અર્વાચીન કવિતા/પ્રાવેશિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સ્તબક પહેલો

૧૮૪૫ થી ૧૮૮૪

પ્રાવેશિક

ઓગણીસમી સદીના વચલા કાળ દરમિયાન આપણે ત્યાં અંગ્રેજી શાસનની સ્થાપના દૃઢ બનતાં આપણા આખા દેશનું જીવન અનેક પ્રકારે પશ્ચિમની સંસ્કૃતિની અનેકધા પરિવર્તન અસર હેઠળ આવ્યું. એ અસર હેઠળ આપણા જીવનનાં લગભગ બધાં ક્ષેત્રોમાં નવા પ્રારંભો થવા લાગ્યા. આપણા પલટાવા લાગેલા જીવનની અસર આપણા સાહિત્યમાં પણ એવાં જ સ્પષ્ટ રૂપવાળા પલટા રૂપે પ્રકટ થઈ. આપણે ત્યાં સાહિત્યનું આ પૂર્વે વિકસેલું અંગ કવિતામાં હતું તેથી સાહિત્યમાં એ પલટાની અસર સૌથી પહેલાં કવિતામાં પ્રકટ થઈ, અને પછીથી ગદ્ય રૂપનાં અનેક પ્રથમ વાર જ પ્રકટેલાં અંગો જેવાં કે નિબંધ, ટૂંકી વાર્તા આદિમાં ક્રમે ક્રમે અને નવલકથા જેવા અંગમાં તો અસાધારણ ઝડપે તે અસર વ્યક્ત થવા લાગી. આમ અનેક અંગોમાં પ્રફુલ્લેલા ગુજરાતી વાઙ્‌મયના એક પ્રધાન અંગ કવિતાના વહનનું નિરીક્ષણ કરવાનું અત્રે વિચાર્યું છે. એ વહનનું નિરીક્ષણ કરતાં પહેલી વસ્તુ એ માલૂમ પડે છે કે નવી અસરો હેઠળ લખાવા લાગેલી કવિતાની સાથે સાથે જૂની રીતની કવિતા, તેનાં અમુક રૂપોમાં પણ લખાતી અને આસ્વાદાતી તથા ઉપાસાતી રહી છે. પદ્યના જથ્થામાં તથા તેના રસિકોની સંખ્યામાં આ જૂનો પ્રવાહ નવા પ્રવાહથી જરાકે ઓછો નથી. નવા પ્રવાહના જેટલો તે કલાસમૃદ્ધ નથી, છતાં તે સાવ નિઃસત્ત્વ પણ નથી. બલ્કે કેટલીક વાર તેણે પ્રશસ્ય મનોરમતા પણ ધારણ કરેલી છે. આ પ્રવાહ કળાતત્ત્વની વિપુલતામાં નવા પ્રવાહ જેટલો ન હોવાથી તેનું નિરીક્ષણ આ પૂર્વે જણાવ્યા પ્રમાણે જો કે ઔતિહાસિક અનુસંધાનની દૃષ્ટિએ પ્રથમ થવું જોઈએ છતાં તેને પછીથી કરવાનું રાખી પહેલાં નવા પ્રવાહ તરફ વળીએ તો તે અનુચિત નહિ ગણાય. અર્વાચીન ગુજરાતી કવિતાના પ્રથમ સ્તબકનો પ્રારંભ દલપતરામની નવી શૈલીની પ્રથમ ઉપલભ્ય કૃતિ ‘બાપાની પીંપર’ ૧૮૪૫માં લખાઈ ત્યારથી, એટલે કે વિક્રમની વીસમી સદીના પ્રથમ વર્ષથી ગણી શકાય. આ સ્તબકમાં દલપતરામનાં કાવ્યોની શૈલી તેમના અનુયાયીઓમાં, પ્રતિસ્પર્ધીઓમાં અને સમકાલીન કે અનુકાલીન સ્વતંત્ર પ્રતિભાશાળી લેખકોનાં કાવ્યોમાં તેના મુખ્ય મુખ્ય અંશોમાં પ્રતિબિંબિત થતી રહેલી છે. એ શૈલીને પોતાના નૂતન કળાતત્ત્વથી આવરી લઈ ગૌણ કરી નાખતી નવી કવિતા જ્યારે પ્રકટી ત્યારે આ સ્તબકનો અંત મૂકી શકાય. એ બને