અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/વાવોલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વાવોલ

ભાનુપ્રસાદ ત્રિવેદી

જળ જંપે ત્યાં કોઈ રે આવી
         રૅણ-ઢબૂર્યાં નૅણમાં મારાં ઘોળજો વાવોલ,
તાંદુલ કેરી ગઠડી છોડી
         હળવે હળવે ગોઠડીમાં ઝબકોળજો વાવોલ...

         તાણ ઘોડાપૂર, કૂણી વેળૂ,
                  એમ વિસારી રમતા — દેરી.
         રાંગમાં વાળી ખેપની હેરુ,
                  સાત સાગરની સાંભળી ભેરી.

સાવ ઊંડે અંકાશ ઠરી તે —
         છીપના ગભૂર ભેજમાં કોઈ ખોળજો વાવોલ...

         કો’ક પરોઢે ગામ એ મારું
                  બોઘરણે જેમ શેડ પડી જાય,
         ગળતી રાતની થૈને સાવળ
                  તુલસી-કષાય નાદ અડી જાય.
ઝૂલતાં મારાં પોપચે પાદર:
                  હીરને દોર અંઘોળજો વાવોલ...

         વાટમાં મેજળ તફડ્યાં ઝાઝાં,
                  મૉલ લચ્યા મનભાવતા થોડા,
         ઉઝરડા અણદીઠ હો માડી,
                  ર્‌હૈ ગ્યા તારા થાન-વછોડ્યા,
કોઈ વેળા આ હોઠથી મારા
         ગીત દ્રવે ક્યારીએ એકાદ કૉળજો વાવોલ...



આસ્વાદ: છીપના ભેજમાં ખોળજો વાવોલ – રાધેશ્યામ શર્મા

વતનપ્રેમને, શૃંગારિકતા અને શુચિતાનાં, શૈશવ અને પુખ્તતાનાં સાહચર્યોથી અભિમંડિત કરવાનું કવિકર્મ કોઈ ભાનુપ્રસાદ ત્રિવેદી જેવો બળૂકો કર્તા દર્શાવી શકે.

ગીતકૃતિમાં ‘વાવોલ’ સંબંધે જેટલાં ક્રિયાપદો – જેવાં કે ધોળજો વાવોલ, ધબકોળજો, ખોળજો, અંધોળજો, કૉળજો વાવોલ–યોજાયાં છે એની આસપાસનો કલ્પનાબદ્ધ સંદર્ભઆસ્વાદો ત્યારે વિસ્મયભર્યા વૈચિત્ર્યનો સામનો કરવાનું સદ્ભાગ્ય સાંપડે. પ્રથમ પંક્તિ જ જુઓ તો –

‘જળ ક્યારે જંપે? રાતવરત. ત્યાં કોઈ રે આવી’ (આ ‘કોઈ’થી રહસ્યનો વિશિષ્ટ પ્રાસ બેસી જાય છે) – શું કરે? તો કહે છે: ‘રેણ–ઢબૂર્યાં નૅણમાં મારા ધોળજો વાવોલ.’ જાણે વતન વાવોલને કવિએ એમના નેણની વાટકીમાં અમૃત રૂપે કાલવ્યું છે! બીજી પંક્તિમાં પેલો ‘કોઈ’ (કૃષ્ણ કે?) સાક્ષાત્કારાયો છે: સુદામાની તાંદુલ ગઠડી સાથે ગોવિન્દની ગોઠડીનો સંભાવનાપ્રાસ હેળવી ભેળવીને. ગોઠડીને અહીં પ્રવાહિતતા બક્ષી છે, ‘ઝબકોળજો’ કથીને.

તાણને કાળનાં જ ઘોડાપૂર માનવાં પડે, ક્ષણની વેળુ કૂણી જ હોવાની અને એને વિસારીને ‘દેરી’-દેરાં રમવાની બાલચેષ્ટા સાથે જ યૌવનની યાદ જગવતી ખેપમાં ‘સાત સાગરની ભેરી’ સંભળાવી છે. છીપના ગભૂર (ગભરુ કે ગર્ભસ્થ) ભેજમાં વાવોલ ખોળવાની જિકરમાં આદિમ જનનપ્રક્રિયામાં ઇંગિત સૂતેલાં છે.

‘કો’ક પરોઢે ગામ એ મારું,
બોઘરણે જેમ શેડ પડી જાય’

પંક્તિઓ મારી પ્રિય પંક્તિઓ છે. શેડનો રણત્કાર શ્રુતિકલ્પનની ભાનુપ્રસાદીય લાક્ષણિકતા લાવે છે. માઝમ રાત’ની શૃંગારપરકતા સાથે તુલસી–કષાય નાદનો ઇંદ્રિયવ્યત્યય તપસંયમના અધ્યાસો પણ જગાવે. આ પછીની બે પંક્તિઓ ગતિશીલ ભાવકલ્પના ઉત્તમ નમૂનારૂપ છે:

ઝૂલતાં મારાં પોપચે પાદર:
હીરને દોર અંધોળજો વાવોલ.

વતનને હીર દોરે સ્નાન કરાવવાનું, સ્નાતક બનાવવાનું કોઈ, ભાનુપ્રસાદ જેવા કનેથી શીખે!

મૉલ રચ્યા મનભાવતા થોડા’ પંક્તિ કેવી તો ઘાટદાર ઊતરી છે.

ઉઝરડા અણદીઠ હો માડી.
ર્‌હૈ ગ્યા તારા થાન–વછોડ્યા

માના ઉરોજથી વિખૂટા પડવાની વેળા (રેન્ચ પિરિયડ) અણદીઠ ઉઝરડા (ટ્રોમા) પાડે એવા મનોવૈજ્ઞાનિક તથ્યને અહીં શબ્દસ્થ કરી દેખાડવાનો કળા–પુરુષાર્થ નોંધપાત્ર છે એટલો પ્રશસ્ય છે. જુઓને, આ નરવું ગીત કવિહોઠેથી દ્રવી પડ્યું છે ને માટે તો ત્રિવેદી–ક્યારીમાં વાવોલ કૉળી ઊઠ્યું. (રચનાને રસ્તે)