અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગુલામમોહમ્મદ શેખ/જેસલમેર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જેસલમેર

ગુલામમોહમ્મદ શેખ


મરુથલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોનાં તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.
ફળિયે ફરે બે-ચાર બકરાં શ્યામ
ડેલી બહાર ડ્હેકાર દે કામઢું ઊંટ.
વચલી વંડીએ સુકાય રાતાં ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.


કઠણ પથરા કાપી ચણી ઢાલ જેવી ધીંગી ભીંતો,
ઊંટની ડોક જેવા ઘડ્યા ઝરૂખા,
આંગણાં લીંપ્યાં પૂર્વજોના લોહીથી.
વારસામાં મળેલ
સૂરજનો સોનેરી કટકો વાટી
ઘૂંટ્યો કેસરિયો રંગ,
પટારેથી ફંફોસ્યું કસુંબીનું પાત્ર,
પછી સંભારણાં ગટગટાવતા
વૃદ્ધ પડછાયા ઢળી પડ્યા.


કોટના કાંગરામાંથી માથું કાઢી નગરી નીચે જોતી’તી
નમણાં દેખાય બે બાજુનાં ઘર
અને એથીય નમણી અર્ધીપર્ધી હવેલીઓ વચ્ચેની ગલી.
જાજરમાન નગરી નીચે તાકી રહી હતી.
ત્યારે
ઉત્તરથી ડમરીના ડંકા સાથે ચડી આવ્યાં ઊંટ
ભૂખરા, કથ્થઈ, તેજીલાં ઊંટ
વાવાઝોડાની જેમ હવેલીઓને ઘેરી વળ્યાં
અને જતાં જતાં કિલ્લાને પોઠ પર નાખી નાઠાં.
અવાચક, નગ્ન
નગરી
બે ઘડી હેબતાઈ, ઊભી
પછી નફ્ફટ થઈને ડમરીની પૂંઠે ચાલી નીકળી.


તપ્યો તપ્યો સૂરજ બારે મુખે
અને ઢળ્યો તો ઠારી ગયો બારેય લોકને.
રેતી સૂઈ રહી અનાથ
વાદળાં નાસી ગયાં લાગ જોઈ
નપુંસક તારા હસી રહ્યા
ત્યારે
રણને છેડે બેઠેલાં બધાં ઘર
મરેલાં ઊંટોને કાંધે નાખી ચાલી નીકળ્યાં.
પોઠો પડી વેરાઈ રેતીમાં,
પાઘડાં અસવારોનાં
ચિરાઈ
ઊડ્યાં, ખવાયેલ પક્ષીનાં પીંછાં જેવાં
અને
અધખુલ્લા આદમી
ખુલ્લા મોઢે
ગળચી રહ્યા
રણની કાંટાળી હવાને.


પથરા વચ્ચે ભીંસાયેલા સફેદ ચૂનાના વાટાઓને પૂછ્યું,
ગેરુ રંગની દીવાલોને પૂછ્યું,
પૂછ્યું ઝેરી લીલાશ પકડતી તોતિંગ બારણાંની ભોગળોને,
પૂછ્યું હમણાં ફેંકેલા પૂર્વજના જર્જરિત સાફાને.
પાંપણોની છત્રીવાળા ઝરૂખાની કોતરણીમાં
ઢળેલી ઘાટીલી હવાને પૂછ્યું.
કિલ્લાની રાંગે લટકતા ચણિયાનાં ચીંથરાંને,
સૂતેલા મહેલને દરવાજે નિર્લજ્જ નખરાં કરતી ગલીઓને પૂછ્યું.
ગોળગોળ આંખોની બાજુમાં
સુકાતી જતી રેખાઓને,
બાવળને વેંઢારી વસૂકી ગયેલી ધરતીને,
ભાંગેલા ઘુમ્મટના ભુક્કા વચ્ચે સંભોગરત કપોતયુગલને પૂછ્યું.
બધા પ્રશ્નો બપોર ભાંગતાં સુધીમાં ભુક્કો થઈ ગયા.
સાંજની સાથે શાન્તિ પૂરની જેમ ધસી આવી
અને જોતજોતાંમાં મારા નાક લગી છલકાઈ ગઈ.
મેં આકાશમાં હમણાં ફૂટેલા તારાઓ તરફ
દયામણી નજર નાખી
કે તરત બંને કબૂતર મારી પાંપણોમાં પુરાઈ ગયાં.


