અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દામોદર ખુ. બોટાદકર/આણાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આણાં

દામોદર ખુ. બોટાદકર

(હો રંગરસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો — એ ઢાળ)


આવી આવી વગડા વીંધી વેલ્ય જો,
         ઘૂઘરીએ ઘમઘમતા આવ્યા ઘોડલા;
આજ ફળી અંતરની એકલ આશ જો,
         મીઠલડી માવડીએ આણાં મોકલ્યાં.

મેં જાણ્યું જે ભૂલી મુજને માત જો,
         બાપુને અંતરથી છૂટી બેટડી;
ભાભલડીના ઉરનો ભાળી ભાવ જો,
         બન્ધવડે વિસારી એની બ્હેનડી.

શેરડીએ વીરાનો શીળો સાદ જો,
         શીળા એને ઉર શોભે સંદેશડા;
મીઠાં મીઠાં મહિયર કેરાં માન જો,
         મહિયરના મારગડા મનને મીઠડા.

સાસુજી! આપો ને અમને શીખ જો,
         ભાવભર્યાં એ ભાંડરડાંને ભેટવા;
જોશું જોશું વ્હાલેરી વનવાટ જો,
         જોશું રે! મહિયરનાં જૂનાં ઝાડવાં.

જોશું જોશું દાદાનો દરબાર જો,
         કાળજડે રમતા એ ગઢના કાંગરા;
વીરાજીના રઢિયાળા રણવાસ જો,
         ખેલણમાં ખૂંદેલાં એનાં આંગણાં.

મીઠો વરસે માવલડીનો મેહ જો,
         ન્હાશું એના ઝરમર ઝરતા નીરમાં;
ત્યજશું ઊંડો અંતરનો પરિતાપ જો,
         શીતળતાની ભરશું હેલ શરીરમાં.

સામો મળશે સાહેલીનો સાથ જો,
         આંખલડીનાં આંસુ આદર આપતાં;
વાતલડીનો વધતો વેગ વિશાળ જો,
         મીઠા કૈંક મનોરથ મનમાં મ્હાલતા.

વસમી લાગે ભવની લાંબી વાટ જો,
         મહિયરને મારગડે શીળી છાંયડી;
પળ પળ પીવાં કૈંક જગતનાં ઝેર જો,
         માડીના કરમાંય સજીવન સોગઠી.

(રાસતરંગિણી, ચોથી આ. ૧૯૨૮, પૃ. ૫૧-૫૩)