અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતિન મહેતા/એક પત્ર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એક પત્ર

નીતિન મહેતા

કાચીંડો તે જ આ શહેર. હું અહીં, તું ત્યાં, વચ્ચે
રઝળે છે મારા-તારા કેટલાયે અવશેષો. બધું બદલાતું
જાય છે — સુખની જેમ, આકાશની જેમ. સ્વપ્નની બોદી
દીવાલોના રણકારને પીઉં છું આંખોથી અને ત્વચા પર
ખખડે છે વર્તમાનની એક એક ક્ષણ. ‘પછી શું?’નું
અવતરણ સતત પીડે છે મારી આ એક ક્ષણને. તડકો
બારીના કાચ સાથે આજે સવારે જ ફૂટી ગયો. ત્વચા
પર જે છિદ્રો છે તે કાચની કચ્ચરોની જેમ હાંફી રહ્યાં.
આ અશબ્દ વિશ્વ મને પીડે છે તેથી તો હું તરડાઈ
જાઉં છું દર્પણમાં અને મારી વાતો શ્વાસ થઈ પ્રતિ-
બિમ્બાય છે મારી સામે. તારા શહેરથી મારું શહેર
જુદું, વચ્ચે લંબાઈને પડ્યો છે કાચીંડો. હું તો ઘડું
છું મારા મૌનને… ચિત્તને શબ્દાવું શી રીતે? મનને
‘એ અહીં નથી’ કહી કેમ કરી મનાવું? તું મારી બધી
ઋતુ. તારા માટે થોડી ઉનાળાની સાંજ અને વરસાદી બપોરની
થોડી ક્ષણો મેં સાચવી રાખી છે. હું શબ્દોથી વિશેષ
કશું લંબાવી નથી શકતો તારી તરફ. તારો નીતિન
પણ આ શહેરમાં બોલતો, કોલ્ડ કૉફી પીતો, ઝૅઝ
સાંભળતો ઉદાસ હસે છે. ઇમોશનલી ઇરરેશનલ થઈ ગયો
છે એ. વધુ પૂછીશ તો કહીશ ટ્રેન બની આવ-જા કરું
છું અહીંથી ત્યાં. તારે મને યાદ ન આવવું.
(નિર્વાણ, ૧૯૮૮, પૃ. ૧)