રાતાં રાતાં
લોહીથી ઘેરાં
રણ.
પીળાં પીળાં
આવળથી પીળાં
ઘર.
ધોળો ધોળો હોલા જેવો ગભરુ સૂરજ.
કાળા કાળા
નિસાસાથી ઊંડા બુરજના પથ્થર.
ઝાંખી ઝાંખી
પગના તળિયાથી લીસી પગથી.
ધીમી ધીમી
આછી આછી
ભૂરી ભૂરી
બધી
ગઈ ગુજરી.
(અથવા, પૃ. ૫૩-૫૮)



આસ્વાદ: કપાઈને પડેલો રંગીન ઇતિહાસ – વિનોદ જોશી

કવિતા આમ તો ભાષાનું ફરજંદ છે અને ભાષા સાંભળવાની ચીજ છે. પણ કોઈ કોઈ વાર કવિ ભાષાને એવાં રૂપે ઘડે છે કે એ સાંભળવાની મટીને જોવાની ચીજ બની જાય છે. કાનનું કામ આંખો કરવા લાગે છે. એવે વખતે કવિ શબ્દકાર મટીને જાણે ચિત્રકાર કે તસવીરકાર બની ગયો હોય તેવું ભાસે છે. કવિતા પાસેથી કે કવિતાની ભાષા પાસેથી આવું કામ લેવું એ કીમિયાગર કવિ સિવાય અઘરું છે. આ કાવ્ય નામે ‘જેસલમેર’ના કવિ ગુલામ મોહમ્મદ શેખ કવિ તો છે જ પરંતુ દેશના વિખ્યાત ચિત્રકાર પણ છે. એક ચિત્રકારની કલમેથી અવતરતી કવિતા કેવા રંગો દાખવે છે તે અહીં જોઈ શકાશે. રાજસ્થાનના રણપ્રદેશની બારી સમું જેસલમેર અહીં એક કવિ ચિત્રકારની કલમે બહુ વિલક્ષણ રીતે ઝિલાયું છે.

કાવ્યની પ્રારંભિક પંક્તિથી જ કવિ આ નગર વિશેની એક ઓળખ કંડારી આપે છે. મરુથલ તો ખરું જ, પણ આ નગર તો મોતી મઢ્યું છે. અહીં રેતી મઢ્યું એમ નથી કહેવાયું. આ નગર વિશે કવિને જન્મેલું વિસ્મય પ્રગટ કરવા માટે, કહો કે રોમાંચ પ્રગટ કરવા માટે કશું નકારાત્મક ન કહેતા કવિ આખું નગર જાણે કે એક આખો મહેલ હોય તેવી વ્યાપ્તિ રચી દે છે. પછી તો ‘એને ટોડલે’ એમ કહી આ નગરના સર્વ પ્રાસાદોને કવિ મહિમા બક્ષતા રહે છે અને ‘એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી’ જેવી સાંસ્કૃતિક ઓળખ સ્થાપે છે. વાત આગળ વધારતાં કવિ લખે છેઃ

‘ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત
બારીએ બારીએ બુઠ્ઠી તલવારોનાં તોરણ.’

એક સમયનું ઝળાંહળાં કૌવતથી દબદબો દાખવતું આ શહેર ટોડલે, ભીંતે અને ઝરૂખામાં એની આછેરી છબી દાખવતું બેઠું છે. જે તોરણ લટકે છે તે બુઠ્ઠી તલવારોનાં છે. એનાથી જુદ્ધ ખેલાયાં હશે. શૌર્યની ગાથાઓ લખાઈ હશે. વીરોની આશકા લેવાઈ હશે. એ જ વીરોની આહુતિના પગલે અનેક ચૂંદડીઓ ભડભડ બળી મરી હશે. કવિ જુએ છે તેમ સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે છે. આ મહોલાત ભલે પથ્થરોની રહી પણ એની સાથે સમયનાં અનેક પડ વળગેલાં છે. ભીંતોની જડતાને ચૂંડીના ફરકાટમાં સાંજ પડ્યે પરિવર્તન થતી જોતા કવિને ખબર છે કે ઇતિહાસ વર્તમાનમાં પણ જીવતો જ રહે છે. એક સાવ સ્થૂળ એવા નિરીક્ષણમાં પણ આ વાત બહુ ધારદાર રીતે કવિ અભિવ્યક્ત કરે છેઃ

‘બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.’

