અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પિનાકિન ઠાકોર /જૂઠોયે રાગ
જૂઠોયે રાગ
પિનાકિન ઠાકોર
આજ મારા અંતરને એકલું લાગે,
મૂંગા તે મંનમાં છાયો સૂનકાર બધે,
ઝીણીયે વેદના ન વાગે. હો આજ મારા.
પોતાનાં આજ બધાં થાતાં પરાયાં, ને
અંતરથી અળગાં આઘાં,
સોનેરી સાજ શણગાર સૌ લૂંટાયાં, ને
ખોવાયા રેશમી વાઘા,
હો મૂરતિ તો પથ્થરના ટુકડા લાગે. હો આજ મારા.
સ્મરણોનાં સુખ તો સૂણળગાંય મેલીને
ઊડી ચાલ્યાં રે અધીરાં,
રંગ-પટોળાંના રંગ ઊડ્યા રેલીને
ભાતીગળ ચૂંદડીના લીરા;
હો ખંડિયેરે ભણકારા ભૂતના વાગે. હો આજ મારા.
ધરતી આ દૂર સરી જૈને ડરાવે મને,
આકાશ ભીંસ લૈ દબાવે.
સૂની એકલવતામાં ઝૂરું, ઝંખું હું, મને
કોઈનીયે યાદ જો સતાવે;
હો એક ઘડી જૂઠોયે રાગ જો જાગે. હો આજ મારા.
(આલાપ, ત્રીજી આ. ૧૯૬૧, પૃ. ૯૧)
→