અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/લડત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લડત

સિતાંશુ યશશ્ચંદ્ર

ફરી પેટાવો તાપણું.
પોષની આ રાતને એમ પડકાર્યા વિના નથી જીતવા દેવી.

કબૂતરો અને ચકલાં ઠુંઠવાઈને મર્યાં પડ્યાં છે, રીંછો
લાંબા ઘારણમાં પોઢ્યા છે, ઝાડ ચિમળાઈ ગયાં છે, એ સાચું,
પણ ચિત્તાઓ, વાઘ, સિંહ અને ગરુડબાજ
હજી યે ટકી રહ્યા છે, એ ન ભુલાય.
ઠંડીના કાળા લોખંડની સાથે
પોતાની છાતીની બખોલમાંથી ચમકતો પથરો
કોણી સુધી હાથ ઘાલી નાભિ કનેથી ખેંચી કાઢી
ને ખટાક છરકતો અથડાવો એને ટાઢના લોઢા સાથે એવો
કે તણખ ઊઠે તાતી, રાતી-સફેદ.
વિચારવાનો વખત નથી આ, પેટાવો.
પેટાવો ઠુંઠવાયલા ઝાડને, પેટાવો લાકડા જેવા થઈ ગયેલાં
ચકલાંનાં હાડપિંજરને, પેટાવો, પેટાવી દો આ આખી ય પાનખરને સડેલીને.

પોષની આ રાતને એમ પડકાર્યા વિના નથી જીતવા દેવી.
પવનનાં આંગળા ઘોંચી એ આપણાં હાડકાંની ભીતરની હકીકતો
તપાસી લે છે.
રૂંવાડાંને અદૃશ્ય ચીપિયાઓથી ઝાલી, ઊભા કરી, ઉઘાડી પડી ગયેલી
ત્વચાને અડકીને તાપમાન માપી લે છે.
ઠંડાગાર આખા આકાશનો ભાર લાદીને કરોડરજ્જુને બેવડ વાળી દે છે.
ચહેરો ચૂંથી નાંખે છે, આંગળે વાઢ મૂકે છે, શ્વાસ સસડાવી દે છે,
છતાં
છતાં ટકી રહ્યા છીએ!
હજી મારી નાખી શકી નથી આપણને આ રાત,
એટલે હજી (એની જીત થઈ હોય તો પણ) આપણી હાર થઈ નથી.
ફરી પેટાવો તાપણું રાતા રંગના ઝંડા જેવું, ઝળહળ લહેરાતું,
હયાતીને વીંધીને આપણી આરપાર નીકળી જાય છે
આના તીણા લાંબા શોધતા સોયા
ને તો ય આપણી અંદર ક્યાંક સળગતું, ધૂંધવાતું તણખાતું એક લાકડું
એને હાથ નથી લાગતું, ક્યાંક પેટી ઊઠેલું ક્યાંક ખોપડીમાં, કે પેટમાં,
કે જાંઘ વચ્ચે, કે આંખો વચ્ચે, કે જીભ ઉપર, કે ડુંટીમાં, કે ક્યાંક,
ક્યાંક... ક્યાંક...
આ રાત
કેમ કરતાં બની ગઈ પોષની રાત? અષાઢની
અવાજો, તેજ ઝબકાર અને પાણીદાર આકાશવાળી ગીચ રાત કેમ કરતાં
બની જાય છે વૈશાખની પડ્યા પવનવાળી ખાલીખમ મોટ્ટી
પહોળી તારા ઊભરાતી રાત? ને વળી એમ કેમ કરતાં
પલટાઈ જાય છે આ ભૂખરા રંગના જંગલી ભૂંડ જેવી દાંતોડિયા
અને ટાઢા ગોળ નાકવાળી પોષની રાતમાં?

ના, નથી આ કોઈ અકસ્માત.
છે, આ યે છે રાતની એક સત્તા,
આ યે છે એક છે-કાર.
સ્વીકાર એના સત્યને, ભાઈ, ને ટકરા એની સાથે
પૂરી જાણકારીથી.

ગાંગરી ઊઠે હડબડ ઊભું થતું કોઈ
ઊંટ, જાડા હોઠ દાંત આડેથી તાણી ખેંચતું, લાંબી ફલાંગોમાં
પગ ચારે ફંગોળતું, મટોડિયા નદીનાં બંધતૂટ્યાં પૂર
જેવી મેલી જાજરમાન ખૂંધ ઉછાળતું, થૂંક ઉરાડતું, ડોક લંબાવતું,
બચકાં ભરવા જે ઝડપાય તેને, ને ગાંગરતું, ફરી ગાંગરતું,
ગંધારું જાણે ચીડિયું ઊંટ,
તેવી આ રાત એકલી આકાશના મેદાનમાં દોટ મૂકે છે ને
આઘાપાછા થઈ ગયા છે તડકો, સૂરજ ને ઉનાળો.

