અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દક્ષા પટેલ/ભરાતી રહી
ભરાતી રહી
દક્ષા પટેલ
નાની હતી ત્યારે
બાની સાથે
કૂવે પાણી ભરવા જતી.
સમય મારી ઝાંઝરીમાં
હરખપદૂડો થઈ જાણે ગાતો.
રાસનો ગાળિયો બાંધેલા
તાંબાના ઘડાને
ગરગડીથી સર... કરતો નીચે ઉતારતી
ને જાણે આખા કૂવાની શાંતિ
કબૂતર સાથે ઊડતી;
ધબાક્ અવાજ સાંભળી
થોડી વારે ઘડો ઉપર ખેંચી લેતી,
ક્યારેક ઘડામાં થોડુંક પાણી આવતું
તો ક્યારેક સાવ ખાલીખમ.
કૂવાનું થાળું ઘણી વાર
દાદાની જેમ જોઈ રહેતું
બા કહેતીઃ
ઘડો પાણીમાં પડે એટલે
રાસ ઢીલી છોડી દઈ
ઘડાને ડૂબવા દેઃ
બેત્રણ વાર રાસ ઉપરનીચે ખેંચી
ઘડાને આમતેમ કરી ડુબાડ.
પછી ધીરે ધીરે ઘડો ભરાઈ જતો
જાણે આખેઆખો કૂવો ભરીને ઘેર જતી!
ઉંમર વધતી થઈ તેમતેમ
કેટકેટલા ગાળિયા પહેરી
તરતી રહી, ડૂબતી રહી અજાણ્યાં ઊંડાણમાં
ને દરેક વખતે ભરાતી રહી
ઘડાની જેમ
કદી ન ખૂટતાં કૂવાનાં પાણીની જેમ.
કવિલોક, જુલાઈ-ઑગસ્ટ