અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ગોરસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગોરસ

પ્રિયકાન્ત મણિયાર

કૃષ્ણ: ગોપી ઉતારો ગોરસની આ મટકી,
         શીદ લગાડી ચિતને એની ચટકી? — ગોપીo

         અમે તમારી વૃંદાવનમાં દીધી ધેનુ ચરાવી,
         મઢી દીધી શિંગડીઓ સોને, સેશમ ઝૂલ ભરાવી;
અણમૂલાં મહી મથુરા વેચો — વાત બધી તે ખટકી. — ગોપીo

ગોપી: જાવ જાદવા, જુઠ્ઠા! આવી રીતે દીપ સંકોરી,
         હૈડે રાખ્યાં અમ ગોરસને તમે ગયા તો ચોરી,
મન માન્યું એ મહી લીધું ને છેલ ગયા છો છટકી. — ગોપીo

કૃષ્ણ: મૂલ શું માગો એવું અરે આ લઈ લો મનની માલા,
         અમે ન લઈએ દાણ પછી તો શીદ વૃંદાવન વ્હાલાં!
બહુ બોલો તો અમ સંગાથે આજ થકી અમ કટકી. — ગોપીo

ગોપી: અરે સાંવરા! મનની મૂરત, તું જ અમારો રાગ;
         આવનજાવન જમુના જલમાં નાથ્યો ઝેરી નાગ,
મથુરા જાઉં? કે ગોકુલ રહું? આ અધવચ હું તો અટકી. — ગોપીo