અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/સંબંધ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંબંધ

યોગેશ જોષી

સંબંધ હતો મારે
એ ડોસી સાથે.
મને
તો એની ખબરેય નહિ!

રહેતી એ
સામેના બ્લૉકમાં,
ભોંયતળિયાના ફ્લૅટમાં.

મારા બીજા માળના ફ્લૅટની ગૅલરીમાંથી
એ નજરે પડતી —
બેઠી દડીના ધોળા પોટકા જેવી.
ઓટલે બેઠી બેઠી
કશુંક સાંધતી — થાગડથીગડ કરતી,
કશુંક વણીતી — તારવતી
કે વાસણ અજવાળતી.

મારી ગૅલરીમાંથી
એનો ચહેરો દેખાતો નહિ.
માથે ઓઢેલ કંધોણ પડેલા ધોળા સાડલા નીચે
બસ,
ધૂંધળું અંધારું દેખાતું!
એ અંધારામાં
કેવો હશે
એનો ચહેરો? એની આંખો?!
ઊંડા અંધારા ગોખમાં
ટમટમતા દીવા જેવું
ચમકતું હશે એમાં કોઈક તેજ?
કેવી હશે
એના ચહેરા પરની કરચલીઓ?!
સમયે એમાં પાડ્યા હસે ચાસ?!
કેવું હશે
એની બોખી દાબડીનું હાસ્ય?!—

આ અગાઉ કદી
આવું વિચાર્યું નથી.
એનું નામેય નથી જાણતો હજીય તે!

એક સાંજે
ઑફિસેથી આવતાં જાણ્યું
એ ડોસી
મરી ગઈ...

અધરાતે મધરાતે
ગૅલરીમાં બેઠો બેઠો હું
હાંફતો-ખાંસતો હોઉં ત્યારે
અંધકારના ઓળા જેવી એય ખાંસતી
ગાભાની ગોદડીમાં બેઠી બેઠી
ઓટલા પર;
કેમેય એનું મોં ભેગું થતું નહીં
એકધારું ખાંસતાં ખાંસતાં ખાંસતાં
બેવડ વળી જતું એ પોટકું.

રાતના ગઢમાં
ગાબડાં પાડે એવી ખાંસી છતાં
કોઈ જ ઊઠતું નહિ એને દવા પાવા...

મારી ગૅલરીમાં બેઠો બેઠો હું
મનોમન
એની પીઠે હાથ ફેરવતો.
એના મરણ પછીની રાત્રે
મને ખાંસી ચડી,
થયું, હમણાં સામેથી આવશે
પેલી ડોસીના ખાંસવાનો અવાજ
પણ... પણ... પણ...

— ત્યારે
પહેલી જ વાર મેં જાણ્યું:
એ ડોસી સાથે
સંબંધ હતો મારે
સાથે ખાંસવાનો,
સાથે હાંફવાનો...
(તેજના ચાસ, ૧૯૮૭)