અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/ઉતાવળ ન કરો!

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉતાવળ ન કરો!

રાજેન્દ્ર શુક્લ

જરી ધીરે, જરા ધીરે વહો શ્વાસ, ઉતાવળ ન કરો,
અરે, શબ્દનો રસ્તો છે અનાયાસ, ઉતાવળ ન કરો.

મૂક્યું પોત જો મઝધાર, થશે પાર, ફિકર શી છે હવે,
’નરાધાર એ વરસે છે ઉપરવાસ, ઉતાવળ ન કરો.

ત્યહીં એકીટશે કોક જુવે વાટ, હશે એય વિકલ,
નથી દૂર કશે, આ રહ્યો અજવાસ, ઉતાવળ ન કરો.

ભરો ઘૂંટ ઉપર ઘૂંટ, હશે રંગ નવો, રૂપ નવાં,
જુવો વેશ હવે કૈંક ધરે પ્યાસ, ઉતાવળ ન કરો.

ભળે શ્વાસ મહીં શ્વાસ, ગઝલ એ જ મુકમ્મિલ કરશે,
જરા ધીરે, જરા ધીરે ગૂંથો પ્રાસ, ઉતાવળ ન કરો.
(૬ સપ્ટે. ૧૯૭૮)