અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મધુ કોઠારી/આ શહેર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આ શહેર

મધુ કોઠારી

આકાશને
ટચલી આંગળીએ
ઊંચકી ઊંચકી
થાકી ગયેલું શહેર
રાત્રે પણ સૂઈ શકતું નથી.
તરફડે છે
કોઈક પશુની આંખની જેમ.

શહેરને મન
નથી રહ્યો ભેદ
સવાર કે સાંજનો.
મશીનમાં બનેલાં એકસરખાં
ખોખાંની પેઠે
ખડકાયે જાય છે સવાર સાંજના આકારો.

ગલીઓમાં ઘૂમ્યા કરે છે
ચિંતાના કૃત્રિમ ઉપગ્રહોના પડછાયા
અને દોડ્યા કરે છે
આકારહીન અવાજો
પાગલખાનામાંથી છૂટેલા શબ્દની જેમ
અથડાયા કરે છે તમને અને
પોલી કરી નાખે છે
તમારી ચામડીને.

હાશ,
ત્યાં અચાનક
મિત્રનો પરિચિત અવાજ
ટપકી પડે છે
દરિયા વચ્ચેના ટાપુની જેમ.


(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૧, સંપા. હર્ષદ ત્રિવેદી, પૃ. ૪૯)



આસ્વાદ: ‘મૉનો–ઇમેજના દુર્ગની બહાર’ – રાધેશ્યામ શર્મા

‘આ શહેર’ શીર્ષકમાંનો પ્રથમ અક્ષર ‘આ’ કોઈ એક ચોક્કસ નગરનો નિર્દેશ આપે. એ શહેર થાકી ગયું છે, કારણ? આકાશને ટચલી આંગળીએ ઊંચકી ઊંચકી…

સુજ્ઞોને સમજાઈ જાય, કવિશ્રીએ એક પૌરાણિક કલ્પનનો વિનિયોગ સંકેત્યો છે. ટચલી આંગળીએ–ગોવર્ધન ગિરિરાજ ગોકુળવાસી કૃષ્ણે ધરી ઊંચક્યો હતો. પણ આ નગર તો થાકી ગયું, એટલી હદે કે ઇન્સોમ્નિયા–અનિદ્રાનું શિકાર થઈ પડી ગયું અને –

‘તરફડે છે
કોઈક પશુની આંખની જેમ’

આકાશની વિશ્વવ્યાપકતાનો બોજો ઊંચકી શકતું શહેર લોથપોથ થાકીને અનિદ્રિત દશામાં તરફડી રહ્યું છે – ત્યાંનું ઉપમાકર્મ કૅમેરાના ક્લોઝઅપ જેવું ઝીણું છે: ‘કોઈક પશુની આંખની જેમ’!

જેમ્સ થૉમસની પદપંક્તિ પણ શહેર અને રાત્રિને આશ્લેષે છે: ‘ધ સિટી ઇઝ ઑફ નાઇટ; પરચાન્સ ઑફ ડેથ / બટ સર્ટન્લી ઑફ નાઇટ’ (ધ સિટી ઑફ ડ્રેડફુલ નાઇટ, આઇ)

મરણાસન્ન તરફડતા પ્રાણીની આંખે સવાર–સાંજના પ્રહરનો કશો ભેદ, કોઈ ભિન્નતા નથી.

કર્તાએ શહેરની યાંત્રિકતા સાથે મૉર્નિંગ–ઇવનિંગનાં ફૉર્મ્સ, સવાર–સાંજના આકારોને અનુલક્ષી કડી ઘડી છે:

મશીનમાં બનેલાં એકસરખાં
ખોખાંની પેઠે
ખડકાયે જાય છે સવાર સાંજના આકારો’

એકસરખાં ચોસલાં જેવાં ખોખાંના ખડકલા સાથે સવાર–સાંજના આકારોનું સંકલન, ઉપમા રીતિથી યોજી, મશીની મૉનોટોનીને મૂર્ત કરી છે.

રચનાનો પ્રારમ્ભ ‘આકાશ’ સાથે થયો, હવે એનું યથાર્થ સન્ધાન ‘ઉપગ્રહો’ સાથે દર્શાવ્યું:

‘ગલીઓમાં ઘૂમ્યા કરે છે
ચિંતાના કૃત્રિમ ઉપગ્રહોના પડછાયા,’

ઉપગ્રહો ખરા, પણ કેવા? ચિંતાના સાચા નહીં પણ કૃત્રિમ ઉપગ્રહો અને એનાય પડછાયા..

આગળ, સવાર–સાંજના આકારોના ખડકલા આવ્યા, પછી ‘આકારવિહીન અવાજો’ની ભાગદોડ. અહીં કવિ મધુ કોઠારીનું ઉપમા–કૌશલ્ય બૉદલેરિયનની નિકટ બેસતું લાગશે:

‘પાગલખાનામાંથી છૂટેલા શબ્દની જેમ
અથડાયા કરે છે તમને અને
પોલી કરી નાખે છે
તમારી ચામડીને.’

લૂનેટિક અસાઇલમમાંથી તીરની જેમ છૂટેલો શબ્દ અથડાતો કુટાતો–‘તમને’ એટલે કે સમસ્ત ભાવકવર્ગને સ્પર્શી સર્વની ચામડીને પોલી કરી નાખે છે. ઊધઈ પેઠ કોતરી કરકોલી ખાય છે!

જ ઘણાં બધાં નગર–કાવ્યો શહેરોની દારુણ દશાદિશાનાં પ્રભાવક વર્ણનો આ પ્રકાર ચીલે ચાલતાં આવ્યાં છે. આ ચીલો વાસ્તવપાદલક્ષી પૅટર્નનો છે.

સર્જક મધુ કોઠારીનો માસ્ટર સ્ટ્રોક, માનવીય આશ્વાસક ઍન્ગલથી રચનાના છેડે અનોખો છે.

‘હાશ,
ત્યાં અચાનક
મિત્રનો પરિચિત અવાજ
ટપકી પડે છે
દરિયા વચ્ચેના ટાપુની જેમ.’

મૉનો–ઇમેજનું, પરમ્પરાને ઉલ્લંઘી પ્રવર્તેલું પ્રયોગશીલ અભિયાન પણ દરિયા વચ્ચેના ટાપુની જેમ–બલ્કે અલપ ઝલપાળ દીવાદાંડી સમું છે! એના મૉનો–ઇમેજના તબૂમાંથી બહાર નીકળી જવાનું કૌવત પણ મધુભાઈની કલમ પ્રકટાવી શકી એનાં અભિનંદન… ‘ગુજરાતી કાવ્યચયન’ના સંપાદક હર્ષદ ત્રિવેદી પછી ‘વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા’ના સંપાદકમંડળે મૉનો–ઇમેજની પ્રખ્યાત ઇમેજની બહાર ‘આ શહેર’ રચના પસંદ કરી એમને સલામ. (રચનાને રસ્તે)