અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાલજી કાનપરિયા/સાંજ ઢળે છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સાંજ ઢળે છે

લાલજી કાનપરિયા

પાછા વળતા ધણની કોટે ઘંટીનો રણકાર થઈને સાંજ ઢળે છે.
દૂર ક્ષિતિજે વાદળીઓમાં કેસરિયો ઝબકાર થઈને સાંજ ઢળે છે.

ચલમ ફૂંકતા ગાડા-મારગ વહી આવતા સીમ ભણીથી ગામ દીમના
બળદોથી ઘૂઘરમાળાનો શ્રમેભર્યો ઘમકાર થઈને સાંજ ઢળે છે.

આખુંયે આકાશ ઊતરી આવી બેઠું વૃક્ષો પર પાંખો સંકેલી
કોક અગોચર મંત્રો ગાતાં પંખીનો ટહુકાર થઈને સાંજ ઢળે છે.

લ્યો, ઊડી ગૈ સાસરજોડી દૂર નદીની રેત મહીંથી છેલ્લીવેલી
ધીરે ધીરે જળમાં વહેતો ખળખળતો સૂનકાર થઈને સાંજ ઢળે છે.

બંને કર જોડીને લેજો શ્રદ્ધાપૂર્વક નામ હરિનું ઠાકરદ્વારે
ભક્તિથી તરબોળ આરતી, ઝાલરનો ઝણકાર થઈને સાંજ ઢળે છે.
(ઝલમલ ટાણું, ૧૯૯૪, પૃ. ૨૬)