અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ચંદ્રવદન એક...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચંદ્રવદન એક...

ઉમાશંકર જોશી

ચંદ્રવદન એક ચીજ...
ગુજરાતે ના જડવી સહેલ.
જ્યાં પેઠા
ત્યાં ઊઘડે મહેફિલ.
જ્યાં બેઠા,
ખુશ્બો ત્યાં દિલ દિલ.
એક ગાઉ લગી ગમગીની
શકે ન ઢૂંકી.

ચંદ્રવદન એક રડતી આંખ...
બીજી જગત-તનાશો જોતી,
તાર તાર થઈ એકરૂપ સૌ સાથે નાચે,
જીવનનો રસ બિંદુ બિંદુ બધેથી ચાખે.
એક આંખ નિરંતર ભીતર રડતી,
સતત ઝૂરતી.
શું ખૂટે છે?
આટઆટલું તો લૂંટે છે!
દુનિયા ઊઘડે પગ આગળ તે કૂદી ન પૂરતી.

ચંદ્રવદન એક અલગારી ખુદમસ્ત...
રેલગાડી થંભે તો થંભે પોતે.
કદી ઠરે ના આગ.
મળતાં લાગ,
ભાગે;
હાથ ન લાગે.
ગાડી એનું ઘર,
વિમાન એનું દર.
ચાલે સાથે?
હા, પમ જેમ
રેલના પાટા,
સાથે છતાંય અળગા.

કદી ન વળગ્યા
કોઈનેય તે.
કૈંક ઇલાના માડીજાયા,
રંગાચાર્ય નટ લાડકવાયા,
શબ્દપીંછીરંગી તસવીરોના કીમિયાગર,
ઘરઆંગણ ક્યારેક અદીઠા નકરા ચં.ચી.
પરદેશે તે ઊંચક્યા ન ઊંચકાય,
પ્રોફેસર ડૉક્ટર સી.સી., કંઈના-કંઈ સી.સી.,
મશિયુ, સી.સી., રંગમુકટ કંઈ શિર ધરી આવ્યા,
દોન કિહોતેના પગલે પગલે ફરી આવ્યા.
પ્રેમભૂખ્યા, પ્રેમાળ,
યુવતી-શા રિસાળ
કદી કો કન્યા-શા શરમાળ,
અજબ વિચિત્ર,
વિરલ મિત્ર,
એક અલકમલકની ચીજ
ચંદ્રવદન તે ચંદ્રવદન તે ચંદ્રવદન...

નવી દિલ્હી, ૬-૫-૧૯૭૬
(મુંબઈમાં અમૃતમહોત્સવના પ્રસંગે પઠિત)
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૭૯)