અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ક્યાં ?
ક્યાં ?
પ્રિયકાન્ત મણિયાર
ક્યાં નદી, ક્યાં સરોવર અને અબ્ધિ ક્યાં?
ક્યાં છજું દાદરા ત્રણ ચડ્યું —
દૂધ-દેખાવની તાજી ચૂનેભરી થાંભલી,
પાસમાં ટકતી વિહગની જલકૂંડી.
વ્યોમ ક્યાં? સૂર્ય ક્યાં?
તીવ્ર મધ્યાહ્નથી સસડતું
વાહનોથી નર્યું ખખડતું નગર ક્યાં?
ક્યાં તહીં, કૂંડીના જલ થકી થાંભલીની પરે,
જલ અને પવન ને તેજ ને છાંયની મિશ્રશી
માછલી
ખેલતી ગેલતી સળવળે!