અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/વરસાદ ભીંજવે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વરસાદ ભીંજવે

રમેશ પારેખ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે,
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે.
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે,
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે.

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે,
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે.

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે,
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે.

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે,
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે.

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે,
લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે.

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
(છ અક્ષરનું નામ, પૃ. ૧૭૧)




રમેશ પારેખ • આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: અમર ભટ્ટ







રમેશ પારેખ • આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વૃંદગાન