અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/કોરા કાગળ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કોરા કાગળ

કમલ વોરા


કોરા કાગળથી હળવું
પારદર્શક
પવિત્ર
સાચું
સુંદર...
કશું નથી.


આભાસમાં વાસ્તવની
વાસ્તવમાં આભાસની
ક્રીડા કરવા
કોઈ કોઈ વાર
કાગળમાં
અક્ષરો થઈ ઊતરું...
રમ્ય વળાંકોમાં
વિહરું છું.


શ્વેત ઝંઝાવાતોને
સ્યાહીના ઉત્કંઠ ઉન્માદોને
અંગુલિમાં અવશ કંપનોને
આંતરી
હાથમાં લીધેલ કાગળને
એવો ને એવો
કોરો રાખવો
કપરું છે.


લખીશ
તો વિખરાઈ જશે
હવામાં
પડઘો ઓગળી જાય એમ
નહીં લખું તો
હવામાં
ધુમ્મસ અદૃશ્ય થઈ જાય એમ
એના કરતા.
સામે છે તે
ને અંતર્લીનની વચ્ચેથી

કાગળ
હળવે હળવે
ખસેડતો જાઉં.


અક્ષરોથી
ઊંચકી લેવાના પ્રયત્નોમાં
રમમાણ છું
શું છે
આ નિર્મમ ઠંડીગાર સફેદી
હેઠળ?


નથી પ્રગટી તે વાચા
નથી રચી તે ભાષાને
ઘૂંટીઘૂંટીઘૂંટી
ઘૂમરીમાં ઉતારી દઈ
કાગળને
વધુ કોરો
કરું છું.


ધરી દે શબ્દભંડાર
વાણીવિલાસ
ઉતારી દે
નામ-સર્વનામ મહોરા
વિશેષણ વાઘા
થંભવી દે
ક્રિયા...પદોનાં આંદોલન
થા
થા નર્યા કર્તા સંમુખ
કર્તુમ્ અકર્તુમ્ અન્યથા...


એક અક્ષર પાડવો
દુષ્કર છે
લખ્યું
ભૂંસતા રહેવું
વિકટ... અશક્યવત્ વિકટ
હે નિરભ્ર શુભ્રા...!
સ્પંદિત થઈ વહી આવ
વહી આવ...

ક્ષર અક્ષરને નિઃશેષ કર
નિઃશેષ કર!
જાન્યુ., પરબ