને એમાં ઢળી પડે છે. એણે અમૃતાને કહી દીધું છે કે આ દેહનો ભાર હવે ઊપડતો નથી.

દવા લેવા એ ગોખલા પાસે ગઈ. હાથ લંબાવ્યો. કંઈ ન હતું. ફેંકી દીધી હશે? હવે એને શું કહેવું?

અને એના શરીર પર પડેલું પેલું ચાઠું? એની આંખે સોજા આવ્યા છે. એના હોઠ કાળા પડવા લાગ્યા છે.

ઉદયને બપોરે પણ ખાધું ન હતું. અમૃતાએ ચા બનાવી હતી. બેઠા થવાની ઇચ્છા ન હતી. પણ અમૃતા પકડીને બેઠો કરશે એ ભયથી એ મહામહેનતે બેઠો થયો હતો. ચા પીને સૂઈ ગયો હતો. અમૃતાએ સિગારેટ લાવી આપી હતી. મોંમાં મૂકીને દીવાસળી સળગાવતી અમૃતા સામે એણે જોયું હતું અને સિગારેટ ફેંકી દીધી હતી. અમૃતા સમજી શકી ન હતી.

ભરબપોરે એ અગાશીમાં જઈને ઊભી હતી. એણે આજુબાજુનાં મકાન જોઈને એમના ખાલી હોવા વિશે વિચાર્યું હતું. આ ગામની વસ્તી વધતી નથી, ઘટે છે. લોકો મુંબઈ અને અમદાવાદ જેવાં શહેરોમાં ચાલ્યા જાય છે. જેણે શિક્ષણ મેળવ્યું તે તો પાછો આવતો જ નથી. બેઉ બાજુનાં ઘર ખાલી છે કે પછી આ બધાં ઉદયનનાં તો નહીં હોય ને? એણે વેચ્યાં હોય તો પછી એમાં કેમ કોઈ રહે નહીં? કે પછી જેમને રહેવાની જરૂર ન હોય તે લોકો જ ખરીદવા શક્તિમાન હોય છે? જે હોય તે પણ ઉદયને વેચ્યાં હોય તો કોઈક તો આ લાઈનમાં રહેવું જોઈએ ને! આ બધાં એનાં જ હશે. દરેકનાં નેવાં એકસરખાં છે. દરેક સરખું ખાલી છે. હા, આ એક મકાનમાં અમે બે જણ છીએ… તેથી જોકે ખાલીપણામાં કશો ફેર પડ્યો નહીં હોય…

તે દિવસ રાત્રે અંધારામાં એ ક્યાં ગયો હતો? મેં એને ન પૂછયું હોત તો સારું. એણે કેવો જવાબ આપ્યો – અમૃતા; મારી રીતે નહીં મરું. તું ઇચ્છે છે તે રીતે મરીશ. તું આટલે સુધી આવી છે અને ખેલ ટૂંકમાં પતી જાય એ બરાબર નથી. તારી અને અનિકેતની એક સલાહ છેવટે મેં માની લીધી છે. હું ભવિષ્યમાં માનવા લાગ્યો છું. એની પ્રતીક્ષા કરવાનું મેં શરૂ કર્યું છે. મારા ભવિષ્યને — મારા મરણને ઓળખવાની દિશામાં મેં ગતિ કરી છે. હવે હું એને પ્રાપ્ત કરવા પ્રયત્ન નહીં કરું તોપણ એ આવશે એવી મને શ્રદ્ધા છે.’

એટલું બોલીને એણે આંખો બીડી લીધી હતી. મુઠ્ઠી વાળીને આંગળીઓના નખનો રંગ જોઈ રહ્યો હતો. દીર્ધ સમય સુધી કશું બોલ્યો ન હતો.

એમ લાગે છે કે આજે પણ એ કશું નહીં બોલે.

પીંજરામાં થોડાંક બિસ્કિટ નાંખીને એને ઉંબરા પર મૂકયું. ઉદયનના ખાટલા પાસે પથારી કરીને એ સૂઈ ગઈ.

હમણાંથી એણે કંઈ વાંચ્યું નથી.

સવાર, ઉદયન, સાંજ, ઉદયન, રાત, સવાર, ઉદયન…

સમય અને ઉદયન. અથવા સમય પણ નહીં, માત્ર ઉદયન. એની આંખોમાં ખંડિયેરોના ઇતિહાસના પડછાયાઓની અવરજવર, અમુખર હોઠ, હોઠ પર કાળી ગમગીની…

ગામલોકોની દિવાળી પૂરી થઈ ગઈ. પણ પેલી ભાગોળમાંથી હજી આદિવાસી યુવતીઓનાં સમૂહગીત હવાની પાંખે ચડીને અહીં લગી આવી પહોંચે છે—

ચાંદાને અઝુઆળે ઊં તો લીલૂ લિવા ગઈતી રે

ચાંદાને અઝુઆળે મઈં તો ડીઠો કાળો નાગ રે

સાલ રે પાહ્યા સાલ…

પડખાં બદલાય છે અને પ્રહર બદલાય છે.

ઉદયન પણ જાગતો હશે. કંઈ બોલતો નથી. એ પડખાં બદલતો નથી.

અમૃતા બેઠી થાય છે અને પથારીને ઉદયનના ખાટલાની છેક નજીક લઈ જાય છે. ઉદયન એ રીતે શ્વાસ લઈ રહ્યો છે કે જાણે એ ઊંઘી ગયો છે.