અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણ દવે/સહજ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સહજ

કૃષ્ણ દવે

બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું,
ઝૂલવું! ખૂલવું, ને તરવું ઊડવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

માન, સન્માન, આમંત્રણો પણ નહીં, આવવાનાં કશાં કારણો પણ નહીં,
તે છતાં ઊમડવું, ગરજવું, વરસવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

કોઈ જાણે નહીં મૂળ શું ગણગણે? રાતભર કાનમાં ઝાંઝરી ઝણઝણે,
એમનું આવવું, ઊઘડવું, મ્હેકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

છેવટે એ જ તો રહી જતું હોય છે, ક્યાંય પણ નહીં જવા જે જતું હોય છે,
બુંદનું બુંદમાં નાચવું, વહી જવું! કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

આત્મનું, તત્ત્વનું, મસ્તીના તોરનું, હેમથી હેમનું કે પ્રથમ પ્હોરનું,
ઝૂલણા છંદમાં આ રીતે પ્રગટવું? કેટલું સહજ છે એ જ હું જોઉં છું.
ગુજરાત દીપોત્સવી, ૨૦૬૧