અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/ખારવણનું ગીત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ખારવણનું ગીત

ધીરેન્દ્ર મહેતા

દરિયેબરિયે જઈશું માલમ,
કોડિયેબોડિયે રમશું;
શંખલાંછીપલાં વીણશું માલમ,
રેતીમાં બે મોર ચીતરશું;
નાવિક કેરા ગીતતરાપે લય બનીને તરશું!

આંખમાં આંજી ફીણ માલમ,
ટગરટગર ટમટમશું;
ઓટ હો કે વીળ માલમ,
અમને એમાં ફરક શું?
દરિયા કેરી છાતી ઉપર લહર થઈ થડકશું!

દરિયો કૂવાથંભ માલમ,
દરિયો અમારા લંગર;
દરિયો રૂડા સઢ્ઢ માલમ,
દરિયો અમારાં બંદર;
વાંઈયાં પૂસાં વાંઈયાં પૂસાં અલ્લાબેલી કરશું!

દરિયો અમારો લાલ માલમ,
દરિયો અમારો પીર;
એનાં મોંઘાં વ્હાલ માલમ,
એની મોટી મ્હેર;
દરિયો અમારો માલમ માલમ, દરિયે જીવી મરશું!
(પવનના વેશમાં, ૧૯૯૫, પૃ. ૧૦૪)