અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/અનંતદર્શન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અનંતદર્શન

ન્હાનાલાલ દ. કવિ

આવો, આવો, વીરા રે! આ આંખડી પરોવો અંતમાં હો જી!
         ગિરિવરને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
                  જોતો’તો એ પાથર્યા જગતના પગથાર,
         સાગરના સીમાડા રે, વનની ઝૂલતી વેલીઓ હો જી!
                  આથમતાં કંઈ જહાજો એ ક્ષિતિજની પાર. આવો આવો.

         આભને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
                  જોતો’તો એ નવલખ તારલિયાની માળ;
         તેજ તેજના ગોળા રે, ગગનોમાં ઘૂમતા હો જી!
                  દીઠા મેં ત્યાં રૂમઝૂમતા દીનદયાળ : આવો આવો.

         અંતરને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
                  જોતો’તો એ ઊંડા ઊંડા વિશ્વનાં ઉર,
દિશ દિશ ભરતાં પ્રગટ્યાં રે કંઈ કિરણો આતમદેશમાં હો જી!
                  ભાસ્યાં મુજને સૂનાં બ્રહ્માંડો ભરપૂર : આવો આવો.

(નાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય રાવળ, ૧૯૫૯, પૃ. ૧૧૨)