અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/સ્મૃતિ
સ્મૃતિ
લાભશંકર ઠાકર
કૂંડું જૂનું તુલસીનું પડ્યું આંગણામાં.
તેની પરે ઢળી ગયું જલ શું સુનેરી
આકાશથી જરીક, ને મધુસ્પર્શજન્ય
રોમાંચથી હલી ઊઠી અતિ શુષ્ક સાંઠી!
ને આવ્યું ક્યાંક થકી દૈયડ સાવ ધૃષ્ટ
બેઠું કૂંડા પર જરા ફફડાવી પાંખો
કૂંડા મહીં છલકતા જલમાં ઝબોળી
ચંચૂ અને કરી જરા નિજ પુચ્છ ઊંચી
છેડી દીધી સહજ કંઠ તણી સતાર!
એ શ્વેત વસ્ત્ર મહીં શોભત પ્રૌઢ કાયા
રેડી રહી ચળકતો લઈ તામ્રલોટો
ઊંચા કરેલ કરથી જલ, ભાવભીનાં
નેત્રો ઢળ્યાં મધુર, ભાલ વિશે સુગૌર
સૌભાગ્યચંદ્ર ઝલકે, તરબોળ ભીનું
આખુંય દૃશ્ય નીતરે તડકો
અચાનક
ઊડી ગયું ક્યહીંક દૈયડ દૃશ્યને લૈ
પાંખો મહીં
નજર વૃદ્ધ ફરી ફરી શી
છાપા વિશે ડૂબી જવા મથતી, સવારે.
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૨૧)