અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સ્મરણમંજરી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સ્મરણમંજરી

નલિન રાવળ

ઉત્તુંગ ગિરિમાળાથી આચ્છાદિત
પિનાંગ
અને
કાશ્મીરની એ નયનરમ્ય નિસર્ગશ્રી
કલકલ ધ્વનિથી વહેતી
થેમ્સ
અને
ગંગાની એ શીતલ જળલહરી!
લયાન્વિત કાવ્યશૈલીથી દીપ્ત
કીટ્સ
અને
કાન્તની એ અંતર્ગૂઢ કવિતા
છંદોબદ્ધ પ્રણયકાવ્યોના પરમ
ઉદ્ગાતા યેટ્સની
એ પ્રણયાર્દ્ર દૃષ્ટિ!
આધુનિક સમાજની
મર્માન્તક કવિતાના સર્જક
એલિયટની
મનુષ્યના અંતરકામ પર વરસતી
એ કરુણામય દૃષ્ટિ!
કથનકળાના કસબી
જેન ઓસ્ટિન
અને શરદચંદ્રની એ અદ્ભુત
સાહિત્યસૃષ્ટિ!
કમનીય અભિનયથી તરવરતી
ઓડ્રિહેપબર્ન
અને
વહીદા રહેમાનનું અભિરામ સૌંદર્ય!
મનોરમ સંગિની
મહાશ્વેતાનું

અપરિમેય લાવણ્ય!
પરબ, જુલાઈ૨૦૧૪