અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અદી મીરઝાં/ગઝલ (જીવનનું સત્ય...)
ગઝલ (જીવનનું સત્ય...)
અદી મીરઝાં
જીવનનું સત્ય શું છે, આંખોના ખ્વાબ શું છે?
બોલો આ જિંદગીનો સાચો જવાબ શું છે?
દુઃખની ગણતરીમાં તો દિવસો વહી જવાના
પૂછો તો હમણાં કહી દઉં સુખનો હિસાબ શું છે?
બસ દૂરથી જ જોઈ એના વિશે ન બોલો
વાંચીને અમને કહેજો દિલની કિતાબ શું છે?
દુઃખના તો ચાર દિવસો પી પીને વિતાવ્યા
કોઈ મને બતાવે એમાં ખરાબ શું છે?
વર્ષોથી આપણે તો જોઈ નથી બહારો
ચાલ આવ જોઈ લઈએ ખીલતું ગુલાબ શું છે?
જીવન ગયું છે એમાં, તો પણ ન જાણ્યું સાકી!
મયખાનું તારું શું છે, તારો શરાબ શું છે?
છોડો અદી હવે તો એની ગલીના ફેરા
ઘડપણમાં આવી હરકત? તોબા જનાબ શું છે!
(કવિતા, ફેબ્રુઆરી-માર્ચ)