અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત દત્તાણી/...રોમાંચનું
...રોમાંચનું
ચન્દ્રકાન્ત દત્તાણી
તોડીને જ્યાં જોઉં મોતી શબ્દનું
રૂપ ભીતરમાં હતું નિઃશબ્દનું!
સાવ કોરાં આભ જેવો હું હતો
આપ આવ્યાં ને હસ્યાં ઇન્દરધનુ!
વન નગર આકાશ ને દરિયો હવા
વાહ, ક્યાંથી ક્યાં પગેરું આપનું?
લૂછી નાંખો આંસુઓ ગઈ કાલનાં
હોઠ ઉપર સ્મિત લાવો આજનું!
આખ્ખેઆખ્ખો હું હવે એક બાગ છું
ફૂલ અડક્યું છે મને રોમાંચનું!
(નિતાન્ત, ૧૯૮૨, પૃ. ૫૨)