અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/મગનની હઠ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મગનની હઠ

સિતાંશુ યશશ્ચંદ્ર


એટલે હઠે ભરાયેલો મગનિયો કે કે મારે તો જીવવું છે.

ગુજરાતી સાહિત્ય તો છક થઈ ગયું.

અલ્યા, એમ કંઈ ચાલે?
એક બાજુ જવાનીઆઓ ગાજ્યા કે અમારા એક્સપરિમેન્ટલ
પિરિયોડિકલ્સનું સુ?
બીજી બાજુ મોટારાઓએ ઠપકો આપ્યો કે આમ તો પછી
શતાબ્દીઓ જ ખૂટી જાય.
બધા કે કે જીવવું હોયતો પછી સાહિત્યના ઘરમાંથી નીકળી જાઓ.

મગન કે’ કે હા.
કહીને જ્યાં એક પગ ઉમરાની બાર મૂકે છે,
કે એક ચમત્કાર થયો.

ગોખલામાંથી સરસતી માતા બાર નીકળ્યાં ને રાજાને કેય
કે જ્યાં મગન ત્યાં હું.

સરસતી માતાને જોઈ પછી તો પ્રયોગદેવી, સજીવતાસુંદરી,
લયકુમાર ને બધેય કે કે અમે પણ આચાલ્યા, ના જ માને.

તો કયું કે ઠીક મગનિયા, પડ્યો રે પેલે ખૂણે.


પણ મગનો જેનું નામ,
થોડા દાડા રઈને કે’ કે મારે તો પ્રેમ જોઈએ.

સારુ ભઈ.
તે લઈ ગયા એપોલો સ્ટ્રીટમાં.
સરસ આકારનો ચોક, તેમાં સરસ આકારનું મકાન.
મકાનમાં તાળા ને કૂંચીમાં રાખેલો એક ગુપ્ત ખંડ.
સ્ટેટ બૅન્કના સેફડિપોઝિટ વોલ્ટમાં લઈ ગયા મગનને.
શાસ્ત્રમાં લખેલું તેમ પૂજારી સાથે આવ્યોને મંત્ર ભણી
એક ચાવી મગનને આપી ને એક પોતે રાખીને પછી તો
‘સિયાવર રામચંદ્રકી જે’ કહી ખાનું ખોલ્યું.
— લે પ્રેમ.

મગન સાલો મવાલી છે, — કે’ કે આ પ્રેમ જ નથી.
પ્રેમ નથી તો સુ છે, સાલા? હરામી!
મોટામોટા ઇનામવિજેતા ને ચંદ્રકધારીઓ પણ આ અહીંથી જ
પ્રેમ લઈ જાય છે વાર્તા ને નાટક ને કવિતા બધુ લખવા.
ને તમે નીકળ્યા કેવા કે આ પ્રેમ જ નથી...
સુ છે? સુ છે? પ્રેમ નથી કોસુ છે આ?
સેફડિપોઝિટમાં સા માટે મૂકે બધા?
જોઈએ ત્યારે વાપરે ને પાછા મૂકી જાય, જૂનું જ ના થાય.
મોટમોટા પ્રોફેસરો વરસોવરસ આ જ વાપરે છે ને ઘણાયે
પચી પચી વરસથી વાપરે છે પણ નવું ને નવું.

પણ
મગનિયો હરામી તો હવે કે’
કે મારે જીવવું છે ને મારે પ્રેમ જોઈએ છે.



સારુ ભઈ,
પછી તો ગાંડિયા મગનાને સાહિત્યના ઘરમાં પૂરી રાખ્યો.
એમાં પરદેશી ઢબના જાજરૂ.
બધાય સવારના ઊઠીને કાગળ જ વાપરે.

બઉ કાગળ જોઈએઃ
પણ એ તો ટાઇમ્સોફીડિયાના સરદારજી
મોટા મોટા ગોળ વીંટા આપી રાખે, તે લટકાવી રાખીએ.

ને પછી બધા સાહિત્ય સામ્રાટો — જૂના ને નવા બધા —
વાપરી રયા પછી કાગળની નીચે પોતાની સહી કરે એટલે
છાપા સામયિકોમાંને આકાશવાણી પરથી
એને વાંચે કે છાપે, ખાવામાં કંઈ આવી ગયુ હોય
તો ચાલુ નવલકથા પણ છાપી શકાય.
વરસોવરસ ને વારેતેવારે ખાસ અંકો ને એન્થોલોજી પણ
નીકળે રે એમાંથી જ.

મગનો સાલો સવારે કામ ઠીક કરે.
ભ્રામમૂરતમાં ઊઠીને કામ નિયમસર પતાવે.
સહી કરવાની ભૂલી જાય
પણ એ તો સાહિત્યરસિક તંત્રીઓ એની આસપાસ જ હોય
એટલે તરત નવી કવિતા (એણે ફેંકી દીધી હોય તો પણ)
શોધી કાઢે ને મગન મહાકવિને નામે છપાવે. ક્યારેક જ પોતાની
સહી કરી લે.
(આપડે ત્યાં જનરલી ગુજરાતી સાહિત્યમા એક પ્રમાણિકતા બહુ છે.
એમ બીજાની કવિતા બહુ તફડાવે નઈં.)
અને વરસમાં તો મગનને સરકારનું પેલું ઇનામ અને બીજા
પાંચછ સુવર્ણચંદ્રક મળ્યા.
પછી તો જે મેળાવડા! સમારંભની વાત જ શી? છાપે છાપે
છપાણું કે ફલાણી તારીખે ફલાણે વારે મ્હાકવિ મગન સન્માનસમારંભ
છે. ને નીચેના વક્તાઓ બોલશે, ને પ્રમુખસ્થાને પેલા રેશે, ને મોટી
યાદી નીચે છાપેલી સન્માનસભ્યોની, ખાસ વધારામાં,
બધાય બોલી રયા, શુ ફાઈન બોલ્યા છે.
કોઈ કાફકાનું કેય તો કોઈ માલારમેતાનું કેય તો કોઈ નરસીંમેતાનું,
તો કોઈ ઊંટ ને ગાયના ઇશ્કની વાત કેય ને બધેય
કંઈના કંઈ કિસ્સા કેય ને આનંદ મંગળ નેઆનંદ અમંગળ બધુય વરતાયું.

છેલ્લે કોઈને યાદાવ્યું તો કે’ કે પેલા મગનાને સાલાને બે
મિનિટ બોલવા
દો. પ્રમુખશ્રી તો ઘંટડી લઈને તૈયાર ને કે’ કે એક, દો ને તીન — બોલો!

મગનો, બુધ્ધુનો બામ, બચાડો (દયા આવે હોં!) કેય (એનુ એ,
બીજુ સુ?), તો કેય કે (ને આયે કવિતાના ઇનામ મલ્યા પછી સુ?) તો
કેય કે મારે જીવવું છે. મારે પ્રેમ જોઈએ છે. મારે કવિતા લખવી છે.