અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/મેં મને સાંભળી
મેં મને સાંભળી
રમેશ પારેખ
મેં મને વાતો કીધાની મશે સાંભળી
પથ્થરના દરિયામાં આવ્યો હિલ્લોળ
એની છાલકથી ભીની પગથાર
પછડાતા મોજાંની વચ્ચે વેરાઈ ગયો
ફીણ બની વેળાનો ભાર
કલબલતાં નેવાંને અજવાળે જોયું તો—
કલબલતાં નેવાંને અજવાળે જોયું તો
પાણી કરતાંય ભીંત પાતળી
મેં મને વાતો કીધાની મશે સાંભળી
પગલું ભરું તો પણે ઊભેલા પ્હાડને
ઝરણાંની જેમ ફૂટે ઢાળ
સુક્કા યે ઝાડવાને સ્પર્શું તો
ઊઘડતાં જાસૂદનાં ફૂલ ડાળ ડાળ
પાણીને ઘોળું તો કંકુ થઈ જાય
પાણી ઘોળું તો કંકુ થઈ જાય
એવી રાતીચટ્ટાક મારી આંગળી
મેં મને વાતો કીધાની મશે સાંભળી