ત્યારે ખેંચ
એની પડખે દોડીને ચપળતાથી ખેંચ આ ઊંટડીના નાકમાં
પરોવેલું ને જમણે પડખે લબડતું ધુમાડાનું વળખાતું દોરડું
ખચાક ખેંચ એના ચીરાતા નાકમાંથી લાલ સૂરજનો
દફડો પૂરવના પરોઢિયે ઊભરાય એવા જોરથી ખેંચ.
આ રાત
અકસ્માત નથી, ભૂલમાં નથી પડી ભાસ છે
આ રાત ભાગ છે વરસનો
ફાગણ જેવો, જેમ શ્રાવણ
તેમ પોષ. એક ભાગ છે વરસનો
ભ્રમ નથી.
સાચ છે
સ્વીકાર.
પડકાર.
છે એ ને છે તું યે, છે-છે-કાર.
ન જે-જે-કાર. બસ, છે-છે-કાર. વાર
લગાવ તોળીને તારું વજન આખું તારા પગના પહોંચા પર, ધારદાર.
પણ આ રાત અશરીરી બસ હવા, ટાઢ, બે ડંકા ને અંધકાર.

કઈ રીતે પડકારીશું આને,
આના સત્યને, આના સ્વરૂપને?

જાણે
પાણીમાં ઠોકવાનો છે ખીલો,
છરો ભોંકવાનો છે જાણે ઝેરી ગેસના ગોટાની છાતીમાં.
જાણે બહેરા-બાવરા કરી નાખવા હાંકાના નગારિયા અવાજમાં વાઘણે
ડાચાના દાંત ને પંજાના પોલાદી નખ ખૂંપાવી દેવાના છે. પણ કઈ રીતે?

આ રાતનો જીવ આ અંધારાના અફાટ પીપળાની ડાળે ડાળે
ખીચોખીચાયેલા લીલાલીલાપોપોપટોના ઝુંઝુંડમાંથી કોઈ એએક
પોપટની ડોકના મરોડમાં પેસી લપાયો છે ને એ મરોડને મરડીને એક
ફેરા મારી નાખવાની છે આ ચૂડેલ રાતને, પણ ક્યાં? ક્યાં? છે ક્યાં
એ મરોડ? કયા પોપટની ઊડાઊડ કરી મૂકતા એક સરખા ઝુંડમાંથી
લઈ લીલાશમાં? કઈ રીતે તારવું એને અલગ આ અફાટ પીપળાના
અસંખ્ય ખડખડતા પાંદડાની આડશે ઉભરાતી બહુલતામાંથી? ક્યાં છે
આ માયાવી રાતનો જીવ?

ચાહે ત્યાં હો, ચાહે તે હો, ચાહે તે થાઓ, ચાહે તે સમસ્યા પ્રહેલિકા
આવો કથાકાશની
પણ ભ્રમ નથી, સાચ છે આ પોષની રાત, આપણી સામે
ને પોષની આ રાતને એમ પડકાર્યા વિના નથી જીતવા દેવી આજ.

વાગશે, ઉગમણે સીમાડે હમણાં જ વાગી ઊઠશે કુમકે આવતા
સૂરજનારાયણના ઘોડાના ડાબલા,
દેખાશે, બે ગાઉ દૂરથી હમણાં જ દેખા દેશે ફાગણની હોળીના
હૂંફાળા ભડકા,
મહેકશે. બસ આ જરા વારમાં મહેકી ઊઠશે ઊના ઊના ભોજનની
છાતીભરીને સોડમ.
પણ
જો કદાચ
એમ ના યે બન્યું
ને વખત છે ને
આપણા આ તાપણાને બુઝાતું રોકવા ન રહ્યું લાકડાનું છેલ્લું છોડિયું યે
તો ઊગજો
ઊગજો ખંભાની ઉપર સહજપણે સળગી શકતો
માથા કરતાં ય મથોડું ઊંચો ઊઠતો નાચતા નરસૈંયાનો અણનમ હાથ.
પણ પોષની આ રાત
ને નથી જીતવા દેવી આજ...
(૧૩-૧૪ જાન્યુઆરી, ૧૯૮૫)



આસ્વાદ: લડત કાવ્ય વિશે – ઉદયન ઠક્કર

સિતાંશુ યશશ્ચંદ્રનું એક દીર્ઘકાવ્ય છે, ‘લડત’. ચાલો, આપણે પણ લડતમાં જોડાઈએ.

