અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/શેષ અભિસાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શેષ અભિસાર

રાજેન્દ્ર શાહ

સ્ત્રી :

ચૂપ હો, એ પધારે છે,
એના મહિષનો દૂર
ઘૂઘરો રણકે જેનો ઓરો ઓરો પડે ધ્વનિ.
દૃષ્ટિની સીમની પેલી પારનાં, અંતરિક્ષનાં
ભેદીને ગહનો આવે, ઓળંગી અદ્રિઓ ઊંચા.
વાંકા છે માર્ગ ને પેલાં આંહીં ત્યાં ચંડ રોધનો
પડ્યાં છે તોય રે એની ગતિ શી?
એક ફાળમાં
વીંધીને શત જોજન
આજ તો એ પધારે છે.

ઘેરાં અંધારાં કૃષ્ણ રાત્રિનાં
વ્યાપ્યાં છે, વર્ણ છે એનો શ્યામ, તોયે ક્ષણે ક્ષણે
હાલતી આ હવા માંહી ઓળો સ્પષ્ટ થતો લહું.
લ્હેરાતો અંચળો એણે ઓઢ્યો ભૂરેખ ઢાંકતો,
લોચનો પ્રેમીનાં જાણે ઝગે છે શુક્રની જ્યમ,
અજાણ્યા સુખનો કેવો
અંગે રોમાંચ વ્યાપતો!
આજ તો જિંદગી કેરું ધન્ય હોશે સમર્પણ!
પ્રાણની કામના કેરું શૂન્ય માંહી વિસર્જન!
આવી માંગલ્યની ઘડી.
પરિચારિકા!
કંકુની કોરના પીળા પાનેતર થકી મને
સજો, ને સર્વ શિંગારે સોહાવો ક્ષણ લગ્નની,
દીપને પ્રગટાવી જો મૂકો પેલા ખૂણા મહીં,
ગતિ ના વાયુની જેને અંધારું અડકે બસ.
અરે ઓ પરિચારિકા!

પરિચારિકા :

જી!

સ્ત્રી :

આવે…

પરિચારિકા :

મા! બોલશો નહિ…

સ્ત્રી :

આવે છે…
આવ હે હર્ષવર્ધન!
અનિમેષ દૃગો તારી કરે છે સ્નેહવર્ષણ.
અંગની આગ, સંતાપો ચિત્તના સર્વ શામતા,
ન્હાઉં છું જમના કેરાં જલે હું હૈમ-શીતલ.
હવે ના દૂર, ઝૂરું હું તારાં આલિંગનો મહીં
ખેલવા, શમવા…
કિંતુ શાને રે શ્વાન આ રડી
રોકે છે માર્ગને મારા?
ખમ્મા ખમ્માય એહને.

આજની યામિની કોટિ તારલાથી ઝળાંઝળાં,
ચંદ્રનાં રશ્મિથી એને ઝાંખપો લાગતી નથી.
ઊંચેરા વ્યોમની નીચે ઉર્વીને શાંત આંગણે
મળીને બેઉ આપણે
રમીશું.
નૃત્ય શેષાભિસારનું.
મૃદંગે બોલ વાજતાં,
મંદ મંદ રવે વ્યાપે ગ્રહોનું વૃંદવાદન,
હવાનું શાંત હૈયું શું ઝંકૃતિથી હલી રહ્યું!
અધીરા અંગમાં મારા, તાલનાં શત સ્પંદનો
જાગે છે, પ્રિય હે! ચાલો…

૧લું સ્વજન :

અહો શી પગલી!
જાણે ભૂમિને સ્પર્શતી નથી,
કંપતાં અંગઅંગો શાં!
કશું શૈથિલ્ય! તોય રે
અંગૂઠે પગના કેવી દોલતી કાય ર્‌હૈ ટકી!
જાણે કે હમણાં આ… આ…
પર્ણ કો પીપળા કેરું વૃન્તમાંથી જશે ખરી.
ખર્યું જાણે ખર્યું…

૨જું સ્વજન :

ના, ના,
ગતિ શી ચપલા જેવી
દૃષ્ટિ કેરી નિમેષમાં
દિશાઓ ચમકાવીને લુપ્ત થૈ જાય સ્હેજમાં!
રેખા-શી કાયમાં જાણે કોઈ શક્તિ અતીન્દ્રિય,
તત્ત્વને આશ્રયે જાણે પ્રકૃતિ રમણે ચડી!
મત્ત છે, ના કશાનાયે માને છે અંતરાયને,
સર્વને મ્હાત દૈ કરી
ઝંઝાના જોમથી આ શી જિંદગી નર્તતી ફરી!
કિંતુ ત્યાં ઢળતી… પાછી ઢળે છે…
રે ગઈ ઢળી.

૩જું સ્વજન :

ગાન થંભી ગયું, વ્યાપ્યું મૌન,
કારુણ્ય અંતનું!

મૃત્યુ :

પ્રિયે!
ધીરે ફરી જાગે શૂન્યમાંથી સ્વરો મૃદુ,
ઊઠો, આલંબને ધારી અંગુલિ માહરી ઊઠો!
રાત્રિના શેષ ભાગે જો અંધારું થાય શીતલ!
તોડીની ગતમાં ગાતું વેદના કો સુકોમલ.
જ્યોતમાંથી ઊઠે જેવી ધૂમ્રલેખા…

૧લું સ્વજન

થીજેલું જલ પીગળી
વહે તેવી રીતે પાછી જાગૃતિ આવતી જતી.
કાય શી હાલતી! ઊંચી થતી શા સ્પર્શથી ઋજુ!
કોનાં આલિંગને જાણે પીએ છે પ્રેમનું મધુ!

૨જું સ્વજન :

કોનાં તે નેત્રની સાથે સંધાયે નેત્રની પ્રભા!
હાલતા હોઠ જાણે કે ઉચ્ચારે છે ‘સ્વધા, સ્વધા!’

મૃત્યુ :

આપણે ત્યાં જવું જ્યાં છે વાયુ કેરી ગતિ નહિ.
બોજ હ્યાં સર્વ દ્યો મૂકી.
અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું.

સ્ત્રી :

મારા શેષાભિસારની
ધન્ય વેળા સુમંગલ.

કોનું રે ડૂસકું ત્યારે?

મૃત્યુ :

સ્પર્શનું વસ્ત્ર હો પરું,
વાણી ના, શ્રુતિ ના, દૃષ્ટિ કેરાંયે દર્શને નહિ,
સ્મૃતિ ના, તુજને વ્હાલો પ્રાણ તેયે નહીં નહીં.
તું ને હું…

૧લું સ્વજન :

હોલાતા દીપની છેલ્લી જલી ર્‌હૈ દિવ્ય કાંતિ આ…

સર્વ સ્વજનો :

શાન્તિ હો ગતને,
પૂંઠે રિક્તને શાન્તિ શાન્તિ હો…

(સંકલિત કવિતા, પૃ. ૧૫-૧૯)