અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જ્યોત્સ્ના શુક્લ/અન્ધારાં
અન્ધારાં
જ્યોત્સ્ના શુક્લ
આભથી અન્ધાર ઘેરાં ઊતર્યાં, રે બ્હેન!
ના’વ્યો પ્રકાશ પગથાર :
જગે એકલી, રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
શોધ્યો વસન્ત લીલી કુંજમાં, રે બ્હેન!
ખીલી કળીઓ કરમાય :
દિલ દાઝતાં, રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
શોધ્યો મેં માનવીનાં યૂથમાં, રે બ્હેન!
મેલા કુટિલ એ વ્યવહાર :
ઝેર વરસતાં રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
શોધ્યો કથા પુરાણ-મન્દિરે રે બ્હેન!
દીઠાં ત્યાં દંભ, અનાચાર :
જીવન શોષતાં રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
શોધું હું કલ્પનાની સ્હાયથી, રે બ્હેન!
ઊડું ઊડું ને પડું છેક :
વને એકલી, રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૬૫-૬૬)