ફરી પેટાવો તાપણું પોષની આ રાતને એમ પડકાર્યા વિના નથી જીતવા દેવી

‘ફરી’ શબ્દ પર ફરી નજર કરીએ? સૂસવતી ટાઢમાં તાપણું ઠર્યું છે, પેટાવાયું છે, ફરીફરી, સદીઓથી. કવિ આગ્રહ રાખે છે, જયકારનો નહીં, પરંતુ પ્રતિકારનો.

કબૂતરો અને ચકલાં ઠૂંઠવાઈને મર્યાં પડ્યાં છે, રીંછો લાંબા ઘારણમાં પોઢ્યાં છે, ઝાડ ચીમળાઈ ગયાં છે એ સાચું. પણ ચિત્તાઓ, વાઘ, સિંહ અને ગરુડબાજ હજીયે ટકી રહ્યા છે, એ ન ભુલાય.

ઠંડીની થપાટ એવી કે ત્રણ ક્રિયાપદ સાગમટે વાપરવા પડ્યાં : ‘ઠૂંઠવાવું’, ‘મરવું’, ‘પડવું.’ ચિત્તા, વાઘસિંહ, ગરુડબાજ ઠંડીના શિકાર ક્યાંથી થાય? એ તો પોતે જ શિકારી છે.

ઠંડીના કાળા લોખંડની સાથે પોતાની છાતીની બખોલમાંથી ચમકતો પથરો કોણી સુધી હાથ ઘાલી નાભિ કનેથી ખેંચી કાઢી ને ખટાક છરકતો અથડાવો એને ટાઢના લોઢા સાથે એવો કે તણખ ઊઠે તાતી, રાતી–સફેદ.

તાપણું પેટાવવું કેમ? ઠંડીના લોખંડ સાથે પથરો અથડાવીને. પથરો લાવવો ક્યાંથી? છાતીની બખોલમાંથી. ‘ગટ્સ’ના બે અર્થ — આંતરડું અને હિંમત. ડૂ યૂ હૅવ ધ ગટ્સ? હિંમત દુકાનમાંથી નહીં, ડૂંટીમાંથી લાવવી પડે. આપત્તિ સાથે સાહસની ટક્કર થાય ત્યારે તણખ ઝરે. ‘તણખ’ યાને વેદનાનો સણકો. કવિ ‘તણખ’ શબ્દથી ‘સણકો’ અને ‘તણખો’ એમ બે અર્થ પ્રકટાવે છે.

વિચારવાનો વખત નથી આ, પેટાવો, પેટાવો ઠૂંઠવાયેલા ઝાડને, પેટાવો લાકડા જેવા થઈ ગયેલાં

ચકલાંનાં હાડપિંજરને, પેટાવો, પેટાવી દો આ આખીય પાનખરને સડેલીને

આ રણભૂમિની ભાષા છે. કર્તા, કર્મ, ક્રિયાપદ પાછાંઆઘાં થઈ ગયાં છે. ચકલાંનાં હાડપિંજર ઠરીને ‘લાકડાં’ થઈ ગયાં, માટે સળગાવી શકાય, એવો તર્ક ભૌતિકશાસ્ત્રમાં ખોટો અને કાવ્યશાસ્ત્રમાં સાચો પડે.

પોષની આ રાતને એમ પડકાર્યા વિના નથી જીતવા દેવી. પવનનાં આંગળાં ઘોંચી એ આપણાં હાડકાંની ભીતરની હકીકતો તપાસી લે છે. રૂંવાડાંને અદૃશ્ય ચીપિયાઓથી ઝાલી ઊભા કરી… શ્વાસ સસડાવી દે છે, છતાં છતાં ટકી રહ્યા છીએ!

…એટલે હજી (એની જીત થઈ હોય તો પણ) આપણી હાર થઈ નથી.

આતતાયી રાત અદૃશ્ય ઠંડા ચીપિયાઓથી આપણાં રૂંવાડાં ઝાલીને ઊભાં કરે છે. ‘આપણાં’ કહેતાંવેંત આ લડતમાં તમારી અને મારી સીધી સંડોવણી થાય છે. રાત જીતે પણ આપણે ના હારીએ, એવું કેમ બને? ઝાકિરહુસેનની વાર્તા છે, ‘અબ્બૂખાં કી બકરી.’ અબ્બૂખાં પાસે દૂધ જેવી ધોળી અને હરણ જેવાં શિંગડાંવાળી એક બકરી હતી, નામ એનું ચાંદની. અબ્બૂખાં એને બેટીની જેમ પ્યાર કરતા, પણ ચાંદનીની એક જ રઢ : મને આઝાદ કરો, મને વગડામાં જવા દો. અબ્બૂખાં સમજાવે, અરે પાગલ, વગડામાં ન જવાય, ત્યાં વરુ હોય. એક દી ચાંદની વાડામાંથી નાઠી. અબ્બૂખાંએ લાખ શોધી, પણ ન મળી. દિવસ આખો ચાંદનીએ હરિયાળી સ્વતંત્રતા ચાખી. રાતે આવ્યું વરુ. ચાંદની શિંગડાંભેર ઝઝૂમી, રાત આખી. પરોઢિયે લોહીથી લથબથ સ્વરે બોલી, ‘યા અલ્લાહ! અપાય તેટલી લડત મેં આપી…’ વૃક્ષ પર ચકલીઓનું વૃંદ બેઠું હતું. સૌએ કહ્યું, ‘વરુ જીત્યું’ પણ એક વૃદ્ધ ચકલી બોલી, ‘ના, ચાંદની જીતી.’

