અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/ભે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભે

સિતાંશુ યશશ્ચંદ્ર

મુસળને ટેકે ઊભા છે મોરારી
કે ભાઈ મુંને આજે તરણાનોયે ભે લાગતો.
એ તો સહુનાં મુખડાંને જોતા ધારી ધારી,
કે ભાઈ મુંને આજે તરણાનોયે ભે લાગતો.
નટવા કંઈ નાચ્યા કાલે, તૂરીઓ વગાડી તીખી
માંડ્યાં મહાપાન પ્રભાસે,
હાંડાના હાંડા રાંધ્યાં હરણાં તેતર ને જળચર
મુરઘાં રાખ્યાં રે, મુખવાસે
મીઠી તૂરી ખાટી કડવી ને ખારી,
કે ભાઈ મુંને આજે તરણાનોયે ભે લાગતો.
મુસળને ટેકે ઊભા છે મોરારી…
માધવની ફરતે મીઠે મરકલડે નાચનારાં
મહિયારાં ક્યાંથી અહીંયાં આણવાં?
કેશવને કોપાવંતી રોતી રોતી આવે સત્યા,
કજિયામાં કંથનેયે તાણવા.
ખાવિંદને ખોળે ઢળે ખોટાડી નારી,
કે ભાઈ મુંને આજે તરણાનોયે ભે લાગતો
મુસળને ટેકે ઊભા છે મોરારી…
આવો ઓચ્છવ છોડી ઓધવજી ચાલી નીકળે
હરિને પ્રણામ કરી પ્રીતે,
કંસની મથુરા તો ક્યારેક ગોકુળ જઈ તારી, હરિની
દ્વારકા ઉગારતી શી રીતે?
ઓધાજી ચાલ્યા કાનાને આંખથી પસવારી,
કે ભાઈ મુંને આજે તરણાનોયે ભૈ લાગતો.
મુસળને ટેકે ઊભા છે મોરારી…
લુબ્ધક પાસેથી લીધાં નવલાં મારેલાં મૃગલાં
ખાટકીને ઝાઝું ખટાવી,
સત્યા ને સાત્યિક ને સાંબ પ્રદ્યુમંન કહેતાં
‘પારાધિને લીધા પટાવી!’
જોજો, જાદવની તોયે જુબાન સાવ કોરી,
કે ભાઈ મુંને આજે તરણાનોયે ભે લાગતો
મુસળને ટેકે ઊભા છે મોરારી…
ક્રતવરમા સામો જોઈને સાતકિ સંભળાવે, ‘તું તો
સૂતેલાંનો મારનાર શૂરો.’
ઊંધે માથે રસોયાને તેતર આપીને ક્‌હેતો
‘ભરજો મસાલો આમાં પૂરો.’
ચોગરદમ ચાલી ચોરી ઉપર સિરજોરી
કે ભાઈ મુંને આજે તરણાનોયે ભે લાગતો.
મુસળને ટેકે ઊભા છે મોરારી…
ખાધાંપીધાંના ઠાલાં ઠામનો ખડકલો થ્યો,
એઠવાડનું રાજા, સું કરસું?
એઠી ધરતી આ એઠા વાયરા, મુરલીધર,
એઠાં પાણીમાં કાં તો ડૂબી મરસું,
ઓલી રાણી મરશે એઠાં વાસણની મારી,
કે ભાઈ મુંને આજે તરણાનોયે ભે લાગતો.
મુસળને ટેકે ઊભા છે મોરારી…
ભૂરાં ભૂરાં લીલાં લીલાં ખારાં ખારાં ગરજ્યાં કરતાં
સાગરનાં સરજનજૂનાં પાણી,
શેષનાગ ઉપર પાછા પોઢી જાવાને ઊડે
કાળીય-જેતાને જાશે તાણી,
જાણે કે નાનો કાયમ કંકાસથી ગ્યો હારી,
કે ભાઈ મુંને આજે તરણાનોયે ભે લાગતો.
મુસળને ટેકે ઊભા છે મોરારી…
તાંદુલની મૂઠી હોંસે ભરનારે કેમે આજે
ભરી હશે એરકાની મૂઠી?
તાજી રાધાના તનની યાદ જે હથેળિયે તે
આજની ભેંકાર, ભીંસે જૂઠી,
ગોવાળિયાને લોઢાનું ઘાસ લાગે ભારી,
કે ભાઈ મુંને આજે તરણાનોયે ભે લાગતો.
મુસળને ટેકે ઊભા છે મોરારી…
આભલાં ઉસેરડીને પંખી આરોગ્યાં, પાણી
ખાલી કરીને ખાધાં માછલાં,
પ્રથવીની પાતળ તોડી, મ્રગમજ્જા ચૂસી, જદુવર
કુળ-કરમો સંભારે છે પાછલાં,
પછતાવે સોચે, લાવો, મ્રગરૂપ લઈએ ધારી,
કે ભાઈ મુંને આજે તરણાનોયે ભે લાગતો.
મુસળને ટેકે ઊભા છે મોરારી…
હરણાંનું રૂપ લઈને જોગી પોઢ્યો ને હાં રે
હણનારાં સામો સાવ ઉઘાડો,
એકે આડશ નો રાખી, ઝાડવાની છાંય પાખી,
સમરથ આપોપે થ્યો બચાડો,
મ્રગલાંની માફક વીંધાવાની માગી લીધી વારી,
કે ભાઈ મુંને આજે તરણાનોયે ભે લાગતો.
મુસળને ટેકે ઊભા છે મોરારી…
લોઢાનું ઘાસ પાણી લોઢાનું, લોઢાની ગાયું,
મુસળનાં પંખી કૂજે આભમાં,
લોઢાનો સૂરજ ઊંધો ઝળૂંબે ઝળહળ, લોઢાના
સોયા ઘૂસે ઉત્તરાના ગાભમાં,
હવે આજે એને કોણ શકે રે ઉગારી?
કે ભાઈ મુંને આજે તરણાનોયે ભે લાગતો.
મુસળને ટેકે ઊભા છે મોરારી…
(ગુજરાતી કવિતાચયન, ૧૯૯૮, સંપા. જયદેવ શુક્લ, પૃ. ૬૨-૬૫)