આઠ આઠ પેઢીઓના હાથ જેના પર ફરી ચૂક્યા હોય તે લોઢાના કડાનો ઘાટ આપણે કલ્પી શકીએ. પણ આ કડાં બારણે વળગેલાં છે. કડાં ઘસાયાં છે એટલું જ નહીં પણ અહીં જે આવનજાવન થયા કરી હશે તેનો લાક્ષણિક નિર્દેશ પણ અહીં સાંપડે છે. બારણાની નિયતિ એ છે કે આવનાર કે જનારને કેવળ સાક્ષીભાવે જોઈ રહે છે. એ તટસ્થ છે. એ ક્યારેય સામેલ થઈ શકતું નથી. એની પાસે આવનજાવનનો દીર્ઘ ઇતિહાસ કશીયે ગતિ કર્યા વિના પણ મોજૂદ હોય છે. કવિ લોઢાના કડાનો ઘસારો સ્થૂળ આંખે જુએ છે, પરંતુ પેઢીઓની પેઢીઓનું પસાર થઈ જવું અહીં સૂક્ષ્મ રીતે વ્યક્ત થયું છે. ફળિયે ફરતાં બે-ચાર બકરાં કે ડેલી બહાર ડહેકાર દેતું ઊંટ મરુભૂમિની આબાદ છબી તો રચી આપે છે, પરંતુ ઘરેબાહિરેની નાનામોટાની સ્થિતિ પર પણ પ્રકાશ પાડે છે. આખો માહોલ જે રીતે આંખો સામે આકાર ધારણ કરે છે તેમાં કામઢું ઊંટ ડેલી બહાર દેખાય છે. એને ફળિયામાં કે ઘરમાં સ્થાન નથી. ચિત્રફલકને અનુરૂપ એવું આ દૃશ્ય આપણી આંખોને, મરુભૂમિથીયે અજાણ હોય તો જાણે પરિચિત લાગે છે.

સાંજનો સમય છે. એ ઢળતી જાય છે તેમ નારંગી પ્રકાશ ધીરે ધીરે ઘેરો બનતો જાય છે. આ સાંજ આમ તો રોજની સાંજ જેવી જ છે પણ એ કવિની આંખે જોવાયેલી સાંજ છે. અંધારે ઓગળતી જતી સાંજથી નગર ફેરવી કવિ વચલી વંડીએ સુકાતાં રાતાં ચીરને જોઈ લે એટલો પ્રકાશ હજી બચ્યો છે. એ રંગ હજી કવિને કશોક છાક ચડાવી શકે તેમ છે. પણ વચલી વંડીથી સરકતી કવિની નજર અંદરના ઓરડે જઈ પહોંચે છે. જ્યાં ફુગાઈ ગયેલા અંધારે ફરફરતી ઢીલી વાટ એમની નજરે ચડે છે. એક રાતા રંગથી ઘેરા અંધકાર સુધીની દૃષ્ટિની યાત્રાને થતો શિથિલ એવો, ઢીલી વાટનો અનુભવ જાણે અહીં સુધી પહોંચીને થાકી ગયેલા ઇતિહાસનો પરિચય આપે છે. એક તરફ શિથિલ સમયની કંપારી છે તો બીજી તરફ છે:

‘લાલચટક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
 રોટલી ટીપતી સોનેરી કન્યા.’

જાણે કોઈ ઘેરા ગૂઢ રંગથી આલેખાયેલું ચિત્ર જ જોઈ રહ્યા હોઈએ તેવી કાવ્યભાષા કવિ અહીં સિદ્ધ કરે છે. ક્યાંક લાલચટક રંગની તેજલકીર છે તો ક્યાંકચૂંદડીની આભાનું વગર કહ્યે ઝળૂંબતું નમણું રૂપ ઝલકે છે. વળી એ નમણાશ અક્રિય નથી. કવિ કહે છે તેમ ‘રોટલા ટીપતી’ એ કન્યાની ગતિશીલ મુદ્રા આપણને હરી લે છે. રાજસ્થાનના એક નગરની સાંસ્કૃતિક વિરાસતનો આછેરો પુટ આપી કવિએ એ સાંજને આ નગરના પરિસરમાં જે રીતે ઊતરતી જોઈ અને એની અંધકાર લગીની ગતિને જે રીતે નિહાળી તેનું હૂબહૂ ચિત્ર અહીં આલેખાયું છે. વર્ષોનાં અંતરે કપાઈને પડેલો ઇતિહાસ વર્તમાનનું એક સ્મરણબિંદુ બનીને કેવું વળગી પડતું હોય છે, તે સાથે જ પ્રત્યેક વર્તમાન એક અંધકારમાંથી સોનેરી લકીર ખેંચવા માટે કેવો તત્પર હોય છે તેનો આસ્થાવાદી રણકો પણ અહીં સંભળાય છે. ભાષાને પણ રંગ હોય છે અને ભાષા પણ ચિત્ર ચીતરી શકે છે તે આ કાવ્ય વાંચતાં કોઈને પણ લાગશે.