અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવર્ધનરામ મા. ત્રિપાઠી/પક્ષહીનનો દેશ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પક્ષહીનનો દેશ

ગોવર્ધનરામ મા. ત્રિપાઠી

અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં:
ટૂંકું કર્મ ટૂંકું રહેવાને સરજેલું આ ધરતીમાં. ૧

નભ વચ્ચોવચ્ચ રંગીન થાતાં ગરુડરાજની પાંખ થકી,
સુભગ ઘડીક એ બન્યું; નવાઈ ન, એ દશા જો ના જ ટકી. ૨

પણ ઊંચા નભના સંચારી પક્ષીરાજ, તું આવ્યો આ,
ધરતી પર ત્યાંથી ઊડ પાછો, પક્ષહીનનો દેશ જ આ. ૩

ફફડાવી પાંખો સોનેરી, રચ રસયંત્ર તું રસધરમાં!
વિશાળ વ્યોમ માપી લે, ને ન્હા સૂર્યકિરણના સરવરમાં! ૪

ગિરિશિખરે, ઘનમાં ને નભમાં ઊંચો તું ઊડશે જ્યારે,
સૂર્યબિંબથી સળગી ઉતરતા કર અંબાર વિશે જ્યારે. ૫

સુવર્ણપક્ષની જશે ભભક, તે સમય તુજ કીર્તિને,
જોઈ જોઈ પૃથ્વી પરથી પૂજીશું – ઉરમર્મથી અનુમોદીને. ૬

નહીં ઉડાયે પોતાથી – પણ પ્રિયની વિમાનગતિ જોઈ,
રાચવું એટલું રહ્યું ભાગ્ય તે રાખ! નીકર રહીશું રોઈ. ૭