અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/અલબેલો
અલબેલો
પ્રિયકાન્ત મણિયાર
અલબેલો અડકે મને આંખથી રે
એનો કરવો તે કેમ રે ઉપાય?
ઝાઝેરો તાણુ ંમારો ઘૂમટો તો રે
નાનેરો જીવ આ મૂંઝાય!
બળતે બપોરનાં પામીડાં સીંચતાં ઓચિંતા થંભ્યા શું શ્વાસ,
કેટલે તે વેગળેથી વેણુના નાદ મને ઘેરીને ઊભા ચોપાસ!
આઘેરા બજવો જી નિજની નિકુંજમાં
બેઠાને કેમ રે કહેવાય!
અલબેલોo
રૂપેરી રૂપેરી ચડતે પૂનમપૂર આસોનું ઝૂમતું અંકાશ,
ગોપી ને ગોપના ઘૂમરાતા ઘેરમાં જામ્યા છે રંગતમાં રાસ;
મારે તે જોડમાં આવ્યો અલબેલ એ જ
તાલી એની કેમ રે ઠેલાય?
અલબેલોo