અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/હેઈસો...હેઈસો...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હેઈસો...હેઈસો...

લાભશંકર ઠાકર

દરિયાકાંઠે બેઠો છું હેઈસો હેઈસો
દર્ભઘાસના અગ્રભાગ પર હેઈસો હેઈસો
જળનું ટીપું ઊંચક્યું છે હેઈસો હેઈસો
દરિયાને ઉલેચું છું હેઈસો હેઈસો
અ-વિરતને ઉલેચું છું હેઈસો હેઈસો

*

અવિરતના કાંઠે બેસીને ઉલેચો ઉલેચો
ટીપે ટીપે દર્ભઅણીથી ઉલેચો ઉલેચો
પિતૃકુલને ઉલેચો
માતૃકુલને ઉલેચો
મત્સ્યમૂલને ઉલેચો
જ્ઞાનકોશને ઉલેચો
ચિત્તકોશને ઉલેચો
રક્તકોશને ઉલેચો
શબ્દકોશને ઉલેચો
ઉલેચવાની ઇચ્છા-ને પણ ઉલેચો
ઇચ્છા ‘જેને’ થાય ‘એને’ ઉલેચો
કોણ કોને ઉલેચે છે એની ભ્રમણા થાય : તોપણ ઉલેચો
કર્મકાણ્ડ છે ઉલેચો
દર્ભઅણીથી બેઠા બેઠા દરિયો આખો ઉલેચો
અભિજ્ઞાન-ની તીક્ષ્ણ અણીથી ઉલેચો
કુશાગ્ર છે બુદ્ધિની તીણી ટોચ તે-થી ઉલેચો
સભાનતાની ગર્ભશૂલને ઉલેચો
ભગીરથોના ભ્રાન્ત ગર્ભના કુલ બધાંયે ઉલેચો
સભાનતાથી સભાનતાને ઉલેચો
જીવન દરિયા-ખેડ માટે ઉલેચો
‘એ’થી માંડી ‘ઝેડ’ આખું ઉલેચો
ઉલેચતા આવ્યા છો માટે ઉલેચો
બીજું શું છે કામ? માટે ઉલેચો
કર્તાહીન તમામ, માટે ઉલેચો
તમે સતત પરિણામ, માટે ઉલેચો
કારણની ના જાણ, માટે ઉલેચો
સભાનતાથી ઉલેચો કે અભાનતાથી ઉલેચો
ખાતાં ખાતાં ગાતાં ગાતાં નાતાં નાતાં ઉલેચો
સંત બનીને ઉલેચો કે જંત બનીને ઉલેચો
રમણી સાથે નમણી સાથે ઉલેચો
ઉલેચવાનું ભૂલી જઈને ઉલેચો
ઇવિલ-ફિવિલનાં આળ સાથે ઉલેચો
રામ નામની નાળ સાથે ઉલેચો
ઓળઘોળ અંઘોળ અવિરત ઉલેચો
ગોળ ગોળ ને ગોળ અવિરત ઉલેચો
ભમે ભમરડો ઘૂમ ત્યાં લગ ઉલેચો
ગતિ થાય ના ગુમ ત્યાં લગ ઉલેચો
ઢળી પડો થઈ ધૂળ ત્યાં લગ ઉલેચો
મોત લગણનું મૂળ મળશે ઉલેચો
ઉલેચો રે ઉલેચો રે ઉલેચો
દરિયો થાશે ડૂલ આખો ઉલેચો
ઉલેચો રે ઉલેચો રે ઉલેચો.

*

દરિયાકાંઠે બેઠો છું હેઈસો હેઈસો
દર્ભઘાસના અગ્રભાગ પર હેઈસો હેઈસો
જળનું ટીપું ઊંચક્યું છે હેઈસો હેઈસો
દરિયાને ઉલેચું છું હેઈસો હેઈસો
અવિરત આ ઉલેચું છું હેઈસો હેઈસો
જૂન, ૧૯૮૦