અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુલાલ ગાંધી/મધરાતે સાંભળ્યો મોર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મધરાતે સાંભળ્યો મોર

ઇન્દુલાલ ગાંધી

         મધરાતે સાંભળ્યો મોર
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર.

વાદળાંય નહોતાં ને ચાંદોય નહોતો
         ઝાકળનો જામ્યો’તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીંજણો
         છેતરાયો નટવો નઠોર. — આજ મેં.

આકાશી ઘૂંઘટ ઉઘાડી કોઈ તારલી
         જોતી’તી રજનીનું જોર;
વડલાની ડાળે બેઠેલ એણે ઓળખ્યો
         રંગોનો રઢિયાળો ચોર. — આજ મેં.

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી
         કાજળની કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે
         સંકેલી લીધો કલશોર. — આજ મેં.