અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/જળને તે શા…
જળને તે શા…
ધીરુ પરીખ
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
આમ જુઓ તો રાત ને દિવસ અમથાં ગાજી લ્હેરે,
કોઈ વેળા તો જોતજોતાંમાં આભને આંબી ઘેરે,
ક્હેવો હોય તો દરિયો કહો, વાદળાં કહો : છૂટ!
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
ઊંચીનીચી ડુંગરધારે ચડતાં-પડતાં દોડે,
ખીણમાં પડે તોય ફીણાળાં હસતાં કેવાં કોડે!
ઝરણાં ક્હો કે નદીયું ક્હો, પણ અભેદ છે જ્યાં ફૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
ભર ચોમાસે ધસતાં જાણે ગાંડાં હાથી-ઝુંડ,
વાવ કહો કે કૂપ કહો કે સર કે કહો કુંડ,
જળને તમા ના, એ કાંઠાફરતી માથાકૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૩)