અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/તીર્થોત્તમ
તીર્થોત્તમ
બાલમુકુન્દ દવે
ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો, અડસઠ જલે સ્નાન કરિયાં;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.
છતાં રે ના લાધ્યું પ્રભુ! પુનિત એક્કે તીરથ, જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું-દરશની!
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની!
અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં
ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે —
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતઝરા!
મને એ ચક્ષુમાં પ્રભુ! જગતતીર્થોત્તમ મળ્યું.
(પરિક્રમા, પૃ. ૨૩)