અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/અત્તર-અક્ષર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અત્તર-અક્ષર

પન્ના નાયક

આસોપાલવ?
ના, અહીં દ્વારે ટાંગ્યાં
સ્મિતતોરણ.

નથી એકલી –
ભર્યો ભર્યો આવાસ
એકલતાથી

સવાર થાતાં
કિરણોનો કલ્લોલ –
ઘર પ્રસન્ન

ભીંતે તડકો
લઈ પવન પીંછી –
ચિત્રો ચીતરે

બેઠા શ્વાનની
લટકતી જીભમાં
હાંફે બપોર

રાતે વરસી
ઝરમરતી યાદ –
ભીંજાયું મન

અાપણે કર્યા
કાજળકાળી રાતે
શબ્દોના દીવા!

મેળવું હાથ
એની સાથે, ઊપસે
મેંદીનો રંગ

તારા ઊઠતાં
કંપી ઊઠ્યાં, ગભરુ
શાંત કંકણો

ઉપવનમાં
ગીતો ગાતો પવન,
વૃક્ષો ડોલતાં

બાળે છે હજી –
સપ્તપદી ફરતી
વેળાનો અગ્નિ

પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે

સૂના ઘરમાં
બા-બાપુ સ્મૃતિ-ઠેસે
હીંચકો ઝૂલે

ચૂમી દીધી છે
એવી કે આગ આગ
ભભૂકી ગાલે

તડકો કૂદે
ઘાસઘાસમાં, જાણે
પીળું સસલું!

સમીસાંજના
ઘાસ ચમેલી કરે
વિશ્રંભકથા

મિત્રપત્રમાં
આળસ મરડતું
ઊઠે મુંબઈ

અંધારસ્ટેજે
પવન પખવાજે
સ્નોફ્લેક્સ નૃત્યો

સૂરજમુખી
સૂરજ સાથે ફરે –
હું દિશાહીન