અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/ઉન્માદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉન્માદ

મણિલાલ હ. પટેલ

પ્રાચિનાં દ્વાર ખૂલી ગયાં છે અચાનક આજે
સૂરજના સાતે ય અશ્વો હણહણી ઊઠ્યા છે
છલક છલક સીમ ઊંચકાઈ આવી છે મારી આંખોમાં
કૂણો કૂણો તડકો ચરતાં આ ચાંદનીઘડ્યાં સસલાં
મારામાં ઊછળે-કૂદે જળ કલકલતું
હું ઘાસના ઘરમાં હવે ઘાસ છું ને આ
ક્યારીમાં મહેક મહેક મારો મલક જાણે અલકમલક
લીલાંકાચ અજવાળામાં રમે ભૂરું ભૂરું આકાશ
ખસી ગયાં છે આડશ ને આવરણો આજે
વ્હાલની વેળા આવી પહોંચી છે...
પર્વતો પિગાળતી પળો ઘેરી વળી છે મને
મકાઈનાં ખેતરો મને તાકી તાકીને જુએ છે
વેળા પોતે જ વાંસળી થૈને વાગી રહી છે.
વૃક્ષોને પહોંચી ગયા છે મંજરીના વાવડ
ઝરમર ઝરમર ઝરમરતું ધુમ્મસ અડધો અડધો કરી દે મને
પાંદડે પાંદડે મર્મરતી પમરતી હવાઓ દ્રવે
સ્રવે આકાશી રવઅરવ તરુવરે તરુવરે
પ્રસારે પમરે સુગન્ધો મૂળ અને માટીની
તડકો પગલી પાડે પાનેપાન રાનેરાન
અલખને આકારતું પંખી-ગાન
અરે! આજ તો કેડીઓ પણ તેડવા આવી છે ને કૈં!
વેળાને વ્હાલ કરવા સિવાય
કશું કોઈ જ કર્તવ્ય નથી મારું, આજે —
પ્રાચિનાં દ્વાર ખૂલી ગયાં છે...