અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણ વાઘેલા/હવે વાખ્યાં
હવે વાખ્યાં
રમણ વાઘેલા
હવે વાખ્યાં કમાડ તમે ખોલો!
વરસોથી સુસવાતા સાગરનું અડાબીડ મૌન કશું હળવેથી બોલે,
સ્પર્શોથી શરમાતા શબ્દોનું જોમ હવે સામી છાતીએ હામ ખોલે,
રવરવતી વેદનાની વાત્યું સુણીને, બીડ્યાં પાંપણનાં દ્વાર તમે ખોલો!
હવે વાખ્યાં કમાડ તમો ખોલો!
પિલાતા લોહી વચ્ચે જીવાતા જીવતરના લીરેલીરાયે રોજ ઊડે,
જળની મશક મારી કાંધે ને તોપ એક ટીપુંયે જળનું નહીં મોઢે,
બેઉ પગે બાંધી છે યુગોથી બેડીઓ, હળવેથી કોઈ હવે ખોલો!
હવે વાખ્યાં કમાત તમો ખોલો!
ભીતરના ઓરડામાં બાઝ્યાં છે જાળાં ને તમરાંયે તિમિર થૈ રુએ,
કયા રે મલકની આ પીડાઓ સામટી વીસએક શતકમાંયે દૂઝે,
ભોગળ પણ થાકી છે વરસોની વતકથી, રસ્સીનો વળ હવે ખોલો!
હવે વાખ્યાં કમાડ તમો ખોલો!