અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/લોકલમાં
ઉમાશંકર જોશી
એની દીઠી ન નજરે મુખમાધુરી મેં,
દેખાત તો ઘણીય કોક ફિરાવતાંમાં;
જોયું ન કિંતુ ફરીને જરી, ના જ જોયું.
ને તોય તે ક્ષણેક્ષણે મુજ અંતરે તો
એ સૌમ્યરેખ રસમૂર્તિ તરે અનસ્ત.
એનાં હશે પ્રણયકામણપૂર્ણ નેણ,
ધીરે ઢળી ઊછળતુંય હશે જ હૈયું,
દીઠેલ આ નયનથી ન સ્વયં અરે મેં,
તોયે કહું અમૃતકોશ હશે જ હૈયું
વેગીલી લોકલ તણા ધબકાર તાલે
ધીરે ધીરે ઊછળી મસ્ત ઢળી રહંતું.
હું તો શું જાણું પણ સામી જ બેઠકે કો
બેઠેલ વૃદ્ધ; જરી ફેરવી ક્ષીણ નેત્ર
જે આમતેમ, કદી ઝોકુંય ખાઈ લેતો,
એ ક્ષીણલોચન મહીં ક્હીંથીય ત્યાં તો
મેં જોઈ, જોઈ સહસા ભભૂકંતી આગ.
આંખો કરી જરઠ કોટિક રોમ કેરી
ટાળી મને મુજ પૂંઠે કંઈ તાકી જોતો,
ને કૈં ચિરંતૃષિત ચક્ષુથી પી રહંતો.
મેં પૂંઠ ફેરવી ન જોયું સ્વયં જરીકે.
કે કૈં હતી જરૂર ના. મુજ આંખ સામે
એ વૃદ્ધનાં પરમ તૃપ્ત પ્રસન્ન નેત્રે
મેં એક જોઈ છબી ડોલતી લોલ મસ્ત.
લાવણ્યમૂર્તિ મુજ નેત્રથી જોઈ જાતે
મેં હોત, તેથી અદકા રસરૂપરંગે
એ કાલજર્જરિત નેત્ર મહીં નિહાળી.
ને એક વાર નીરખેલ તહીં હજીયે
જોયાં કરું ઉર ભરી ભરી નેણ એનાં,
વિશ્વો ઉછાળી ઢળતું વળી મત્ત હૈયું
ને બે વસંત-લચતી કરવેલ રમ્ય.
મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬
આસ્વાદ: ‘લોકલમાં’ વિશે — નિરંજન ભગત