અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રકાશકીય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સમગ્ર સમયપટને આવરી લેતી ગુજરાતી કવિતાની સમૃદ્ધિ


‘અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા’ (સંપા. મધુસૂદન કાપડિયા) આ પૂર્વેના એકત્ર ઈ-પ્રકાશન ‘મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા’ (સંપા. રમણ સોની) સાથે અનુસંધાન પામે છે. એ બંનેમાં થઈને ગુજરાતી કવિતાના ઈ.12મી સદીથી આજ પર્યંતના લગભગ 900 વર્ષના પ્રલંબ પટને આવરી લેતી કાવ્યસમૃદ્ધિ પ્રગટ કરી શકાઈ છે એનો અમને આનંદ છે. ઉત્તમ કવિતા અને એના ઉજ્જ્વળ ઇતિહાસના જાણકાર આ બંને સંપાદકોના અમે ઘણા આભારી છીએ.

0

‘અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા’ જે આખા સમયખંડને સમાવે છે એ સમય સુધારકયુગથી લઈને અનુઆધુનિક યુગ સુધીના, સ્વતંત્ર મુદ્રાઓવાળા, વિવિધ યુગોથી અંકિત છે. એટલે, દયારામ આગળ વિરમતા મધ્યકાળની સીમા પછી દલપતરામથી આરંભાતા ને છેક આજ લગી વિસ્તરતા ‘અર્વાચીન’ કાલખંડમાંથી મધુસૂદન કાપડિયાએ સંચિત કરેલી 1500 ઉપરાંત નોંધપાત્ર કાવ્યકૃતિઓને અમે યુગવાર તબક્કાઓમાં આપની સામે આવિષ્કૃત (release) કરી રહ્યા છીએ.

‘સુધારકયુગ’, ‘પંડિત યુગ’ અને ‘ગાંધી યુગ’ નામના આ પહેલા તબક્કાની કવિતાની ભૂમિકા એ ગાળાનાં સાંસ્કૃતિક-સાહિત્યિક પરિબળોની વિસ્તૃત સંપાદકીય પ્રસ્તાવનાથી શરૂ થાય છે ને એ પછી, કવિઓ તથા એમનાં કાવ્યો અને એમાંથી કેટલીક નેત્રદીપક કૃતિઓના આસ્વાદો ઉમાશંકર પૂર્વેની કવિતા સુધી આપણને લઈ જાય છે. અને આપ જાણો છો કે, મૂર્ધન્ય ગુજરાતી કવિ ઉમાશંકર જોશીનાં કાવ્યો(તથા એના આસ્વાદો)ને સમાવતું એક સ્વતંત્ર સંપાદન (સંપા. મધુસૂદન કાપડિયા) પણ અમે હમણાં જ ઇ-પ્રકાશિત કર્યું છે.

આ સંપાદન એની બે વિશેષતાઓથી અ-પૂર્વ અને અ-દ્વિતીય છે: ૧. સંપાદનમાં કાવ્યાસ્વાદોનો પણ સમાવેશ કરતાં જઈશું અને ૨. ગુજરાતી સુગમ સંગીતમાં આજે જેનું નામ મોખરે છે તેવા અમર ભટ્ટ દ્વારા સંપાદિત કાવ્યસંગીતના ઑડિયો અને તેમની ભૂમિકા પણ મૂક્યાં છે.

0

‘અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા’નું આ પહેલું સોપાન, કવિ નર્મદની જન્મજયંતિએ આપ સૌના અદૃશ્ય હસ્તે ઉદ્-ઘાટિત થાય છે એ હર્ષની ઘટના છે.

– અતુલ રાવલ, એકત્ર વતી