ધસી આવતી આ પોષની રાત કેવી દેખાય છે? ગાંગરી ઊઠે હડબડ ઊભું થતું કોઈ ઊંટ, જાડા હોઠ દાંત આડેથી તાણી ખેંચતું, લાંબી ફલાંગોમાં પગ ચારે ફંગોળતું, મટોડિયા નદીનાં બંધતૂટ્યાં પૂર જેવી મેલી જાજરમાન ખૂંધ ઉછાળતું, થૂંક ઉરાડતું, ડોક લંબાવતું, બચકાં ભરવા જે ઝડપાય તેને, ને ગાંગરતું, ફરી ગાંગરતું ગંધારું જાણે ચીડિયું ઊંટ

કવિને રાત પ્રત્યે સહાનુભૂતિ નથી, (ક્યાંથી હોય?) એટલે થૂંક ઉરાડતા ઊંટ સાથે તેની તુલના કરે છે. સરવા કાનનો ભાવક ‘ગંધારું’ સાથે ‘અંધારું’ પણ સાંભળી શકશે.

ગાંગરતા બચકાં ભરતા ઊંટનું કરવું શું? ખેંચ એની પડખે દોડીને ચપળતાથી ખેંચ આ ઊંટડીના નાકમાં પરોવેલું ને જમણે પડખે લબડતું ધુમાડાનું વળખાતું દોરડું ખચાક ખેંચ એના ચિરાતા નાકમાંથી લાલ સૂરજનો દફડો પૂરવના પરોઢિયે ઊભરાય એવા જોરથી ખેંચ.

રાત્રિ — ઊંટના નાકમાં પરોવેલું દોરડું એવું ખચ્ચ દઈ ખેંચવું કે દદડી પડે પરોઢનો સૂરજ, લાલ. કવિ કહે છે, પોષની આ રાત કંઈ ભૂલમાં નથી પડી, તે ઋતુચક્રનો ભાગ છે. દુરિત તત્ત્વ એકલદોકલ નથી, બધે ફેલાયેલું છે.

કઈ રીતે પડકારીશું આને,

…જાણે બહેરા–બાવરા કરી નાખતા હાંકાના નગારિયા અવાજમાં વાઘણે

ડાચાના દાંત ને પંજાના પોલાદી નખ ખૂંપાવી દેવાના છે, પણ કઈ રીતે?

શત્રુ દેખાતો હોય તો વાઘણ તરાપ મારી શકે પણ હાંકાનાં નગારાંના અવાજમાં નહોર ન ભેરવી શકે! પરંતુ મદદ આવી રહી છે.

વાગશે, ઉગમણે સીમાડે હમણાં જ વાગી ઊઠશે કુમકે આવતા સૂરજનારાયણના ઘોડાના ડાબલા,

દેખાશે, બે ગાઉ દૂરની હમણાં જ દેખા દેશે ફાગણની હોળીના હૂંફાળા ભડકા,

મહેકશે, બસ આ જરા વારમાં મહેકી ઊઠશે ઊના ઊના ભોજનની છાતીભરીને સોડમ

કવિ ઇંદ્રિયોનું ‘પંચનામું’ કરે છે. ‘દેખાશે’ (દૃષ્ટિ), ‘ઘોડાના ડાબલા’ (શ્રુતિ), ‘મહેકશે’ (ઘ્રાણ), ‘હૂંફાળા’ (સ્પર્શ), ‘ઊના ભોજન’ (સ્વાદ). પરંતુ સૂરજનારાયણ ન આવ્યા અને તાપણામાં લાકડાનું છેલ્લું છોડિયુંયે ન રહ્યું, તો? તો ઊગજો…

ઊગજો ખંભાની ઉપર સહજપણે સળગી શકતો

માથા કરતાંય મથોડું ઊંચો ઊઠતો નાચતા નરસૈંયાનો અણનમ હાથ.

સૂરજનારાયણમાં ‘નારાયણ’ શબ્દ સમાયેલો છે અને નરસિંહમાં ‘નર’. જે નારાયણ ન કરી શકે તે નર કરશે. (‘હસ્તધૂનન’)