છે ૧૮૮૫માં બાલાશંકરના ‘ક્લાન્ત કવિ’ કાવ્યથી. ૧૮૮૫ પછી પણ દલપતરામ ઠેઠ ૧૮૯૭ સુધી લખતા રહ્યા છે. અને તેમની શૈલીમાં ઠેઠ ૧૯૩૫ લગી કાવ્યો રચાયે ગયાં છે. પણ એ દલપતરામની રૂઢ રીતિનું નિષ્પ્રાણ અનુસર્જન છે. વાસ્તવિક રીતે દલપતરામની પોતાની કવિતામાં ૧૮૮૧ની સાલમાં પ્રસિદ્ધ થયેલી ‘માંગલિક ગીતાવલિ’ પછીથી કશો વિકાસ થયો નથી. એ પછીની પંદરસોળ, વરસ સુધીની દલપતરામની કવિતા પણ તેમની પોતાની શૈલીનું પ્રાણહીન પુનરાવર્તન છે. તોપણ જ્યાં લગી એ શૈલી કરતાં વિશેષ સમર્થ બીજી શૈલી ન પ્રકટે ત્યાં લગી તેનો કાળ ચાલુ છે તેમ ગણવું જોઈએ. એ રીતે પહેલા સ્તબકની મર્યાદા આપણે ૧૮૪૫થી ૧૮૮૪ લગીની મૂકી શકીએ. આ પહેલા સ્તબકની કાવ્યપ્રવૃત્તિ સ્થૂલ પ્રમાણમાં ઠીક ઠીક છે. આ ચાળીસ વરસમાં સોએક જેટલા લેખકોનાં નાનાંમોટાં ત્રણસોએક જેટલાં પદ્યનાં પુસ્તકો મળી આવે છે. આ વરસોમાં પ્રજામાં કવિતા પ્રત્યે સામાન્ય રીતે ઘણો અહોભાવ દેખાય છે. સામાન્ય શિક્ષિત માણસ પણ પોતાની ગમે તેવી અલ્પાલ્પ અંતઃપ્રેરણાને વ્યક્ત કરવા તરફ પ્રેરાતો દેખાય છે. અને પ્રજાનો ભાવુક વર્ગ પણ પોતાના રોજિંદા વ્યવહારુ જીવનને કાવ્યમાં અમર કરવા કવિઓને નોતરે છે. જીવનમાં ઠેર ઠેર કવિતાનો સ્પર્શ પહોંચી જતો લાગે છે. આ વ્યાપારમાં લેખક કે ભાવક બેમાંથી એકે તરફથી કાવ્યકળાની ઊંચી અભિજ્ઞતા બહુ દેખાડાતી નથી, છતાં તે બંનેની અભિમુખતા સાચી લાગે છે. આ પ્રથમ સ્તબકના ઉપર જણાવ્યા પ્રમાણે સોએક જેટલા લેખકોમાંથી અર્ધા જેટલા લેખકોનાં કાવ્યો નિઃસત્ત્વ જોડકણાં જેવાં છે. બાકીના લેખકો ત્રણ રીતે વહેંચાઈ જાય છે. એમાંનો પહેલો વર્ગ પોતાની મૌલિક પ્રતિભાને બળે કંઈક કાવ્યગુણવાળું સર્જન કરી શક્યા હોય તેવા સ્વયંપ્રતિષ્ઠિત કવિઓનો છે. બીજો વર્ગ આવા કોઈ ને કોઈ કવિને પગલે પળનાર અનુગતિક લેખકોનો છે. અને ત્રીજો વર્ગ નહિ ઝાઝી પ્રતિભાવાળા કહેવાય તેમ જ નહિ અનુગતિક કહેવાય તેવા પોતાનું નાનકડું તંતુવાદ્ય સહેજસાજ બજાવીને એકાદ કૃતિથી યા એક કૃતિના એકાદ અંશમાં પણ કળાની કશીક અલ્પાલ્પ છતાં આંજે તેવી ચમક બતાવી જનાર લેખકોનો છે. આ ત્રણ વર્ગ ઉપરાંત આ સ્તબકમાં તથા આવતા સ્તબકના થોડા ભાગમાં જેનું કાર્ય લંબાયું છે તેવો એક બીજો લેખકવર્ગ પણ ધ્યાન ખેંચે છે. એ છે પારસી બોલીમાં લખનાર પારસી લેખકોનો વર્ગ. આ રીતે આ સ્તબકના કવિઓના કાર્યનું નિરીક્ષણ ચાર ભાગમાં વહેંચાય છે.